પણિક્કર, શંકર (આશરે ચૌદમી સદીનો ઉત્તરાર્ધ અને પંદરમી સદીનો પૂર્વાર્ધ) : તમિળ કવિ. જે કણ્ણશ કૃતિઓ આજે ઉપલબ્ધ છે, તેમાં શંકર પણિક્કરનું કર્તૃત્વ નોંધપાત્ર છે. તેમની જન્મભૂમિ તિરુવલ્લા તાલુકાનો નિરણમ્ નામનો પ્રદેશ હતો. ‘મણિપ્રવાલમ્’ શૈલી તેમણે અપનાવી હતી. કણ્ણશ કૃતિઓમાં તેમની ‘ભારતમાલા’ મહત્ત્વની કૃતિ છે. તે કેવળ અનુવાદ નથી બલકે ઔચિત્યસભર સારાંશ છે. મહાભારતનો આધાર લઈને મલયાળમમાં લખાયેલી પ્રૌઢ કૃતિઓમાં તે સૌપ્રથમ હોવાનું જણાય છે.

તમિળ કવિતાના સિદ્ધાંતોને અનુસરતાં પાટ્ટુઓ(ગીતો)માં સંસ્કૃત સાહિત્યના વધતા પ્રભાવથી મલયાળમ કાવ્યરચનાઓમાં પરિવર્તન સહજ અપેક્ષિત હતું. પાટ્ટુઓની પદાવલિ તમિળ મૂળાક્ષરોમાં રજૂ કરી શકાય એવી હોવી જોઈએ, એવો જે નિયમ હતો તેનો ભંગ સંસ્કૃતીકરણની પ્રક્રિયાને લીધે થયો અને પાટ્ટુઓ ‘મણિપ્રવાલમ્’ જેવા પ્રભાવક સાહિત્યની હરોળમાં સ્થાન પામ્યાં.

ચૌદમી સદીના ઉત્તરાર્ધ અથવા પંદરમી સદીના આરંભમાં લખાયેલી કણ્ણશ કૃતિઓ આ વાતનું સમર્થન કરે છે. આ રચનાકારોએ ‘મણિપ્રવાલમ્’ કવિતાથી ભિન્ન, સમકાલીન પરિસ્થિતિને આલેખતી પ્રૌઢિયુક્ત અને તત્ત્વચિંતનસભર કૃતિઓ આપી છે. શૃંગાર-પ્રધાન કવિતાથી આગળ વધી વિશાળ જીવનદર્શન તેમની રચનાઓમાં જોવા મળે છે. પરિણામે મલયાળમ સાહિત્ય રામાયણ, મહાભારત, ભાગવત આદિ પૌરાણિક સાહિત્યથી સમૃદ્ધ બન્યું.

રમેશ મં. ત્રિવેદી