નેધરલૅન્ડ્ઝ

વાયવ્ય યુરોપમાં ઉત્તર સમુદ્રને કિનારે આવેલો દેશ. જૂનું નામ હોલૅન્ડ. ‘હોલૅન્ડ’ શબ્દનો અર્થ થાય છે ‘કાંઠાળ પ્રાંતો’. આ નામ પહેલાં કિનારા નજીકના અમુક ભાગ પૂરતું જ મર્યાદિત હતું, પછીથી તે આખા દેશ માટે વપરાતું થયેલું; આજે  તે હોલૅન્ડના નામથી પણ ઓળખાય છે. અંગ્રેજીભાષી દેશોમાં નેધરલૅન્ડ્ઝના લોકોને ડચ તરીકે ઓળખે છે. આ દેશ 52° 15´ ઉ. અ. અને 5° 30´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે, અથવા આશરે 50° 45´ ઉ. અ.થી 53° 25´ ઉ. અ. અને 3° 27´ પૂ. રેથી 7° 10´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનો કુલ ભૂમિવિસ્તાર 33,756 ચોકિમી. છે, જ્યારે જળભાગ સહિત તેનો કુલ વિસ્તાર 41,543 ચોકિમી. થાય છે. દેશનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 315 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 269 કિમી. છે. દરિયાકિનારો 367 કિમી. લંબાઈનો છે. ઉત્તર અને પશ્ચિમ તરફ ઉત્તર સમુદ્ર, પૂર્વમાં જર્મની અને દક્ષિણમાં બેલ્જિયમ દેશ આવેલા છે. દેશના ઈશાન કોણ તરફ જર્મનીની સરહદ પર ડોલાર્ડનો ઉપસાગર આવેલો છે.

નેધરલૅન્ડ્ઝ

ભૂપૃષ્ઠ અને પ્રાકૃતિક રચના : સમગ્ર યુરોપ ખંડમાં નેધરલૅન્ડ્ઝનું ભૂપૃષ્ઠ લગભગ સમતલ સપાટ છે, એટલું જ નહિ તેની વિશેષતા એ છે કે કેટલોક ભૂમિભાગ સમુદ્રસપાટી કરતાં 6.7 મીટર જેટલો નીચો છે. દેશના છેક દક્ષિણ ભાગમાં બેલ્જિયમની સરહદ નજીક ઊંચામાં ઊંચું સ્થાન વાલ્સેરબર્ગ 321 મીટરની ઊંચાઈવાળું છે. આ દેશે સમુદ્ર સામે સતત સંઘર્ષ કરી, ભૂમિને નવસાધ્ય કરી છે, જમીનોને ખેતીયોગ્ય બનાવી છે. આ ઉપરથી અહીંની લોકવસ્તીમાં એક કહેવત પ્રચલિત બની ગઈ છે – ‘ઈશ્વરે દુનિયાનું સર્જન કર્યું, તો ડચ લોકોએ હોલૅન્ડનું નિર્માણ કર્યું; કારણ કે દેશનો લગભગ B ભૂમિભાગ પહેલાં દરિયાઈ જળ ભરાઈ જવાથી, સરોવરોથી તેમજ કળણભૂમિથી છવાયેલો રહેતો હતો. જળઆવરણવાળા આવા ભાગોને ત્યાંના લોકો પૉલ્ડર (પૉલ્ડર એટલે રેતીના ઢૂવાથી, પાળા બાંધવાથી કે માનવપ્રયાસથી અવરોધો તૈયાર કરવાથી નિર્માણ થતો પંકવાળો ભૂમિભાગ) તરીકે ઓળખતા. ભૂસ્તરીય સંદર્ભમાં જોતાં આ દેશની ભૂમિરચના ટર્શ્યરી કાળ દરમિયાન તૈયાર થયેલી છે. ઉપરાંત, પ્લાયસ્ટોસીન કાલખંડમાં પ્રવર્તેલા હિમયુગો દરમિયાન વાયવ્ય યુરોપનો સમગ્ર ભાગ હિમજન્ય ઘસારાની ક્રિયા હેઠળ આવેલો, તે પૈકી અહીંનું ભૂમિતળ વધુ પડતું ઘસાઈને સમુદ્રસપાટી કરતાં પણ નીચું બની ગયેલું હોવાનું મનાય છે. સમુદ્રકિનારા તરફનો ભૂમિભાગ હિમજન્ય કાંપજમાવટથી રેતીના ઢૂવાઓની માફક ઊપસેલો બની રહેલો છે. પછીના સમયમાં ત્યાં નદીકાંપ પથરાતો જવાથી પંકપ્રદેશો તૈયાર થયેલા છે. આ પ્રકારના જળઆચ્છાદનવાળા ભાગોને માનવપ્રયાસોથી નવસાધ્ય બનાવીને સમુદ્ર-આક્રમણથી રક્ષિત કરી જાળવી રાખવામાં આવેલા છે. આ ઉપરાંત સમુદ્રજળને અંદરના ભૂમિભાગમાં ફરી વળતાં અટકાવવા માટે અહીં ઉત્તર તરફ આવેલા સમુદ્રફાંટાની ઉત્તર કિનારી પર 36 કિમી. લાંબો ઈસેલમીઅર બંધ બાંધવામાં આવેલો છે, જે ‘ઝ્યુડર ઝી’ નામથી ઓળખાય છે. આ બંધને કારણે અહીં પાંચ પૉલ્ડર વિભાગો – ઈશાન પૉલ્ડર, પૂર્વ ફ્લેવોલૅન્ડ પૉલ્ડર, વિરિન્જર્મીર પૉલ્ડર, નૂરડુસ્ટ પૉલ્ડર અને દક્ષિણ પૉલ્ડર – રચાયા છે. દેશનાં સમૃદ્ધ નગરો અને ખેતીયોગ્ય ભૂમિ આ વિભાગોમાં જોવા મળે છે, રાજધાની ઍમસ્ટર્ડૅમ પણ પૉલ્ડર પર જ આવેલી છે. યુરોપ ખંડના મધ્યના મેદાની પ્રદેશને પશ્ચિમ છેડે આવેલા આ દેશનાં અર્ધાથી વધુ ભૂપૃષ્ઠ અને ભૂરચનામાં અહીંની રહાઇન, શેલ્ડ, માસ, લેક, વાઅલ, ઇસેલ, વેક્ટ વગેરે જેવી નદીઓના કાંપથી બનેલા નિક્ષેપોનો વિશેષ ફાળો છે. નદીઓને નહેરોથી જોડી છે, જેનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે.

પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ નેધરલૅન્ડ્ઝના ત્રણ કુદરતી વિભાગો પડે છે : (1) પૂર્વ નેધરલૅન્ડ્ઝ : આ વિભાગ ઇસેલ સરોવરની પૂર્વ તરફ આવેલો છે, જ્યાં ખેતી, પશુપાલન અને વિવિધ ઉદ્યોગોનો વિકાસ થયો છે, (2) મધ્ય નેધરલૅન્ડ્ઝ : જ્યાં મુખ્યત્વે પૉલ્ડર ભૂમિના પ્રદેશો આવેલા છે, (3) સમુદ્રકિનારાનો વિસ્તાર : તે સાંકડા પટ્ટા રૂપે વિસ્તરેલો છે. મત્સ્યઉદ્યોગ, ખેતી, પશુપાલનનો અહીં વિકાસ થયો છે. દેશનું મહત્વનું શહેર હેગ આ વિભાગમાં આવેલું છે.

નેધરલૅન્ડ્ઝને ચાર પ્રાદેશિક વિભાગોમાં પણ વહેંચી નાખવામાં આવેલો છે : (1) રેતીના ઢૂવાનો પ્રદેશ (The Dunes) : આ વિભાગ સમુદ્રસપાટીથી 4.5થી 7.5 મીટરની ઊંચાઈવાળો છે. તે ઉત્તર સમુદ્રના કિનારાને સમાંતર વળાંકવાળો છે. કિનારાથી થોડા કિલોમીટરને અંતરે ઉત્તરમાં ફ્રિસિયન ટાપુઓની શ્રેણી આવેલી છે. રેતીના ઢૂવાનો આ પ્રાદેશિક વિભાગ ખેતીને લાયક નથી, વૃક્ષો પણ અહીં બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

નેધરલૅન્ડ્ઝના ભૂસ્તરના ત્રણ વિભાગો

(2) પૉલ્ડર વિભાગો : જ્યાં જ્યાં પૉલ્ડર વિભાગો છે, ત્યાં તે સમુદ્રસપાટીથી નીચે તરફ છે. પ્રત્યેક વિભાગ પાળાઓથી બનાવેલા અવરોધો દ્વારા રક્ષિત કરવામાં આવેલો છે. આ પૈકીનો સૌથી નીચો પૉલ્ડર વિભાગ ‘પ્રિન્સ ઍલેક્ઝાન્ડર પૉલ્ડર’ નામથી ઓળખાય છે. તે સમુદ્રસપાટીથી લગભગ 6 મીટર નીચો છે. દેશની કુલ ભૂમિનો લગભગ  ભાગ પૉલ્ડર, સરોવરો કે કળણભૂમિને આવરી લે છે; પરંતુ દેશનાં સમૃદ્ધ ખેતરો અને અગત્યનાં શહેરો પણ અહીં જ આવેલાં છે.

(3) રેતાળ મેદાનો : મેદાની વિભાગ સમુદ્રની સપાટીથી વધુમાં વધુ 30 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. નૈર્ઋત્ય તરફ જતાં ઊંચાઈનું પ્રમાણ વધે છે. વચ્ચે વચ્ચે રેતાળ ટેકરાઓ–ટિંબા આવેલા હોવાથી મેદાનોનું ભૂમિદૃશ્ય અસમ બની રહેલું છે. રહાઇન નદીની શાખાઓ અને માસ નદીના ખીણપ્રદેશોની માટીની જમીનો પણ આ વિભાગમાં જ જોવા મળે છે. નદીઓ અહીં વાહનવ્યવહાર માટે મહત્વનો જળમાર્ગ બનાવે છે. નહેરોથી આ નદીઓને જોડવામાં આવેલી છે, જે અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે.

(4) દક્ષિણનો ઊંચાણવાળો પ્રદેશ : દેશનું વધુ ઊંચાઈ ધરાવતું ભૂપૃષ્ઠ આ વિભાગમાં આવેલું છે; દા. ત., માસ્ટ્રિક્ટ નજીકનું 321 મીટર ઊંચાઈ ધરાવતું વાલ્સેરબર્ગ, દેશનું સૌથી ઊંચું સ્થળ છે. આ વિભાગમાં કુદરતી રીતે જ તૈયાર થયેલી ફળદ્રૂપ જમીનો જોવા મળે છે. ફળોના બગીચા પણ અહીં જ આવેલા છે.

પાટનગર ઍમસ્ટર્ડૅમની મધ્યમાં વહેતી નહેરોનો પણ વાહનવ્યવહારના માધ્યમ તરીકે થતો ઉપયોગ

આ ચાર પ્રાદેશિક વિભાગો ઉપરાંત દેશના નૈર્ઋત્યકોણમાં આવેલો નદીઓનો ત્રિકોણપ્રદેશ ટાપુઓ અને દ્વીપકલ્પોથી બનેલો છે. તેનો મોટો ભાગ તો માસ અને શેલ્ડ નદીઓ તેમજ રહાઇનની શાખાઓના પંકપ્રદેશથી બનેલો છે. 1953માં ફૂંકાયેલા વિનાશક વાવાઝોડાથી અહીંના પાળાઓ ધોવાઈ ગયેલા, 1,51,800 હેક્ટર ભૂમિ દરિયાઈ જળના ધસારાથી ડૂબી ગયેલી, 1,800થી વધુ જાનહાનિ થયેલી. આ પ્રકારનાં વાવાઝોડાંથી થતું નુકસાન રોકવાના હેતુથી ત્રિકોણપ્રદેશ પર 1958માં શ્રેણીબદ્ધ બંધની એક યોજના હાથ ધરેલી, જે 1986માં પૂરી કરવામાં આવેલી છે. ભરતીનાં ક્ષારીય જળને રોકવા માટે પૂરનિયંત્રણ દરવાજા મૂકવામાં આવેલા છે. આથી કુદરતી પર્યાવરણ જાળવી રાખી શકાય છે, વધુમાં થોડાઘણા પ્રમાણમાં મત્સ્ય-ઉદ્યોગને વિકસાવાયો છે.

