પણિક્કર, કે. એમ. (જ. 3 જૂન 1895, કોવલમ, કેરળ; અ. 10 ડિસેમ્બર 1963, મૈસૂર) : જાણીતા ભારતીય લેખક, કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક, ઇતિહાસવેત્તા, કુશળ વહીવટી અધિકારી, મુત્સદ્દી, રાજદૂત અને કેળવણીકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કોવલમમાં. તેમના ઉચ્ચશિક્ષણની શરૂઆત ત્રિવેન્દ્રમમાં; પરંતુ પછી 1914માં ઇતિહાસના વધુ અધ્યયન માટે તેઓ ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ ગયા. તે દિવસોમાં સુપ્રસિદ્ધ મલયાળમ કવિ વલ્લથોલ નારાયણ મેનન સાથે તેમણે પત્રવ્યવહાર કર્યો હતો.
ઇંગ્લૅન્ડથી પરત આવ્યા બાદ અલીગઢની એમ. એ. ઓ. કૉલેજ (હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી,) અને પાછળથી કલકત્તા યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષયના પ્રાધ્યાપક તરીકે તેમની નિયુક્તિ થઈ. જોકે 1922માં વિદ્યાકીય જગતને છોડીને ચેન્નાઈથી અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ થતા રાષ્ટ્રીય દૈનિક ‘સ્વરાજ’ના તંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમની રાજકીય પત્રકારત્વની ભૂમિકા અહીંથી બંધાઈ. 1924માં તંત્રીપદનું સ્વેચ્છાએ રાજીનામું આપી મુંબઈમાં ગાંધીજી સાથેની મુલાકાત બાદ તેમને રાજકારણની પ્રવૃત્તિઓમાં સક્રિય થવાની પ્રેરણા મળી. એ જ વર્ષે તેમણે ‘ધ હિંદુસ્તાન ટાઇમ્સ’ની સ્થાપના કરીને તેના તંત્રી થયા. તે પછી ‘મિડલ ટેમ્પલ’ ઇંગ્લૅન્ડમાં પ્રવેશ મેળવી બૅરિસ્ટર થયા.
પણિક્કરે તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ હિંદનાં દેશી રજવાડાંઓ માટેના રાજવી મંડળ(ચેમ્બર ઑવ્ પ્રિન્સીઝ)ના ચાન્સેલરના સેક્રેટરી તરીકે કર્યો. પતિયાળા અને પાછળથી બીકાનેર રાજ્યના દીવાન તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી તેમની નિમણૂક ચીનના પ્રથમ એલચી (1948-52) તરીકે કરવામાં આવી. તેઓ ઇજિપ્ત (1952-53) અને ફ્રાન્સ(1956-59)ના એલચી પણ રહ્યા હતા. જીવનના ઉત્તરાર્ધમાં તેઓ મૈસૂર યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા.
‘પ્રૉબ્લેમ્સ ઑવ્ ગ્રેટર ઇન્ડિયા’ (1917), ‘એસેઝ ઇન એજ્યુકેશનલ રીકન્સ્ટક્શન’ (1920), ‘શ્રી હર્ષ ઑવ્ કનોજ’ (1922) તેમના શરૂઆતના તબક્કામાં પ્રસિદ્ધ થયેલ ગ્રંથો છે. આ ઉપરાંત કેરળના ઇતિહાસને લક્ષમાં લઈને તેમણે ‘મલબાર ઍન્ડ ધ પોર્ટુગીઝ’ (1929) અને ‘મલબાર ઍન્ડ ધ ડચ’ (1931) નામના ગ્રંથો પ્રસિદ્ધ કર્યા. ‘સર્વે ઑવ્ ઇન્ડિયન હિસ્ટરી’(1947)માં ભારતીય પ્રજાની વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રગતિ દર્શાવવાની તેમની નેમ છતી થાય છે. એશિયા ઉપર થયેલ યુરોપની અસરોના અભ્યાસના પરિણામે તેમણે મલબારમાં પોર્ટુગીઝ અને ડચ સત્તાઓનો પગપેસારો કેમ અને કેવી રીતે થયો તેનું બયાન તેમના ‘એશિયા ઍન્ડ વેસ્ટર્ન ડૉમિનન્સ’(1953)માં કર્યું છે. ‘ટૂ કલ્ચર્સ’ (1955)માં સામ્યવાદી ચીન પરત્વેનાં તેમનાં સહાનુભૂતિ અને સૂઝ-સમજભર્યાં અર્થઘટનો છે. પણિક્કરનું મોટું પ્રદાન તે તેમનાં ઇતિહાસ-વિષયક લખાણો છે.
