નીલકંઠ (ઈ. સ. 1431) : પ્રસિદ્ધ ભારતીય જ્યોતિષી. પત્ની ચંદ્રિકા. વિદર્ભપ્રદેશના ગોદાથડના ધર્મપુરીના મૂળ રહેવાસી. તેમનું ગોત્ર ગાર્ગ્ય હતું. તેમના પિતા અનંત કાશીનિવાસી થયા ત્યારથી આ કુટુંબ કાશીનિવાસી થયું.

આ વંશની પાંચ પેઢી સુધી બધા જ મુખ્ય પુરુષો વંશપરંપરાગત જ્યોતિષશાસ્ત્રવિશારદ થયા હતા. તેમના પૂર્વજ ચિંતામણિ પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેમના પુત્ર અનંતે ‘કામધેનુ’ નામના પંચાંગ-સાધનના ગ્રંથ ઉપરની ટીકા લખી. તેમાં તિથિ વગેરેના સાધન માટેની સારણીઓ આપવામાં આવી છે.

અનંતના પુત્ર નીલકંઠ પણ બહુ મોટા ગજાના જ્યોતિર્વિદ થઈ ગયા. નીલકંઠની માતાનું નામ પદ્મા હતું. અકબરના પ્રધાન ટોડરમલની યાદમાં તેમણે ‘ટોડરાનંદ’ ગ્રંથ રચ્યો. તેઓ મોટા જ્યોતિષમીમાંસક અને સાંખ્યયોગના તજ્જ્ઞ હતા. અકબરના રાજ્યકાળ દરમિયાન એમની કીર્તિ સર્વત્ર પ્રસરેલી હતી. અકબરના રાજ્યનાં નવરત્નોમાં એક નીલકંઠ પણ હતા તેવો ઉલ્લેખ તેમના પુત્ર ગોવિંદે કર્યો છે. તાજિક (વર્ષફળ) ઉપર નીલકંઠનો શ્રદ્ધેય ગ્રંથ તાજિક નીલકંઠી છે. આજે પણ તે એટલો જ શ્રદ્ધેય અને માન્ય છે. આ ગ્રંથ ઈ. સ. 1431ના અરસામાં રચાયો હોય એમ જણાય છે. તેના ઉપર અસંખ્ય ટીકાઓ પ્રાપ્ય છે. વિશ્વનાથની ટીકા 1551માં રચાઈ તે ટીકા ઉદાહરણ સહિત હોઈ ખૂબ જ શ્રદ્ધેય ગણાય છે.

આ ગ્રંથમાં સહમનું ફળ અને ષોડશયોગ બાબતે, હીનાંશ, ત્રિપતાકા ને બારે ભાવનાફળ બાબતે, રિષ્ટયોગો, રિષ્ટભંગયોગો અને માસના ફળ બાબતે સંપૂર્ણ વિગતે ચર્ચા કરી છે. ‘તાજિક-નીલકંઠી’ ઉપર ‘દ્વિઘટિકા’ નામે લક્ષ્મીપતિની ટીકા પ્રખ્યાત છે.

નીલકંઠે ‘જાતકપદ્ધતિ’ નામે ગ્રંથમાં માત્ર 60 શ્લોક રચ્યા છે. મિથિલાપ્રાંતમાં તે પ્રસિદ્ધ છે. આ ઉલ્લેખ ગણકતરંગિણીકારે કર્યો છે. આ ઉપરાંત તેમણે ‘તિથિરત્નમાલા’, ‘પ્રશ્નકૌમુદી’, ‘જ્યોતિષકૌમુદી’ વગેરે પ્રશ્ન-જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો રચ્યા છે. ‘દૈવજ્ઞવલ્લભા’ જ્યોતિષશાસ્ત્રનો તેમનો ગ્રંથ જ્યોતિષશાસ્ત્રીઓની પત્નીઓ ઉપર લખેલો છે. ‘જૈમિનિસૂત્ર’ની સુબોધિની નામે ટીકાનો ગ્રંથ પણ તેમણે લખ્યો છે.

ગ્રહકૌતુક, ગ્રહલાઘવ અને મુહૂર્તના ગ્રંથો ઉપર એમણે ટીકાઓ લખી હોવાનું જાણવા મળે છે.

બટુક દલીચા