આબોહવા : આ દેશ ઉત્તર અક્ષાંશોની નજીક અને દરિયાકિનારે આવેલો હોવાથી તેની આબોહવા સમધાત, ભેજવાળી રહે છે. તે બારે માસ પશ્ચિમિયા પવનોની અસર તળે રહે છે તેથી સમશીતોષ્ણ કટિબંધની ઠંડીનો, દરિયાઈ તેમજ ખંડીય આબોહવાનો મિશ્ર પ્રભાવ વરતાય છે. શિયાળા સાધારણ ઠંડા જ્યારે ઉનાળા સાધારણ ગરમ રહે છે. શિયાળામાં હિમવર્ષા થાય છે. ઉનાળાનું હવામાન માફકસરનું ઠંડું રહે છે અને ભેજવાળા પવનો આકાશને વાદળવાળું રાખે છે. ઉનાળાની ગરમીથી રક્ષણ મળે છે. ઉનાળામાં તાપમાન 16°થી 18° સે. જેટલું રહે છે; જ્યારે શિયાળામાં તે શૂન્યથી –1° સે. જેટલું નીચે જાય છે. ઉનાળાના અંતભાગની ઋતુમાં વરસાદનું પ્રમાણ વધુ રહે છે. ઇંગ્લૅન્ડની જેમ સમુદ્રકિનારા નજીક પશ્ચિમિયા પવનો વેગથી ફૂંકાયા કરે છે અને લગભગ બારે માસ વરસાદ પડે છે. વરસાદનું સરેરાશ વાર્ષિક પ્રમાણ 860 મિમી. જેટલું રહે છે. વર્ષા જળસ્વરૂપે તેમજ હિમસ્વરૂપે પડે છે. પશ્ચિમ તરફ ઝીલૅન્ડના ટાપુઓ પર સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 690 મિમી. જેટલું રહે છે. ઉત્તર સમુદ્ર તરફથી આવતાં તોફાનો દેશના કિનારાના ભાગો પર જોશથી ફૂંકાય છે, ક્યારેક નજીકના પાળા તોડી નાખે છે, ક્યારેક પૂર લાવે છે, તારાજી પણ થાય છે. ઉત્તરના અને પશ્ચિમના વિસ્તારો પર, ખાસ કરીને શિયાળા દરમિયાન વાતાવરણ ધુમ્મસથી છવાઈ જાય છે. લગભગ બારે માસ પડતો વરસાદ પશ્ચિમ યુરોપીય પ્રકારની આબોહવાનો અનુભવ કરાવે છે. બારે માસ ફૂંકાતા રહેતા પવનોને કારણે જ અહીં પવનચક્કીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.

વનસ્પતિ, કૃષિપેદાશો, ડેરીપેદાશો : કિનારાના મોટાભાગો પર રેતીના ઢૂવા, કાદવકીચડ સહિતનું રેતાળ કાંપનું આવરણ પથરાયેલું રહે છે. પરિણામે, ઝાડીઝાંખરાં જેવી વનસ્પતિ ત્યાં સવિશેષ જોવા મળે છે. ટૂંકું ઘાસ પણ અહીં ઊગી નીકળે છે. ઝ્યુડર ઝી તરીકે જાણીતી દેશની સૌથી મોટી યોજના 1932માં પૂર્ણ કરવામાં આવેલી. એક વખતના ઉત્તર સમુદ્રના ફાંટારૂપ આ વિભાગને સરોવર(ઇસેલ)માં ફેરવવામાં આવેલો. દેશમાં પાંચ અલગ અલગ પૉલ્ડર તૈયાર કરવામાં આવ્યા છે. પરિણામે નેધરલૅન્ડ્ઝની કુલ ખેતીલાયક જમીન પૈકી 10 %થી વધુ જમીનને નવસાધ્ય કરવામાં આવી છે. મોટાભાગની જમીનો રેતી અને કાંપથી બનેલી છે. જુદી જુદી નદીઓમાંથી સિંચાઈની સુવિધા દ્વારા અહીંના પૉલ્ડર-વિભાગોમાં ખેતીનો વિકાસ સારા પ્રમાણમાં કરવામાં આવેલો છે. નેધરલૅન્ડ્ઝના પૉલ્ડર-વિસ્તારો ઉપરાંત પશ્ચિમે આવેલા ઝીલૅન્ડના ટાપુઓમાં ઘઉં, ઓટ, રાય, શુગરબીટ, બટાકા તથા અન્ય શાકભાજી તેમજ ફળફળાદિની ખેતી થાય છે. ટૂંકું ઘાસ અહીં પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળતું હોવાથી પશુપાલન અને ડેરીનો ઉદ્યોગ વિકસ્યો છે. આ દેશનો ડેરીઉદ્યોગ દુનિયામાં ત્રીજું સ્થાન ભોગવે છે. દૂધ, દૂધનો પાઉડર, માખણ અને ચીઝનું મોટા પાયા પર ઉત્પાદન થાય છે. વિશાળ દરિયાકિનારો હોવા છતાં મત્સ્ય-ઉદ્યોગનો ખાસ વિકાસ થયો નથી. આ દેશની ખેતીમાં યાંત્રિક સાથે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વિશેષ ઉપયોગ થાય છે. વેસ્ટલૅન્ડના પ્રદેશોમાં કાચનાં વિશાળ ઘર (glass houses) ઊભાં કરવામાં આવેલાં છે, તેમાં શાકભાજી, ફળો અને ફૂલોની ખેતી આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે. દેશની કૃષિપેદાશો અને ડેરીપેદાશો રાષ્ટ્રીય આવકમાં મહત્વનો ફાળો આપે છે.

