પંડિત, ગટ્ટુલાલજી (. 1844, જૂનાગઢ; . 1898, ભાવનગર) : ભારતીય સંસ્કૃતિ અને શુદ્ધાદ્વૈતી પુષ્ટિમાર્ગના પ્રકાંડ વિદ્વાન. શતાવધાની દાર્શનિક, પ્રજ્ઞાચક્ષુ મહાપંડિત. મૂળ ગોકુળના તૈલંગ બ્રાહ્મણ. પિતા પંચનદી ઘનશ્યામ શર્મા કોટા-રાજસ્થાનમાં સ્થિર થયેલા. માતા લાડુબેટીજી જૂનાગઢના ગોસ્વામી વ્રજવલ્લભ મહારાજનાં પુત્રી. બાળપણનું નામ ગોવર્ધન શર્મા પણ સ્નેહથી સહુ ‘ગટ્ટુલાલ’ કહેતા, જે નામ પાછળથી પ્રસિદ્ધ થયું. બાળપણથી જ તીવ્ર ધારણા(સ્મરણ) શક્તિ અને કવિત્વશક્તિ ખીલી હતી. છ વર્ષની ઉંમરે ‘અમરકોશ’ કંઠસ્થ કરેલો. આઠમે વર્ષે યજ્ઞોપવીત અને પુષ્ટિમાર્ગીય બ્રહ્મસંબંધ દીક્ષા પામ્યા. નવમે વર્ષે શીતળાના પ્રકોપને લઈને બાહ્ય-દૃષ્ટિ ગુમાવતાં આંતરદૃષ્ટિ પૂર્ણપણે પ્રગટી. જૂનાગઢની હવેલીમાં મામાને ત્યાં રહીને પિતાજી ઘનશ્યામ શર્મા પાસે સંસ્કૃત ભાષા અને શાસ્ત્રો શીખ્યા. `સિદ્ધાંતકૌમુદી’ અને તેની અનેક ટીકાઓ, કાવ્ય, નાટક, ચમ્પૂ, ન્યાય, મીમાંસા તેમજ વેદાન્તનો અભ્યાસ અલ્પવયમાં પૂરો કરી વિદવત્તા પ્રાપ્ત કરી.

1860માં જૂનાગઢ છોડી મુંબઈ જઈ વસ્યા. 1862માં અઢાર વર્ષના પ્રજ્ઞાચક્ષુ પંડિતજી કાશી ગયા અને ત્યાં ‘રુક્મિણી હરણમ્ ચમ્પૂ’, ‘શુદ્ધાદ્વૈત-ચંદ્રોદય’, ‘શક્તિકિરણ’, ‘તન્ત્રકિરણ’, ‘દુર્ગાપાઠવિવૃત્તિ’ જેવા ગ્રંથો રચી ખ્યાતિ પ્રાપ્ત કરી. તેમની વિદવત્તા અને અદભુત અવધાનશક્તિથી પ્રસન્ન થયેલા કાશીના પંડિતોએ તેમને ‘પ્રસિદ્ધપંડિત’ની પદવીથી નવાજ્યા. તેમની અવધાનશક્તિ અને વિદબત્કસોટીના કાશી ઉપરાંત મુંબઈ, કૉલકાતા, દિલ્હી અને બીજાં અનેક નગરોમાં ખાસ પ્રયોગો થયા. તેમને માનપત્રો અને પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા.

એ જમાનાના પ્રસિદ્ધ પંડિત મહામહોપાધ્યાય મહેશચંદ્રશાસ્ત્રી, શિવકુમારશાસ્ત્રી, ગંગાધરશાસ્ત્રી જેવા અનેક દિગ્ગજ પંડિતોએ પંડિત ગટ્ટુલાલજીની વિદવત્તાથી પ્રસન્ન થઈને તેમને ‘વેદાન્ત-ભટ્ટાચાર્ય’, ‘ભારતમાર્તંડ’, ‘શીઘ્રકવીશ્વર’, ‘આશુકવિ’ તેમજ ‘વિદવદરત્ન’ જેવાં દુર્લભ બિરુદોથી નવાજ્યા હતા.

