નીલકંઠ, મહીપતરામ રૂપરામ

January, 1998

નીલકંઠ, મહીપતરામ રૂપરામ (જ. 3 ડિસેમ્બર 1829, સૂરત; અ. 3 સપ્ટેમ્બર 1891) : ગુજરાતના લેખક તથા સમાજસુધારક. તેઓ પરદેશગમન કરનાર સૌપ્રથમ ગુજરાતી વડનગરા નાગર ગૃહસ્થ હતા. પ્રાર્થનાસમાજના ઉત્કર્ષમાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. તે ભોળાનાથના ઉત્તરાધિકારી અને પ્રાર્થનાસમાજના પ્રમુખ પણ હતા. તેમણે ‘બુદ્ધિવર્ધક સભા’ તથા ‘જ્ઞાનપ્રસારક’ જેવી સંસ્થાઓમાં રસ લીધો હતો. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’, ‘રાસ્ત ગોફતાર’ અને ‘સત્યપ્રકાશ’માં તેમના લેખો છપાતા. તે સૂરતના ‘પરહેજગાર’ પત્રના તંત્રી બનેલા અને ‘ગુજરાત શાળાપત્ર’ની સ્થાપનામાં પણ તેમનો સક્રિય ફાળો હતો. અંગ્રેજ સરકારે તેમને ‘રાવસાહેબ’નો ઇલકાબ બક્ષેલો (1859). હોપના અધ્યક્ષપણા હેઠળ નિમાયેલી વાચનમાળા-સમિતિના તેઓ સભ્ય હતા. મુંબઈ સરકારે તેમને શાળા-શિક્ષણપદ્ધતિ અવલોકવા ઇંગ્લૅન્ડ મોકલ્યા (1860). અમદાવાદની ટ્રેનિંગ કૉલેજના તેઓ અધ્યક્ષ નિમાયા હતા. સરકારી કેળવણી ખાતાના ભાષાંતરકર્તાનું કાર્ય તેમને સોંપાયેલું. પરદેશગમન બદલ આ ‘હિંમતબહાદુર’ને સમાજ સાથે સંઘર્ષ કરવો પડેલો જેમાં છેવટે તેમણે નમતું જોખેલું.

તેમનાં કુલ વીસેક પુસ્તકોમાં આઠ-નવ સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વનાં છે, બાકીનાં શાળોપયોગી છે. નવલકથાઓમાં, ‘સાસુ વહુની લડાઈ’ (1866), ‘સુબોધ ને રમૂજ સહિત વાર્તા રૂપે ખરી છબી’ દોરવા લખાયેલી સાંસારિક જીવનની કથા છે. સમયદૃષ્ટિએ ‘કરણઘેલો’ની પહેલાં પ્રસિદ્ધ થયેલી હોઈ તે ગુજરાતી ભાષાની પહેલી સામાજિક વાર્તા છે. ‘વનરાજ ચાવડો’ (1881) તથા સિદ્ધરાજ જયસિંહના કથાનકને આલેખતી ‘સધરા જેસંગ’(1880) ઐતિહાસિક વાર્તાઓ છે. ત્રણે કથા વ્યવહારનાં વર્ણનો, લોકગીતો, ટુચકા, વહેમીપણું જેવા સંસારચિત્રણના સંભારથી ભરચક હોવાથી ‘સામાજિક દસ્તાવેજો કે ઉપયોગી વાઙ્મયિક સંગ્રહસ્થાનો’ સમી છે.

ચરિત્રકાર મહીપતરામનું ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી’ ચરિત્ર (1877) ગુજરાતી ભાષાનું પ્રથમ જીવનવૃત્તાંત છે. તેમાં કરસનદાસનું વ્યક્તિચિત્ર કરતાં વિશેષ સુધારક પાસું ઊપસે છે અને તેમની આંતરરેખા આછીપાતળી અંકાઈ છે. દુર્ગારામની માનવધર્મસભાના દફતર નિમિત્તે લખેલ રોજનીશીના સંકલનરૂપ ‘મહેતાજી દુર્ગારામ ચરિત્ર’ (1879) ‘ક્વચિત્ રમૂજની છાંટવાળી શુદ્ધ, સરળ અને રસભરી’ ભાષામાં લખાયું છે. ‘પાર્વતીકુંવર આખ્યાન’ અલ્પશિક્ષિત પણ સંસ્કારી નારીનાં ગુણલક્ષણો વર્ણવતું પદ્યમાં લખેલું પત્નીચરિત્ર છે.

‘ઇંગ્લૅન્ડની મુસાફરીનું વર્ણન’ (1862) ઇંગ્લૅન્ડના પ્રજાજીવનનો, ત્યાંની રાજકીય, સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ચિતાર આપતું માહિતીપૂર્ણ પ્રવાસપુસ્તક છે. ‘નિશાળપદ્ધતિ’ (1866) અને ‘શિક્ષાપદ્ધતિ’ (1872) મહીપતરામનાં કેળવણીવિષયક મહત્ત્વનાં પુસ્તકો છે. તેમણે ‘ભવાઈસંગ્રહ’ તથા દલપતરામસંપાદિત ‘કાવ્યદોહન’(1-2)નું પુન:સંપાદન કર્યું હતું. તેઓ સાદી, સરલ ગુજરાતી ભાષાશૈલીના હિમાયતી હતા.

જોસેફ પરમાર