કુદરતી સંપત્તિ અને ઉદ્યોગો : ખનિજસંપત્તિની દૃષ્ટિએ આ દેશ પછાત ગણાતો હોવા છતાં કોલસો, ખનિજતેલ અને કુદરતી વાયુ જેવી પેદાશો મર્યાદિત પ્રમાણમાં મળી રહે છે. નદીઓના મુખત્રિકોણપ્રદેશો, તેમજ ઉત્તરના વિસ્તારમાંથી જે કોલસો મળે છે તે ઊંડાઈએથી મળતો હોવાથી તેની આર્થિક ઉપયોગિતા પ્રમાણમાં ઓછી રહે છે. દેશમાં આવેલું લિમ્બર્ગનું ક્ષેત્ર કોલસા માટે સૌથી મહત્વનું ક્ષેત્ર ગણાય છે, ત્યાં 12 જેટલી કોલસાની ખાણો આવેલી છે. જર્મનીની સરહદ નજીક દેશના ઈશાન કોણમાં ડ્રેન્ટ પ્રાંતમાં આવેલું સ્કૂનબીક અને પશ્ચિમે આવેલું હેગ ખનિજતેલ માટેનાં ઉત્પાદક ક્ષેત્રો છે, તે દેશની જરૂરિયાત અંશત: પૂરી પાડે છે. આ ક્ષેત્રોમાંથી મળતું અશુદ્ધ ખનિજતેલ રોટરડૅમ નજીક પર્નિસ ખાતેની રિફાઇનરીમાં શુદ્ધીકરણ માટે જાય છે. ખનિજતેલ સાથે મર્યાદિત પ્રમાણમાં કુદરતી વાયુ પણ મળી આવે છે. ઉત્તરમાં આવેલા ગ્રોનિનજનના વિસ્તારમાંનું સ્લોક્ટરેન ક્ષેત્ર કુદરતી વાયુનો વિશાળ અનામત જથ્થો ધરાવે છે. દેશની કુલ ભૂમિનો આશરે 8 % ભાગ જંગલોથી છવાયેલો છે. દેશના સમતલ ભૂપૃષ્ઠ પરથી વહેતી નદીઓનો જળપ્રવાહવેગ ઓછો છે; પરિણામે જળવિદ્યુત પેદા કરી શકાતી નથી. તેથી કોલસા દ્વારા તેમજ અણુમથકો દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. નહેરો દ્વારા નદીઓ જોડાયેલી હોવાથી જળવાહનવ્યવહાર માટે ઉપયોગી બની છે. હેંગિલો અને ડૅલ્ફસેનના વિસ્તારોમાં મીઠાની ખાણો આવેલી છે, તેમાંથી પંપ દ્વારા ખારું જળદ્રાવણ તૈયાર કરી મીઠું મેળવવામાં આવે છે. કિનારાના ભાગોમાંથી મર્યાદિત પ્રમાણમાં માછલાં પકડવામાં આવે છે.

નેધરલૅન્ડ્ઝમાં કાપડ, ઇજનેરી, રસાયણો, પરિવહનનાં સાધનો, માંસપ્રક્રમણ, લોખંડ-પોલાદ, ખનિજતેલની પેદાશોને લગતા ઉદ્યોગો વિકસ્યા છે. રોટરડૅમ, એન્શેડ, હેંગિલો અને ઍમસ્ટર્ડૅમમાં સુતરાઉ તથા ગરમ કાપડનો ઉદ્યોગ તેમજ ટ્વેન્ટ ખાતે પેટ્રોકેમિકલ્સ આધારિત રેયૉન-ઉદ્યોગનો વિકાસ થયો છે.

ઇજનેરી ઉદ્યોગ દ્વારા વીજળીની મોટરો, પંપસેટો, ડીઝલ-એંજિનો, ડેરીનાં સાધનો વગેરેનું ઉત્પાદન થાય છે. જહાજબાંધકામ અને વીજળીના સામાનને લગતા ઉદ્યોગો પણ વિકસ્યા છે. પર્નિસની રિફાઇનરીમાંથી મેળવાતી આડપેદાશોમાંથી જંતુનાશકો, રાસાયણિક ખાતરો, કૃત્રિમ રબર અને ડિટરજન્ટનું ઉત્પાદન લેવાય છે. ડેરીઉદ્યોગ દૂધ, દૂધનો પાઉડર, ચીઝ, માખણ અને ચૉકલેટનું ઉત્પાદન આપે છે. લાંબા સમુદ્રકિનારાને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર માટેની કુદરતી અનુકૂળતા આ દેશને પ્રાપ્ત થયેલી છે.

નેધરલૅન્ડ્ઝનું આર્થિક મહત્વ તેના આગળ પડતા ઔદ્યોગિક વિકાસ અને તક્નીકી વિકાસ પર નિર્ભર છે. કુશળ કારીગરો દ્વારા રસાયણો અને વીજાણુયંત્રોની વિકાસવૃદ્ધિ થઈ છે. ખેતીમાં આધુનિકીકરણ થવાથી ઉત્પાદકતા વધી છે. દેશ નાનો અને કુદરતી સ્રોતોનું પ્રમાણ ઓછું હોવાથી તે મુખ્યત્વે પરદેશો સાથેના વેપાર પર નભે છે. દેશમાં કાચા માલની આયાત કરીને તૈયાર માલની નિકાસ કરવામાં આવે છે. વહાણવટું, બૅંકિંગ અને અન્ય નાણાકીય સેવાઓ તેમજ પ્રવાસન-ઉદ્યોગ આ દેશમાં મહત્વનાં બની રહ્યાં છે. વળી યુરોપના સહિયારા બજારનો પણ તેને લાભ મળતો રહ્યો છે.

