પદ્માવતી (1) (. .ની પ્રથમ સદી) : ગુજરાતના શક રાજા નહપાનની રાણી. દક્ષમિત્રાની માતા અને ઉષવદત્તની સાસુ. ગુજરાતના સૌપ્રથમ સ્વતંત્ર રાજકીય એકમના શાસકો પશ્ચિમી ક્ષત્રપો તરીકે જાણીતા હતા. શક જાતિના આ શાસકોમાં પહેલું કુળ ક્ષહરાત તરીકે ઓળખાતું હતું. આ કુળનો બીજો અને પ્રાય: છેલ્લો રાજા નહપાન હતો. તેણે ઈ. સ. 38થી 78 સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. આ દૃષ્ટિએ રાણી પદ્માવતી ઈસવી સનની પ્રથમ સદીમાં થઈ હોવાનું સૂચિત થાય છે.

ભરુકચ્છનિવાસી જૈનાચાર્ય વજ્રભૂતિ રાણી પદ્માવતીના ગુરુ હતા. ‘વ્યવહારસૂત્ર’ના ભાષ્યમાં અને તે ઉપરની મલયગિરિની ટીકામાં વજ્રભૂતિને નહપાનના સમકાલીન ગણાવ્યા છે. ‘વ્યવહારસૂત્ર’ મુજબ આચાર્ય વજ્રભૂતિ અને નહપાનની રાણી પદ્માવતી વચ્ચે સંવાદ થયાની નોંધ છે. એેટલે નહપાનના સમકાલીન વજ્રભૂતિ તે જ પદ્માવતીના ગુરુ વજ્રભૂતિ હોવાની બાબત સ્પષ્ટ થાય છે.

પદ્માવતીના પિતૃપક્ષની માહિતી ઉપલબ્ધ થતી નથી. પશ્ચિમી ક્ષત્રપોના શાસનમાં એનું કોઈ પ્રદાન જાણવા મળતું નથી, પરંતુ ભરુકચ્છના નભોવાહન(નહપાન)ની આ પત્ની રાજાની આજ્ઞા લઈ, ભેટણું લઈ રૂપહીન અને અત્યંત કૃશ આચાર્ય-કવિ વજ્રભૂતિને મળવા દાસીઓ સહિત ગઈ હોવાની કથા પ્રાપ્ય છે.

રસેશ જમીનદાર