નિહોન્-ગી (Nihon-gi)

April, 2024

નિહોન્-ગી (Nihon-gi) : શિન્તો ધર્મમાં શાસ્ત્રગ્રંથ તરીકે ગણાતો જાપાનનો ઇતિહાસ. જાપાનનો કો-જી-કી ગ્રંથ જૂની બાબતોનો ઇતિહાસ ધરાવે છે જ્યારે નિહોન-ગી, જેનો અર્થ જાપાનનો ઇતિહાસ થાય છે તેની રચના ઈ. સ. 720માં થઈ હતી. જાપાનના સમ્રાટના અધિકારી યાસુમારોએ સમ્રાટની આજ્ઞાથી અને રાજકુમારની સાથે મળીને કો-જી-કીના કર્તાએ જ આ બીજો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં ઘણી હકીકતો આપવામાં આવેલી છે તેથી તે પહેલા ગ્રંથ (કો-જી-કી) કરતાં બૃહદ્ થયો છે. જૂની બાબતોને સાચવી રાખવાનો રાજાનો જે હેતુ હતો તે જ પ્રમાણે આ ગ્રંથમાં વિષયો ગોઠવવામાં આવ્યા છે. વસ્તુતઃ નિહોન-ગી જાપાનના ઇતિહાસની કથાઓનો અનુપમ સંગ્રહ છે.

પ્રવીણચંદ્ર પરીખ