પરિવહન અને વ્યાપાર : નેધરલૅન્ડ્ઝ સમતલ ભૂપૃષ્ઠ ધરાવતો દેશ હોવાથી જળ, જમીન અને હવાઈ માર્ગોનો અહીં સારી રીતે વિકાસ થયો છે. દેશનાં મુખ્ય શહેરો અને નગરો રેલમાર્ગો (લંબાઈ 2,807 કિમી.) અને સડકમાર્ગો(લંબાઈ 1,36,000 કિમી.)થી અન્યોન્ય જોડાયેલાં છે. અર્ધાથી વધુ રેલમાર્ગોનું વીજળીકરણ થયેલું છે. રેલમાર્ગે દેશ જર્મની, બેલ્જિયમ અને ડેન્માર્ક સાથે જોડાયેલો છે. દેશનાં ભાગ્યે જ એવાં કોઈ શહેર-નગરો હશે જે નદી કે નહેરોને કિનારે ન આવેલાં હોય. મુખ્ય નદીઓ નહેરો સાથે જોડવામાં આવેલી છે, જે આંતરિક જળમાર્ગો તરીકે ઉપયોગી બની રહી છે. દુનિયાના અન્ય દેશો કરતાં અહીં આંતરિક જળમાર્ગોની ગૂંથણી અને સુવિધા વધુ જોવા મળે છે. રહાઇન અને માસ નદીઓ આ માટે ઉપયોગી બની રહી છે. સમુદ્રકિનારે રોટરડૅમ, ઍમસ્ટર્ડૅમ, હેગ, હાર્લેમ અને હેલ્ડર જેવાં મહત્વનાં બંદરો આવેલાં છે. દુનિયાભરનાં મહત્વનાં બંદરો પૈકી રોટરડૅમ સૌથી વધુ મહત્વનું અને ધમધમતું બંદર છે. તે નહેરો દ્વારા 70 જેટલા ટાપુઓમાં વહેંચાઈ ગયું છે, એ કારણે પણ તે આંતરિક જળમાર્ગ માટે અગત્યનું છે. ઍમસ્ટર્ડૅમ બીજા ક્રમે ગણાતું મહત્વનું બંદર છે. ઉત્તર તરફની નહેર મારફતે તે ઉત્તર સમુદ્ર સાથે સંકળાયેલું છે. આ નહેર દુનિયાભરની ઊંડામાં ઊંડી (15 મીટર) અને પહોળામાં પહોળી (160 મીટર) નહેરો પૈકીની એક ગણાય છે. હવાઈ માર્ગોના વિકાસમાં આ દેશ યુરોપભરમાં બીજું સ્થાન ધરાવે છે. 1919માં તૈયાર કરવામાં આવેલું, દુનિયાનું જૂનામાં જૂનું ગણાતું, યુરોપમાં ધમધમતું રહેતું શિફોલનું રાષ્ટ્રીય હવાઈ મથક ઍમસ્ટર્ડૅમની નજીક આવેલું છે. આ દેશમાં લગભગ પ્રત્યેક ડચ નાગરિક પાસે પોતાની સાઇકલ હોય છે. રસ્તાઓ પર અલગ સાઇકલ માર્ગ તૈયાર કરવામાં આવેલા છે. કેટલીક સાઇકલો મોટરથી હંકારાય છે, જે ‘બ્રુમફીસ્ટેન’ તરીકે ઓળખાય છે.

વિશાળ સમુદ્રકિનારાને કારણે દેશનો વિદેશ સાથેનો વેપાર સારા પ્રમાણમાં વિકસ્યો છે. અહીંથી ડેરીની પેદાશો, ફળફળાદિ, શાકભાજી, અનાજ વગેરેની નિકાસ થાય છે. ફિલિપ્સ કંપનીનાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વીજળીનાં ઉપકરણોની અહીંથી મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. જર્મની, લક્ઝમબર્ગ તથા બેલ્જિયમ જેવા પડોશી દેશો તેમજ યુ.એસ. સાથે દેશનો વેપાર વિકસ્યો છે. આયાતની ચીજવસ્તુઓમાં કપાસ, મકાઈ, લોખંડ તેમજ ઇંધન મુખ્ય છે.

માહિતીપ્રસારણ : આ દેશમાં રોજનાં લગભગ 80 દૈનિકપત્રો નીકળે છે. તે પૈકીનું વિશાળ વાચકવર્ગ ધરાવતું દૈનિકપત્ર De Telegraaf ઍમસ્ટર્ડૅમથી બહાર પડે છે અને દેશભરમાં વંચાય છે. રેડિયો, ટીવી. પોસ્ટ, ટેલિફોન અને ટેલિગ્રાફની સેવાઓ સરકારને હસ્તક છે. પ્રત્યેક ડચ કુટુંબ પાસે રેડિયો અને ટીવી હોય છે.

વસ્તી, વસાહતો : નેધરલૅન્ડ્ઝની વસ્તી 2015માં 1.668 કરોડ હતી. દેશના ભૂમિવિસ્તારની અપેક્ષાએ વસ્તીનું પ્રમાણ વિશેષ હોવાથી વસ્તીની ગીચતા દર ચોકિમી.એ 370 વ્યક્તિ જેટલી છે. શહેરી વસ્તી 89 % અને ગ્રામીણ વસ્તી 11 % છે, અર્થાત્, પ્રત્યેક 10 માણસે 9 માણસ શહેરમાં વસે છે. દેશની 40 % વસ્તી સમુદ્રકિનારા નજીકના બે પ્રાંતો – ઉત્તર તરફના નુર્ડ-હોલૅન્ડ અને દક્ષિણ તરફના ઝ્યુડ હોલૅન્ડ – માં વસે છે. આ વિસ્તારમાં જ ઍમસ્ટર્ડૅમ, (વસ્તી 10 લાખથી વધુ) રોટરડૅમ અને હેગ આવેલાં છે. યુટ્રેક્ટ, ગ્રોનિનજન, મિડલબર્ગ, હાર્લેમ, આઇન્ધોવન, માસ્ટ્રિક્ટ, નિજમેગન, એન્શેડ, આસ્સેન, અર્નહૅમ જેવાં અન્ય 14 શહેરોમાં દરેકમાં 1 લાખથી વધુ વસ્તી છે. મોટાભાગની પ્રજા ડચ વંશની જ છે, તે સિવાય થોડોક ભાગ ઇન્ડોનેશિયા, મોરોક્કો, સુરીનામ અને ટર્કીમાંથી આવીને પણ વસેલો છે. ભૂતકાળમાં અહીંની પ્રજા યુ.એસ., કૅનેડા અને ઑસ્ટ્રેલિયામાં જઈને પણ વસી છે. વસ્તીની ગીચતાનું પ્રમાણ વધુ હોવા છતાં ડચ પ્રજા પોતાનાં ઘરોને, નગરો-ગામોને તેમજ ખેતરોને સ્વચ્છ રાખે છે, હળીમળીને સંપથી રહે છે. મહત્વના જન્મદિનોને, પુણ્યતિથિઓને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઊજવે છે અને માણે છે, ચૉકલેટ અને પેસ્ટ્રી વહેંચે  છે. સમુદ્રો અને નદીઓ દ્વારા થતો જળપ્રવેશ અને પૂર સામે હિંમતપૂર્વક ઝઝૂમે છે. ભૂમિને જળવિનાશથી બચાવ્યે રાખે છે, રક્ષણાત્મક ઉપાયો યોજે છે.

