નીલકંઠ મહાદેવ મંદિર (સૂણક) : ઉત્તર ગુજરાતમાં ઊંઝાથી 10 કિમી. દૂર આવેલ સૂણક ગામમાં આવેલું અગિયારમી સદીનું સોલંકીકાલીન શિવમંદિર. આ મંદિર પૂર્વાભિમુખ છે. આ મંદિરના ગર્ભગૃહ, મંડપ અને તેની આગળના ભાગમાં આવેલી શૃંગારચોકી એમ ત્રણ ભાગો છે. આખું મંદિર લંબચોરસ આકારનું છે. તેની પીઠના કુંભા પર દેવ-દેવીઓનાં શિલ્પોથી મંડિત ગવાક્ષોની પંક્તિ છે. કુંભાને મથાળે ચારુ તમાલપત્રોની હારમાળા છે. કલશ પર મુક્તામાળાનાં સુશોભન છે. મંડોવરની જંઘાના થરમાં કોતરેલ નૃત્યાંગનાઓનાં શિલ્પો સારી રીતે જળવાયાં છે. એમાં દરેક બાજુના ભદ્ર ગવાક્ષમાં અનુક્રમે ભૈરવ, નટેશ અને કાલીની મૂર્તિઓ છે. સંડેરના મંદિરના શિખર પર દરેક બાજુએ બે ઉર:શૃંગોની રચના છે. ગર્ભગૃહ ચોરસ છે, પરંતુ મંડપની ડાબી તથા જમણી બાજુને લંબાવવાથી તે લંબચોરસ દેખાય છે. બહારની બાજુની દીવાલો પરનાં ભદ્રાદિ નિર્ગમોને કારણે ગર્ભગૃહ બહુકોણીય જણાય છે. મંડપનો ઘુમ્મટ અષ્ટકોણાકારે ગોઠવેલા આઠ સ્તંભો ઉપર ટેકવાયો છે. તેની આજુબાજુ બીજા આઠ વામનસ્તંભોની રચના કરી એના મથાળે મંડપની છત સોળ સ્તંભો પર ટેકવેલ છે. એની આગળ બીજા બે સ્તંભો ઉમેરીને શૃંગારચોકીની રચના કરાઈ છે. ઘુમ્મટના મધ્ય ભાગમાં આવેલી પદ્મશિલાનું ઉત્તમ કોતરકામ છે. તેમાં એક વખત બાર નૃત્યાંગનાઓનાં શિલ્પો હતાં. મંડપ અને શૃંગારચોકીની વેદિકા પર આવેલા વામનસ્તંભ ચોરસ અને સાદા છે. તેના ઉપરના છેડે પત્રાવલિથી વિભૂષિત દરેક બાજુએ વર્તુળ અને ઘટપલ્લવની રચના છે. તેના ઉપરનો સ્તંભભાગ અષ્ટકોણમાં પરિવર્તન પામે છે. એમાંની સર્પ અને હીરાઘાટની પરસ્પર ગૂંથણી ચિત્તને આકર્ષે છે. એની ઉપર કીર્તિમુખની પટ્ટિકા છે. રંગમંડપના નાના કદના સ્તંભો, વેદિકા, કરોટક-ઘાટની એની છત તથા એમાં મૂકેલ મૂર્તિઓ ઉત્તમ કોતરકામવાળી મંડપ પરની સંવર્ણા તરીકે ઓળખાતી રચનાની શરૂઆત આ મંદિરથી થઈ હોય એમ જણાય છે. આ મંદિરની દ્વારશાખા મૂળ નથી, પણ ફરીથી તેની રચના થઈ હોય એમ જણાય છે. તેમાં મૂળ દ્વારશાખાના ટુકડાઓનો ઉપયોગ થયો છે.
શિવપ્રસાદ રાજગોર