પંડિત, પરમાનંદઝાંસી’ (. 6 જૂન 1892, સિકરૌધા, બુંદેલખંડ; . 13 એપ્રિલ 1982, દિલ્હી) : કેન્દ્રીય ક્રાંતિકાર. કિશોરાવસ્થાથી જ રાષ્ટ્રપ્રેમી. પંડિત સુંદરલાલ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત મોતીલાલ નહેરુનો તેમના ઉપર પ્રભાવ પડ્યો હતો. વિદેશી સત્તા સામે સશસ્ત્ર ક્રાંતિ કરવા સ્થપાયેલ એક ગુપ્ત સંગઠનમાં જોડાઈ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા લાગ્યા. વડીલ બંધુએ ઠપકો આપવાથી બ્રિટિશ સરકાર સામે લડત આપવા ગૃહત્યાગ કર્યો અને આજીવન અવિવાહિત રહ્યા. તેઓ વારાણસી જઈ ત્યાંના ગુપ્ત ક્રાંતિકારી દળમાં સક્રિયપણે જોડાયા. પરદેશથી શસ્ત્રો લાવવાની કામગીરી તેમને સોંપવામાં આવી. તેમણે સિંગાપોર અને હૉંગકૉંગમાં ગદર પક્ષની સ્થાપના કરી હતી. 1914માં યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. ઇંગ્લૅન્ડ તેમાં જોડાયું હોવાથી, તે તકનો લાભ લેવાના ઇરાદાથી ભારતમાં વ્યાપક બળવો કરવાનું ક્રાંતિકારોએ આયોજન કર્યું. તે માટે વિદેશોમાંથી સેંકડો ક્રાંતિકારોને, માતૃભૂમિની મુક્તિ વાસ્તે ભારત મોકલવામાં આવ્યા. હૉંગકૉંગથી ક્રાંતિકારોની ટુકડી પરમાનંદના નેતૃત્વ હેઠળ ‘તોસા મારુ’ જહાજ(સ્ટીમર)માં નીકળીને 29 ઑક્ટોબર 1914ના રોજ કૉલકાતા બંદરે આવી પહોંચી. વિશ્વયુદ્ધ ચાલુ હોવાથી બ્રિટિશ સરકાર સચેત અને સતર્ક હતી. આ હિલચાલથી સરકાર માહિતગાર હોવાથી, ‘તોસા મારુ’ જહાજની તપાસ કરવામાં આવી. તેમાંથી શસ્ત્રો મળી આવવાથી ક્રાંતિકારોની ધરપકડ કરવામાં આવી; પરંતુ પરમાનંદ અને કેટલાક સાથીઓ કુલીના વેશમાં છટકી ગયા અને લાહોર પહોંચ્યા. તેમણે પંજાબનાં ગામોમાં ફરીને રાજદ્રોહી વિચારો ફેલાવી લોકોને બળવો કરવા તૈયાર કર્યા. અમૃતસરમાં મળેલી ગુપ્ત સભામાં પરમાનંદને ઝાંસી તથા કાનપુરની વ્યવસ્થા સોંપવામાં આવી. 18 ફેબ્રુઆરી, 1915ના રોજ પરમાનંદ પેશાવર પહોંચ્યા. ત્યાં પરમાનંદ સહિત 27 ક્રાંતિકારોની દેશદ્રોહના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી. કેસ ચલાવીને તેમને ફાંસીની સજા થઈ; પરંતુ તેનો ઘણો વિરોધ થવાથી કેસની ફેરવિચારણા કરીને પરમાનંદને કાળા પાણીની સજા કરી, આંદામાન મોકલવામાં આવ્યા. ત્યાં જેલમાં પણ જેલર સામે તેમણે બળવો કર્યો હતો. 1923માં તેમને પુણેની જેલમાં લાવવામાં આવ્યા. ત્યાંથી સાબરમતી જેલમાં અને છેલ્લે લાહોર લઈ જઈ ત્યાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા. જવાહરલાલ નહેરુ અને સુભાષચન્દ્ર બોઝે 1928માં ઇન્ડિપેન્ડન્સ લીગ સ્થાપી હતી. તેમાં પરમાનંદજી જોડાયા અને પૂર્ણ સ્વતંત્રતાના પ્રચારમાં પણ મહત્વનો ભાગ લીધો.

જયકુમાર ર. શુક્લ