દેશ 12 પ્રાતોમાં વહેંચાયેલો છે. દેશની વહીવટી રાજધાની ઍમસ્ટર્ડૅમ છે, પરંતુ સરકારનું સત્તાવાર મથક હેગ છે. દેશની સત્તાવાર ભાષા ડચ છે, તેમ છતાં દરેક ડચ બીજી એક પરદેશી ભાષા જાણે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. ઉત્તર તરફના ફ્રિસિયન ટાપુઓમાં ફ્રિસિયન ભાષા બોલાય છે. દેશના નાણાકીય વ્યવહારનો એકમ ગિલ્ડર (ગુલ્ડેન) છે. અહીંનો મુખ્ય ધર્મ ખ્રિસ્તી છે, જેમાં 35 % લોકો પ્રૉટેસ્ટંટ અને 35 % રોમન કૅથલિક ધર્મ પાળે છે. શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સરકારને હસ્તક છે. સૌથી મોટી ગણાતી ઍમસ્ટર્ડૅમ યુનિવર્સિટીમાં લગભગ 25,000 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. આ ઉપરાંત 1575માં સ્થપાયેલી લેડન યુનિવર્સિટી અહીંની જૂનામાં જૂની યુનિવર્સિટી છે.

નેધરલૅન્ડ્ઝે દુનિયાને – વિશેષે કરીને યુરોપને  કલા અને સંસ્કૃતિનો વારસો આપ્યો છે. દુનિયાના મહાન ચિત્રકારો આ દેશની દેણગી છે. સત્તરમી સદી દરમિયાન આ દેશનો સુવર્ણકાળ હતો, જ્યારે પીટર દ હૂચ, ફ્રેન્સ હૉલ્સ, રેમ્બ્રાં, જેકોબ વાન ર્યુડેલ અને જાન વરમિયર જેવા ચિત્રકારોએ જાણીતાં ચિત્રો આપેલાં. તે પછી પણ વિન્સેન્ટ વાન ગૉઘ અને પિયેટ મૉન્દ્રિયાં જેવા મહાન ચિત્રકારો થઈ ગયા. 1600 અને 1700ના ગાળામાં અહીંનાં ચિત્રો યુરોપભરમાં વખણાયાં હતાં. જૂસ્ટ વાન ડેન વૉન્ડેલ, વિલેમ બિલ્ડરડીજ, લુઈ કુપેરસ, કૉન્સ્ટન્ટિન હુઈજન અને મુલ્તાતુલી જેવા ખ્યાતનામ લેખકો આ દેશના હતા. વિલેમ પિજપર અને જાન પીટર્સઝૂન સ્વિલિન્ક જેવા સંગીતકારો પણ ડચ હતા. ડચ શહેરોમાં સારાં કહેવાય એવાં ઑરકેસ્ટ્રા આજે પણ જાણીતાં છે.

ઇતિહાસ : ઈ. સ. પૂ. 58માં જુલિયસ સીઝરની દોરવણી હેઠળ રોમન લશ્કરટુકડીએ આજના નેધરલૅન્ડ્ઝ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગના પ્રદેશો પર આક્રમણ કરેલું અને નીચા ભૂપૃષ્ઠવાળો મોટાભાગનો વિસ્તાર જીતી લીધેલો. ચોથાથી પાંચમા સૈકા દરમિયાન ફ્રૅન્ક તરીકે ઓળખાતા તત્કાલીન જર્મનોએ આ પ્રદેશમાંથી રોમનોને હાંકી કાઢ્યા. તે પછી ફ્રૅન્ક સામ્રાજ્ય વિસ્તર્યું, પરંતુ આઠમીથી નવમી સદી દરમિયાન તેમાં ભંગાણ પડ્યું. 870માં આ નીચાણવાળા પ્રદેશો પૂર્વ અને પશ્ચિમ ફ્રૅન્કિશ સામ્રાજ્યમાં વિભાજિત થયા, જે જર્મની અને ફ્રાન્સ બન્યા. આમ નેધરલૅન્ડ્ઝ તરીકે ઓળખાતો આજનો ઉત્તરનો ભાગ પૂર્વ ફ્રૅન્કિશ સામ્રાજ્યનો ભાગ બન્યું. 1300 પછીના અરસામાં બર્ગન્ડીના ફ્રેન્ચ ડ્યૂકે આ પ્રદેશોનો કબજો મેળવ્યો, ત્યાં કેન્દ્રીય સરકાર રચી, રાજકીય અને રાષ્ટ્રીય એકતાનું નિર્માણ કર્યું. 1506માં ચાર્લ્સ પાંચમાને બર્ગન્ડીના ડ્યૂક પાસેથી આ પ્રદેશો વારસામાં મળ્યા. ચાર્લ્સ પાંચમો 1516માં સ્પેનનો પણ રાજા બન્યો. આ રીતે આ પ્રદેશો સ્પેનના કબજા હેઠળ આવ્યા. તે પછી ચાર્લ્સ ઑસ્ટ્રિયાનો ડ્યૂક તેમજ 1519માં રોમન સામ્રાજ્યનો શહેનશાહ પણ બન્યો. 1520માં ચાર્લ્સે આ પ્રદેશોની સરકારને મજબૂત બનાવી. 1555માં તેના પુત્ર સ્પેનના ફિલિપ્સ બીજાને આ પ્રદેશો વારસામાં મળ્યા. 1500 પછીથી ચાલતી પ્રૉટેસ્ટંટોની ચળવળને તેણે દાબી દીધી. 1568માં તેની વધુ પડતી સખ્તાઈ સામે બળવો થયો. સ્પેનની ટુકડીઓ ભૂમિ પરની આવી લડાઈઓમાં સફળ રહેતી, પરંતુ દરિયાઈ સંઘર્ષો પર તેમની ફાવટ ન હતી. 1573માં સ્પૅનિયાર્ડો દ્વારા હુમલો થયો, જેમાં ત્યાંના વતનીઓએ જળઅવરોધો તોડી નાખ્યા, દરિયાઈ જળના પ્રવેશ સાથે ડચ સૈન્ય અંદર આવ્યું અને સ્પૅનિયાર્ડો પાસેથી લેડનનો કબજો મેળવ્યો. 1579માં ઉત્તરના પ્રાંતો એક થયા, સ્પેન સામે બળવો કર્યો. 1581ના જુલાઈની 26મી તારીખે ઉત્તરના પ્રાંતોએ સ્પેનની સત્તા સામે અવાજ ઉઠાવી પોતાની ભૂમિની સ્વતંત્રતા માટે માંગણી મૂકી. ત્યારપછી આ વિસ્તાર ડચ પ્રજાસત્તાક અથવા નેધરલૅન્ડ્ઝ તરીકે જાણીતો બન્યો, 1648 સુધી ડચ લોકો સ્વાતંત્ર્ય માટે ઝઝૂમતા રહ્યા, સંઘર્ષ કરતા રહ્યા અને 1648માં આ પ્રદેશને સ્વતંત્રતા મળી.

