નેથન્સ, ડૅનિયલ (જ. 30 ઑક્ટોબર 1928, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ; અ. 16 નવેમ્બર 1999, બાલ્ટિમોર, મેરીલેન્ડ, યુ.એસ.) : 1978ના વેર્નર આર્બર (સ્વિસ) અને હૅમિલ્ટન ઑથેનેલ સ્મિથ (અમેરિકન) સાથે તબીબીવિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્ર(physiology)ના નોબેલ પારિતોષિકના વિજેતા.

ડૅનિયલ નેથન્સ

તેમણે નિયંત્રક ઉત્સેચકો(restricting enzymes)ને ખોળી કાઢીને આણ્વિક જનીનવિદ્યા(molecular genetics)ના પ્રશ્નોના ઉકેલમાં તેમનો ઉપયોગ દર્શાવ્યો હતો. નેથન્સ વૉશિંગ્ટનની ડેલાવેર અને મિસુરીની સેન્ટ લુઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના અધ્યાપકગણમાં જોડાયા. તેમણે સિમિયન વિષાણુ(SV40)ના DNAમાં ખાંચ ઊભી કરવા માટે નિયંત્રક ઉત્સેચકો મહત્વના છે તે દર્શાવ્યું. તેમણે હૅમિલ્ટન ઓ. સ્મિથ દ્વારા શોધાયેલ ઉત્સેચક દ્વારા SV40 વિષાણુના DNAના 11 સુવ્યવસ્થિત ટુકડા કરી બતાવ્યા.

બીજા બે ઉત્સેચકની મદદથી SV40 વિષાણુના DNAના અણુના વધુ ટુકડા કરીને તે વિષાણુના જનીનીય બંધારણનો પૂરેપૂરો નકશો તૈયાર કરી બતાવ્યો.

શિલીન નં. શુક્લ