પ્રો. સર. મોનિયર વિલિયમ્સ અને સર વિલિયમ્સ વેડરબર્ન જેવા પાશ્યાત્ય પંડિતો પણ તેમની વિદવત્તાથી પ્રભાવિત થઈ તેમની પાસે જ્ઞાનચર્ચાઓ કરવા આવતા.

કિશનગઢ(રાજસ્થાન)ના નરેશે તેમને સુવર્ણની છડી અર્પણ કરી હતી. લખતર(સૌરાષ્ટ્ર)ના ઠાકોર મહારાણા કરણસિંહે તેમજ ભાવનગરનરેશ ભવાનીસિંહે પણ તેમનું ગૌરવપૂર્ણ સમ્માન કર્યું હતું.

મુંબઈના વસવાટ દરમિયાન પંડિતજીએ મુખ્યત્વે સંસ્કૃતમાં અને કેટલુંક વ્રજ અને ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જન કર્યું.

પંડિત ગટ્ટુલાલજી સંસ્કૃત, વ્રજ અને ગુજરાતી ભાષાના સર્જક હતા. તેમણે અનેક કૃતિઓ રચી છે, જેમાંની નિબંધ સ્વરૂપની રચનાઓ નાશ પામી છે. તેમની મહત્વની કૃતિઓમાં વિદ્યાનંદસ્વામીની ‘પંચદશી’ની હરોળનો ‘વેદાંતચિંતામણિ  પંચદશી’ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચાયેલ શાસ્ત્રીય કૃતિ છે. એમાં વલ્લભવેદાંત અને પુષ્ટિમાર્ગનું સપ્રમાણ વિશદ નિરૂપણ થયું છે. नामूलं लिख्यते किञ्चित् એ મલ્લિનાથની ઉક્તિનો સત્વાર્થ આ ગ્રંથમાં વ્યક્ત થયો છે અને તદનુસાર વેદ, ઉપનિષદો, પુરાણો અને ભગવદગીતા જેવા અનેક ગ્રંથોનાં ઉદ્ધરણોથી ગ્રંથ પુષ્ટ બન્યો છે. ‘યમુનાલહરી’, ‘કંસવધ’ અને ‘કૃષ્ણાભિસાર’ ગદ્યપદ્યાત્મક સંસ્કૃત રચનાઓ છે. ‘સત્સિદ્ધાંતમાર્તંડ’ અને ‘મારુતિશક્તિ-પ્રાભંજન’ નૈયાયિક કોટિના સંસ્કૃત વાદગ્રંથો છે. ‘કૃદંતવ્યૂહ’ સંસ્કૃત વ્યાકરણને લગતો ગ્રંથ છે. શ્રીમદવલ્લભાચાર્ય પ્રણીત ‘તત્વાર્થદીપનિબંધ’ની ‘આવરણભંગ’ નામે ટીકા એમની પાંડિત્યપૂર્ણ રચના છે. ‘સુભાષિત-લહરી’ એ સરળ સુમધુર ગુજરાતી કૃતિ છે.

મુંબઈમાં મરકી ફાટી નીકળતાં તેમને લખતરનરેશે પોતાના રાજ્યમાં વસવાટ માટે બોલાવ્યા. પંડિતજીની ચિકિત્સાનો બધો પ્રબંધ કર્યો. ટૂંકી બીમારી બાદ 54 વર્ષે તેઓ ભાવનગરમાં અવસાન પામ્યા. ત્રણ દિવસ પછી તેમનાં પત્ની વિદ્યાલક્ષ્મી પણ અવસાન પામ્યાં. પંડિતજીના સ્વજનો અને શિષ્યોએ એકઠા મળીને આ વિદ્યાપુરુષની સ્મૃતિ ચિરંજીવ રાખવા માટે મુંબઈ(ભુલેશ્વર)માં આવેલા બાલમુકુંદજીના મંદિરમાં વિદ્યાલક્ષ્મી સંસ્કૃત પાઠશાળા અને ધાર્મિક સંસ્કૃત પુસ્તકાલયની સ્થાપના કરી, જે અદ્યાપિપર્યંત ચાલુ છે. આ ઉપક્રમમાં પંડિતજીના ઉપલબ્ધ બધા ગ્રંથોને પ્રકાશિત કરવામાં આવ્યા છે.

પ્રવીણચંદ્ર પરીખ