1600 પછીનો ગાળો નેધરલૅન્ડ્ઝ માટે ઉત્કર્ષનો કાળ ગણાય છે. દરિયા પર તેમણે પ્રભુત્વ મેળવ્યું. વેપારીઓએ 1600થી 1650 સુધીમાં વહાણવટા પર પણ વર્ચસ જમાવ્યું. દરિયાઈ વેપારને વિકસાવ્યો. ઍમસ્ટર્ડૅમને દુનિયાભરનું મુખ્ય વેપારી મથક બનાવ્યું. લોકોના જીવનધોરણને ઊંચું લાવ્યા. આ જ સમય દરમિયાન ચિત્રકલા અને સંસ્કૃતિને ઉત્તેજન મળ્યું. આ જ અરસામાં ડચ લોકોએ દુનિયાના અન્ય પ્રદેશો પર પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાના પ્રયાસો કર્યા. ઈસ્ટ ઇંડીઝ સાથેના વેપારમાં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. આ જ કંપનીએ ઇન્ડોનેશિયાના હાલના પાટનગર જાકાર્તા(જૂનું બટેવિયા)ની ત્યાંના મુખ્ય મથક તરીકે સ્થાપના કરી. અંગ્રેજો અને પોર્ટુગીઝોને ઇન્ડોનેશિયામાંથી હાંકી કાઢ્યા. આ કંપનીએ હાલના શ્રીલંકા પર તેમજ આફ્રિકાની દક્ષિણ ભૂશિર પર કબજો જમાવ્યો. 1600ના મધ્યકાળથી 1800ના મધ્યકાળ સુધી જાપાન સાથે વેપાર ખેડનારી એકમાત્ર પશ્ચિમી પ્રજા ડચ લોકો જ હતા.

ડચ વેસ્ટ ઇન્ડિયા કંપનીએ 1621માં નવી દુનિયા અને પશ્ચિમ આફ્રિકા સાથે વેપાર શરૂ કરેલો. 1624માં યુ.એસ.નાં આજનાં ન્યૂયૉર્ક, ન્યૂ જર્સી, કનેક્ટિકટ અને ડેલાવેરમાં ન્યૂ નેધરલૅન્ડ્ઝની કૉલોની ઊભી કરી. 1626માં ડચ વસાહતીઓએ ત્યાંના ઇન્ડિયનો પાસેથી મૅનહટ્ટન ટાપુને 24 ડૉલરની ચીજવસ્તુઓના બદલામાં ખરીદી લીધો. આજના ન્યૂયૉર્ક શહેરને સ્થાને તેમણે ન્યૂ ઍમસ્ટર્ડૅમની સ્થાપના કરી. 1634માં ડચ લોકોએ આજનાં નેધરલૅન્ડ ઍન્ટિલીઝ અને અરૂબા (દક્ષિણ કૅરિબિયન સમુદ્ર) સ્પૅનિયાર્ડો પાસેથી કબજે લીધાં.

1652 અને 1674 વચ્ચેના ગાળામાં નેધરલૅન્ડ્ઝે ઇંગ્લૅન્ડ સાથે ત્રણ નૌકા-લડાઈઓ કરી. અંગ્રેજોને ડચ પાસેથી વહાણવટા અને વેપારની નેતાગીરી લઈ લેવી હતી, પણ તેઓ નિષ્ફળ રહ્યા. આ જ ગાળામાં ડચ લોકોએ અંગ્રેજો પાસેથી સુરીનામ જીતી લીધું, જ્યારે અંગ્રેજોએ ન્યૂ નેધરલૅન્ડ્ઝ મેળવ્યું.

1670માં ડચ પ્રજાસત્તાક સામે ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ ગુપ્ત રીતે ભળી જઈને 1672માં આક્રમણ કર્યું, પરંતુ દરિયા મારફતે નેધરલૅન્ડ્ઝમાં અંગ્રેજોને પ્રવેશતા અટકાવ્યા; ફ્રાન્સે કેટલાંક ડચ શહેરો પર કબજો મેળવી લીધો. સ્પેન અને જર્મન ટુકડીઓએ ડચ લોકોને મદદ કરેલી. અંગ્રેજોને દરિયાઈ લડાઈમાં ઘણું સહન કરવું પડેલું અને 1674માં ડચ લોકો સાથે સંધિ કરવાની ફરજ પડેલી. ફ્રેન્ચોને પછીથી ત્યાંથી હાંકી કાઢ્યા અને 1678માં શાંતિકરારો કર્યા. ત્યારપછી નેધરલૅન્ડ્ઝ, ઇંગ્લૅન્ડ અને અન્ય યુરોપીય દેશોએ ભેગા મળીને 1689–1697 અને 1701–1714નાં બીજાં બે યુદ્ધોમાં ફ્રાન્સને હાર આપી.

1700 પછીના ગાળામાં ફ્રાન્સ સામે યુદ્ધોની પરંપરા ચાલતી રહી, નેધરલૅન્ડ્ઝ થાકતું ગયું. 1714ના યુદ્ધના અંત વખતે નેધરલૅન્ડ્ઝે ઇંગ્લૅન્ડ સામે પોતાનું દરિયાઈ વર્ચસ ગુમાવ્યું, પરિણામે દરિયાઈ વેપાર વિસ્તરતો અટક્યો. 1755–1783 અમેરિકી ક્રાંતિ શરૂ થઈ ત્યારે ડચ લોકોએ અમેરિકાને બ્રિટન વિરુદ્ધ મદદ કરી. અંગ્રેજોએ 1780માં ડચ સામે નૌકાયુદ્ધ આદર્યું, જેમાં 1784માં ડચ પ્રજાની હાર થઈ. 1795માં નબળું પડેલું નેધરલૅન્ડ્ઝ ફ્રેન્ચ હુમલાને ખાળી શક્યું નહિ. ફ્રેન્ચોએ આ દેશને ‘બટેવિયન પ્રજાસત્તાક’ નામ આપ્યું, નવી સરકાર સ્થાપી. ડચ કબજા હેઠળનાં મોટાભાગનાં દરિયાઈ થાણાં બ્રિટને કબજે કરી લીધાં.