પણિક્કરે પોતાની નવરાશની પળોમાં મલયાળમમાં સર્જનાત્મક લખાણ કરેલું છે. આમાં 18 કાવ્યસંગ્રહો, 5 નાટકોના સંગ્રહો, 8 નવલકથાઓ અને આત્મકથનાત્મક અભિગમવાળા 3 ગ્રંથો સાથે સાહિત્યવિવેચન અને રાજ્યશાસ્ત્ર પરના ગ્રંથો છે. ગ્રીક, ચીની, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓમાંથી તેમણે અનુવાદ રૂપે સાત ગ્રંથો આપ્યા છે. ઑક્સફર્ડના વિદ્યાર્થીકાળમાં તેમની કાવ્યકૃતિઓ ‘કવનકૌમુદી’ સામયિકમાં પ્રસિદ્ધ થઈ હતી. તે સૉનેટરીતિની અને આત્મલક્ષી કાવ્યપ્રકારની હતી. આ કાવ્યો પાછળથી ‘અપક્વ ફલમ્’ (1915) કાવ્યસંગ્રહમાં સંગૃહીત થયાં છે. મલયાળમની કવિતામાં સંસ્કૃતને બદલે દ્રાવિડ છંદોનો પ્રયોગ કરવાની તેમણે હિમાયત કરી. ‘પ્રેમગીત’ (1920) પ્રણયગીતોનો સંગ્રહ છે, જેમાં મોટેભાગે વિપ્રલંભ શૃંગારનાં કાવ્યો છે. ‘બાલિકામતમ્’(1924)માં બાળકો અને કિશોરો માટેનાં બાલમાનસનાં વિવિધ મનોરમ ચિત્રો રજૂ કરતાં સુગેય કાવ્યો છે. ‘ચાટૂક્તિ મુક્તાવલી’(1927)માં સંસ્કૃત શૈલીનાં સુભાષિતો છે. ‘ભૂપસંદેશમ્’ સંદેશકાવ્ય અને ‘હૈદરનાયક’ ચંપૂકાવ્ય છે. ‘પંકિપરિણયમ્’, ‘સુકુમારવિજયમ્’, ‘સિનિમાતારમ્’ વગેરે હાસ્યરસિક કાવ્યસંગ્રહો છે. ‘વેલુત્તમ્પિદલવા’, ‘કુરુક્ષેત્ર ગાંધારી’ અને ‘આમ્રપાલી’ વગેરે તેમની મૌલિક કાવ્યકૃતિઓ છે. આ ઉપરાંત તેમણે ઉમર ખય્યામની રુબાયતનું ‘રસિકરસાયનમ્’ નામે, મહાકવિ કાલિદાસકૃત ‘કુમારસંભવમ્’નું સંસ્કૃતમાંથી પદ્યાત્મક અને ચીની રચનાનું ભાષાંતર ‘ઈણપ્પક્ષિ’(કપોતયુગ્મ) વગેરે આપ્યાં છે. તેમણે ગ્રીક ભાષામાંથી સૉફોક્લીસના ‘ઇડિપસ’નું અને અંગ્રેજીમાંથી શેક્સપિયરના ‘કિંગ લિયર’ નાટકનું ભાષાંતર પણ કર્યું છે. ‘મંદોદરી’ અને ‘નૂરજહાન’ નાટકોમાં પુરાણ અને ઇતિહાસમાંથી વસ્તુ લીધેલ છે. ‘કવિતાતત્ત્વનિરૂપણમ્’(1935)માં પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય કાવ્યવિભાવનાને સ્પષ્ટ કરી છે. તેમની આત્મકથાનું શીર્ષક ‘આત્મકથા’ (1957) છે.
પણિક્કરનું સાહિત્યક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન તેમની ઐતિહાસિક નવલકથાઓ છે. ‘શેરસ્સિની’ તેમની પ્રથમ નવલકથા છે. ‘કેરાલાસિંહમ્’(ધ લાયન ઑવ્ કેરાલા)માં અંગ્રેજો સામે ગેરીલા પદ્ધતિથી અનેક વાર વિજય મેળવનાર, સ્વાતંત્ર્યસેનાની રાજા કેરળવર્માની જીવનગાથા રજૂ કરવામાં આવી છે. ‘પરેકિપ્પય્યાલિ’(ધ પોર્ટ્યુગીઝ સોલ્જર)માં પોર્ટુગીઝ સત્તાએ મલબારના કિનારા પર ઊતરીને સત્તા હાંસલ કરવાના પ્રયત્ન કર્યા તેનું બયાન છે. ‘પુનર્કોટ્ટુસ્વરૂપમ્’ ઇતિહાસ કરતાં દંતકથા વિશેષ છે. મલયાળમ સાહિત્યમાં એ રીતે તેમનું પ્રદાન વિશિષ્ટ રહ્યું છે.
ચન્દ્રકાન્ત મહેતા
વિ. પ્ર. ત્રિવેદી