પંડિત પરમેશ્વર શાસ્ત્રી વિલુનામા (1963)

January, 1999

પંડિત પરમેશ્વર શાસ્ત્રી વિલુનામા (1963) : તેલુગુ લેખક ત્રિપુરાનેની ગોપીચંદ(1910-1962)ની નવલકથા. આ નવલકથાના લેખકને 1963નો સાહિત્ય અકાદમીનો મરણોત્તર ઍવૉર્ડ અપાયો હતો.

આ નવલકથાનો નાયક કેશવમૂર્તિ ઉચ્ચ કક્ષાનો લેખક છે. આદર્શવાદી છે અને સાત્વિક જીવન જીવે છે. એ પરમેશ્વર શાસ્ત્રીની પુત્રી સત્યવતીની જોડે પ્રેમલગ્ન કરે છે. બંને ભિન્ન ભિન્ન જ્ઞાતિનાં હોવાથી પરમેશ્વર શાસ્ત્રી એમનાં લગ્નની વિરુદ્ધ છે. એટલે બંને મંદિરમાં જઈ લગ્ન કરે છે. બંનેનું લગ્નજીવન અત્યંત સુખી છે. બંને એકબીજાંને અનુકૂળ થઈને રહે છે. સંઘર્ષ થાય છે, પણ એ બંને વચ્ચે નહિ, પરંતુ દાંપત્ય બહારનાં પરિબળો જોડે થાય છે. એમનું આદર્શ દાંપત્યજીવન છે. પણ કેશવમૂર્તિને ગામના ઉતાર એવા ચાર મિત્રો છે, જે પતિ-પત્ની વચ્ચે તિરાડ પડાવે છે. તંગ પરિસ્થિતિને હળવી કરવા પતિ-પત્ની પુદુચેરી અરવિંદ આશ્રમમાં જાય છે. ત્યાં થોડો સમય રહીને શાંતિ મેળવે છે. તે પછી ગામડામાં જઈને શિક્ષકની નોકરી લે છે. એ અને એની પત્ની ગ્રામોદ્ધારના કાર્યમાં સક્રિય બને છે. ત્યાં પરમેશ્વર શાસ્ત્રી મરણપથારીએ છે. તેમનો સંદેશો આવતાં બંને ત્યાં જાય છે. પરમેશ્વર શાસ્ત્રીએ વિલ કર્યું છે અને તેમાં એમની અઢળક  સંપત્તિ જમાઈને આપી છે. એમાં એ પણ જણાવ્યું છે કે સત્યવતી એમની દત્તક પુત્રી છે અને એ તો એમના રસોઇયાની ગેરકાયદેસર પુત્રીને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું એટલે એમણે દત્તક લીધેલી અને પોતાની પુત્રી તરીકે ઉછેરેલી. આ રીતે આ કથા સામાજિક સમસ્યાના સુખદ અંતમાં પરિણમે છે.

ચન્દ્રકાન્ત મહેતા