1806માં ફ્રાન્સના નેપોલિયન પહેલાએ તેના ભાઈ લુઈને તેમના રાજા તરીકે સ્વીકારવા આ દેશને ફરજ પાડી. બટેવિયન પ્રજાસત્તાક હવે હોલૅન્ડનું સામ્રાજ્ય બન્યું. નેપોલિયનને આ દેશ પર કબજો જમાવવો હતો, તેથી તેણે 1810માં તેને ફ્રાન્સનો એક ભાગ બનાવી દીધું. પરંતુ 1813માં ડચ પ્રજાએ ફ્રેન્ચોને હાંકી કાઢવામાં સફળતા મેળવી. 1815માં નેપોલિયનની છેલ્લી હાર પછી યુરોપના રાજકીય નેતાઓએ વિયેનામાં ભરાયેલી કૉંગ્રેસ વખતે નકશા પર યુરોપ ખંડનું વિભાગીકરણ કર્યું. તેમણે નેધરલૅન્ડ્ઝ અને બેલ્જિયમને ફ્રાન્સની વિસ્તરણભૂખ સામે નેધરલૅન્ડ્ઝના સામ્રાજ્ય તરીકે એક કર્યું. પ્રિન્સ ઑવ્ ઑરેન્જના વિલિયમ છઠ્ઠાને વિલિયમ પહેલાને નામે નેધરલૅન્ડ્ઝના રાજા તરીકે તેમજ લક્ઝમબર્ગના ડ્યૂક તરીકે નિયુક્ત કર્યો.

ડચ અને બેલ્જિયમની પ્રજાનાં રીતરિવાજો, આર્થિક પ્રવૃત્તિઓ, ભાષાઓ અને ધર્મ ઘણી રીતે જુદાં પડે છે. મોટાભાગની બેલ્જિયન પ્રજા રોમન કૅથલિક ધર્મ પાળે છે અને ઉચ્ચ વર્ગના લોકો ફ્રેન્ચ ભાષા બોલે છે. 1830માં બેલ્જિયમ તેમનાથી સ્વતંત્ર થયું. લક્ઝમબર્ગે 1890માં ડચ શાહી કુટુંબ સાથેના રાજકીય સંબંધો કાપી નાખ્યા. આ જ વર્ષે 10 વર્ષની વિલહેમિના તેના પિતા વિલિયમ ત્રીજાના મૃત્યુ બાદ રાણી બની, પરંતુ લક્ઝમબર્ગના કાયદાઓએ આ સ્ત્રી સત્તાધીશને કબૂલ ન રાખી. નેધરલૅન્ડ્ઝ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તટસ્થ રહેલું. બ્રિટિશ અને જર્મન નૌકાયુદ્ધ દ્વારા ડચનાં મત્સ્ય-ઉદ્યોગ, વહાણવટું અને વેપાર અવરોધાયેલાં.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન જર્મનીએ નેધરલૅન્ડ્ઝ પર આક્રમણ કર્યું અને તે પ્રદેશ જીતી લીધો. તેથી ત્યાંની રાણી વિલહેમિનાના વડપણ હેઠળ રચવામાં આવેલી ડચ સરકાર લંડનમાં દેશવટો ભોગવતી હતી. જર્મનીએ નેધરલૅન્ડ્ઝમાં પુષ્કળ નુકસાન કર્યું. ત્યાંના લાખો લોકો પોતાનો દેશ છોડીને ઑસ્ટ્રેલિયા, કૅનેડા અથવા યુનાઇટેડ સ્ટેટ્સ જતા રહ્યા. વિશ્વયુદ્ધ પૂરું થયા પછી યુનાઇટેડ સ્ટેટ્સના માર્શલ પ્લાન હેઠળ તેને એક અજબ (billion) યુ.એસ.ડૉલરની સહાય મળી અને દેશની પુનર્રચના કરવામાં આવી.

ઈ. સ. 1948માં રાણી વિલહેમિનાએ રાજગાદી તેની પુત્રી જુલિઆનાને આપી. 1949માં નેધરલૅન્ડ્ઝે ઇન્ડોનેશિયાને સ્વતંત્રતા આપી. 1962માં નેધરલૅન્ડ્ઝની સરકારે તેનું છેલ્લું સંસ્થાન ન્યૂગિની (હવે ઈરિયન નીયા) યુનાઇટેડ નેશન્સના અંકુશમાં સોંપી દીધું. 1960માં રાણી જુલિઆનાએ પોતાની 71 વર્ષની વયે ગાદીત્યાગ કર્યો અને તેની સૌથી મોટી પુત્રી બીઆટ્રીસ દેશની રાણી બની. ક્રમશ: સાઠના દાયકાનાં પાછલાં વર્ષોમાં દેશની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હતો. ભૂમધ્યના દેશો, ઇન્ડોનેશિયા વગેરેમાંથી લોકો કાયમી વસવાટ માટે ત્યાં ગયા. 1986માં અરૂબા નેધરલૅન્ડ્ઝથી અલગ થયું. 1996માં તેને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. બીજા વિશ્વયુદ્ધ પછી ત્યાં વિવિધ પક્ષોની બનેલી સંયુક્ત સરકાર (જોડાણવાળી સરકાર) રચવામાં આવતી હતી. 1994માં વિમકોક દેશનો વડો પ્રધાન બન્યો. 1998માં તે પુન: ચૂંટાયો અને 1999માં દેશે યુરો ચલણ અપનાવ્યું. 1995માં બોઝનિયાના સેરીબેનીકામાં કત્લેઆમ અટકાવવામાં ડચ સરકાર નિષ્ફળ ગઈ હોવાથી, 2002માં સરકારે રાજીનામું આપવું પડ્યું. તે પછી થયેલી ચૂંટણીમાં જૉન પીટર બાલ્કનેન્દે વડાપ્રધાન બન્યો. નવેમ્બર, 2008માં ડચ વિદેશપ્રધાને જાહેર કર્યું કે 2010ના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી તેનું લશ્કર હઠાવી લેવામાં આવશે. 2012માં આ દેશમાં યંત્રો, ક્રૂડ-ઑઇલ, રસાયણો, કાપડ વગેરે આયાત કરવામાં આવતાં હતાં.

ગિરીશભાઈ પંડ્યા

મહેશ મ. ત્રિવેદી

જયકુમાર ર. શુક્લ