નેદુન્જેલિયન : દક્ષિણ ભારતના પાંડ્ય વંશનો પ્રતાપી રાજા. રાજ્યઅમલ ઈ. સ. 765થી 815. મારવર્મન રાજસિંહ પહેલાનો પુત્ર નેદુન્જેલિયન મારંજેલિયન, પરાંતક, જટિલવર્મન તથા વરગુણ પ્રથમ તરીકે પણ જાણીતો છે. તે ‘પંડિતવત્સલ’ અને ‘પરાંતક’ (શત્રુઓને હણનાર) કહેવાતો. તેણે કાવેરી નદીના દક્ષિણના કાંઠે તાંજોર પાસેના પેનાગદમ મુકામે પલ્લવો સામે જ્વલંત વિજય મેળવ્યો હતો. તેણે ત્રાવણકોર તથા તિરુનેલવેલી વચ્ચેના પર્વતાળ પ્રદેશના રાજા આયોવલની આગેવાની હેઠળ નાના રાજવીઓના બળવાને કચડી નાખ્યો હતો. તેણે સેલમ જિલ્લાનું તગદુર કબજે કર્યું. તેના રાજ્યઅમલનાં 25 વર્ષ તેણે લડાઈઓ કરી. તેણે વિજયો દ્વારા તાંજોર, તિરુચિરાપલ્લી, સેલમ તથા કોઇમ્બતુર જિલ્લા અને દક્ષિણ ત્રાવણકોર કબજે કર્યાં. આ સામ્રાજ્યવાદી રાજાએ પલ્લવો તથા ચેર વંશના રાજાઓને હરાવ્યા હતા. તેણે શિવ અને વિષ્ણુ ભગવાનનાં મંદિરો બંધાવ્યાં હતાં. તેણે ‘પરમેશ્વર’નો ઇલકાબ ધારણ કર્યો હતો તથા યજ્ઞો કર્યા હતા. તાંજોર જિલ્લાના તલૈયાલંગાનમના સંગ્રામમાં તેણે મેળવેલ વિજયની પ્રશસ્તિ સદીઓ પર્યંત ગવાતી હતી. તે પોતે કવિ હતો અને કવિઓને પ્રોત્સાહન આપતો હતો. માંગુડી મરુદન તથા નક્કીરર નામના બે મહાકવિઓએ તેના વિશે કાવ્યો રચ્યાં છે.
ભારતી શેલત