પણિકર, (ડૉ.) કે. અય્યપ્પા (. 12 સપ્ટેમ્બર 1930, કેરળ; . 23 ઑગસ્ટ 2006, તિરુવનંતપુરમ્) : કેરળના સમર્થ કવિ. કવિતા માટે 1975માં તેમને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત કૃષ્ણ મેનન ઍવૉર્ડ પણ મળ્યો હતો. વડાકેલ ઍવૉર્ડ, રાઇટર્સ કોઑપરેટિવ સોસાયટી ઍવૉર્ડ (1978), સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ (1989), મહાકવિ કુટ્ટનાથ ઍવૉર્ડ (1990); મહાકવિ ઉલતૂર ઍવૉર્ડ (1991), મસ્તક-કેરળ કલ્ચરલ સેન્ટર ઍવૉર્ડ (1992), એશિયન પ્રાઇઝ (1993) વગેરે ઍવૉર્ડ તથા મધ્યપ્રદેશ સરકાર તરફથી કબીર સન્માન તેમને પ્રાપ્ત થયાં છે. ઑલ ઇંડિયા ઇંગ્લિશ રિસર્ચ કૉન્ફરન્સના પ્રમુખ; દ્રાવિડિયન લિંગ્વિસ્ટિક ઍસોસિયેશનના સભ્ય; અમેરિકન સ્ટડીઝ સેન્ટર તેમજ ઇંડિયન ઍસોસિયેશન ફૉર ઇંગ્લિશ સ્ટડીઝના સભ્ય; કેરળ તથા કાલિકટ યુનિવર્સિટીઓની એકૅડેમિક કાઉન્સિલના સભ્ય; સંગીત-નાટક અકાદમીના સભ્ય; યુનિવર્સિટી ઑવ્ હૈદરાબાદ કૉર્ટના સભ્ય; મદ્રાસ, મૈસૂર, કાલિકટ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની બોર્ડ ઑવ્ સ્ટડીઝના સભ્ય; સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય; ‘કેરળ કવિતા’ના મુખ્ય સંપાદક તથા યુજીસી નૅશનલ લેક્ચરર (1985-86)  જેવાં અનેક પદોએ રહી તે અંગેની જવાબદારી તેમણે સુપેરે અદા કરી છે. પણિકરે લગભગ ચાર દાયકા સુધી (1951-1990) અંગ્રેજી ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે શિક્ષણકાર્ય કર્યું. ‘લિટરરી સ્ટડીઝ ઇંગ્લિશ ઍન્ડ ઇંડિયા, વલ્લથોલ : એ સેન્ટિનરી પર્સ્પૅક્ટિવ’ના તેઓ સહસંપાદક હતા. ‘મલયાળમ ટૂંકી વાર્તાઓ’, ‘કેરળના અંગ્રેજી લેખકો’, ‘ઇન્ડિયન રેનેસાંસ’, ‘કુમારન આસન – ધ મૅન ઍન્ડ ધી આર્ટિસ્ટ’ તથા અંગ્રેજીમાં ‘મલયાળમ ઍન્થૉલૉજી’ જેવા ગ્રંથોનું તેમણે સંપાદન કર્યું છે. તેમણે ‘અય્યપ્પા પનિકરુડે ક્રિતિકાલ’ (ત્રણ ગ્રંથો), ‘હિસ્ટ્રી ઑવ્ મલયાળમ લિટરેચર’, ‘કે. એમ. પનિક્કર ઍન્ડ મંજેરી એસ. ઈશ્વરન્’, ‘અય્યપ્પા પનિકરુડે લેખનાંગલ’; ‘એઝુ કવિતાકાલ પતનાંગલમ્’, ‘તકષી શિવશંકર પિલ્લૈ’, ‘પટ્ટુ કવિતાકાલ પતનાંગલમ્’ વગેરે પુસ્તકો આપ્યાં છે.

તેમણે અંગ્રેજી વિષય સાથે 1951માં યુનિવર્સિટી કૉલેજ તિરુવનંતપુરમ્ માંથી બી.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. એમ.એ. કરીને રૉબર્ટ લોવેલની કવિતા ઉપર પીએચ.ડી. કર્યું. તેમની 12 વર્ષની ઉંમર થઈ ત્યારે તેમના માતાનું અવસાન થયું. નાનપણથી જ લેખનનો શોખ. 16 વર્ષની ઉંમરે તેમની પ્રથમ કવિતા ‘માતૃભૂમિ’ અઠવાડિકમાં પ્રસિદ્ધ થઈ હતી. યુનિવર્સિટી ઑવ્ કેરાલામાં તેઓ અંગ્રેજીના પ્રોફસર અને અધ્યક્ષ, 1974થી રીડર, આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને 1990માં સેવાનિવૃત્ત થયા.

1952-58ના સમયગાળામાં પણિકરે 294 પંક્તિઓ અને પાંચ વિભાગોમાં ‘કુરુક્ષેત્ર’ નામે એક દીર્ઘ કાવ્યરચના કરી, જે 1960માં પ્રકાશિત થઈ. 1968માં તેમના તંત્રીપદે ‘કેરળ કવિતા’નું પ્રકાશન શરૂ થયું, જે આધુનિકતાની દૃષ્ટિએ મહત્ત્વની ઘટના છે. તે આધુનિક રીતિના આકારવાદી કવિ રહ્યા છે. તેમનો પ્રભાવ સાંપ્રત મલયાળમ કવિપેઢી પર પડ્યો છે. તેમનાં વિવેચનો ‘હિમ્સ ટુ ડેથ’, ‘ડેઝ ઍન્ડ નાઇટ્સ’-એ વાચકોની સંવેદનશીલતાને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

તેમની મહત્ત્વની કૃતિઓ તે ‘કલેક્ટેડ પોએમ્સ’ (ત્રણ ગ્રંથ), ‘કલેક્ટેડ એસેઝ’ (બે ગ્રંથ), અને ‘કલેક્ટેડ ટ્રાન્સલેશન્સ’ (કાવ્યો  એક ગ્રંથ). આ ઉપરાંત તેમણે ક્યૂબાની કવિતાનું મલયાળમમાં કાવ્ય-રૂપાંતર કર્યું છે. તેમણે માયા કૉવ્સકીનાં કાવ્યો અને રાજા રાવની કૃતિ ‘કૅટ ઍન્ડ શેક્સપિયર’ને પણ મલયાળમમાં ઉતાર્યાં છે.

રમેશ મં. ત્રિવેદી