નિંગસિયા હુઈ (Ningxia Hui)

January, 1998

નિંગસિયા હુઈ (Ningxia Hui) : વાયવ્ય ચીનમાં વસતા ચીની મુસ્લિમો(હુઈ)નો સ્વાયત્ત પ્રદેશ. તેમાં યિનચુઆનની આસપાસનો મેદાની વિસ્તાર તથા અગ્નિખૂણા તરફની લોએસ ટેકરીઓના પ્રદેશનો સમાવેશ થાય છે. ભૌગોલિક સ્થાન 37° ઉ. અ. અને 106° પૂ. રે.. આ સ્વાયત્ત પ્રદેશનો કુલ વિસ્તાર આશરે 66,400 ચોકિમી. છે. યિનચુઆન તેનું પાટનગર છે. તેની વસ્તી 66,20,000 (2014) જેટલી છે.

ત્યાંનો શિયાળો અને ઉનાળો ખૂબ જ વિષમ રહે છે. શિયાળામાં તાપમાન શૂન્યથી 20° નીચે જતું રહે છે, ઉનાળામાં તાપમાન 49° સે. જેટલું ઊંચું જાય છે. સપ્ટેમ્બરથી એપ્રિલ સુધી શિયાળાની ઋતુ હોય છે. ત્યારપછી ઉનાળો શરૂ થાય છે, જે ખૂબ જ ટૂંકો હોય છે. વાર્ષિક સરેરાશ વરસાદ 380 મિમી. પડે છે.

નિંગસિયાના મેદાની વિસ્તારમાં ખેતીનો વિકાસ થયો છે. ખેતી હેઠળની કુલ જમીન પૈકી 1,60,000 હેક્ટર જમીનને આ પ્રદેશમાંથી પસાર થતી ચીનની હુઆંગ હો(પીળી નદી)નાં જળ સિંચાઈ માટે મળી રહે છે. ઘઉં, બાજરી અને જવ આ પ્રદેશની મુખ્ય કૃષિપેદાશો છે. આ ઉપરાંત ચોખા, બીટ, ફળો અને કપાસ પણ પેદા થાય છે.

નિંગસિયાના મેદાનના ઉત્તર કિનારા પર શીઝુઈશાનનાં કોલસાનાં ક્ષેત્રો આવેલાં છે. અહીંના કોલસાના થરોનો કુલ અનામત જથ્થો આશરે 10 અબજ ટન જેટલો અંદાજવામાં આવેલો છે. મોટા ભાગનો કોલસો કોકિંગ પ્રકારનો છે. સોડા અને મીઠું  એ આ પ્રદેશની અન્ય આર્થિક પેદાશો છે. કોલસાના ખનન માટે 1957માં ત્યાં અદ્યતન સુવિધા ધરાવતી ખાણ તૈયાર કરવામાં આવેલી છે.

નિંગસિયા પહોંચવા માટે અગાઉના સમયમાં માત્ર વણજાર-માર્ગનો જ ઉપયોગ થતો હતો. લેન્ઝાઉ તથા બોટુ (Baotou) – આ બે ઔદ્યોગિક નગરો સાથે આ પ્રદેશને રેલમાર્ગ દ્વારા જોડવામાં આવ્યો છે. રેલમાર્ગ હુઆંગ હો નદીના પથને સમાંતર તૈયાર કરવામાં આવેલો છે. આ ઉપરાંત ઝાંગવેઈ અને બોટુ વચ્ચેનો જળવ્યવહાર-માર્ગ નાની હોડીઓની અવરજવર માટે અનુકૂળ છે.

યિનચુઆન તથા વુઝહૉંગ – એ બે આ સ્વાયત્ત પ્રદેશનાં શહેરી વસ્તીવાળાં મુખ્ય નગરો છે. નિંગસિયાના મેદાની વિસ્તારમાં આવેલ યિનચુઆનમાં અનાજ, ઊન તથા ચામડાં પર પ્રક્રમણ કરતા ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. જુદાં જુદાં સાધનો માટેના ભાગો બનાવવાની આર્થિક પ્રવૃત્તિ ચાલે છે. તે ઉપરાંત, ડુક્કર અને ઘેટાઉછેર પણ લોકોનો મુખ્ય વ્યવસાય છે. દક્ષિણમાં આવેલું વુઝહૉંગ નગર કૃષિપેદાશોના વ્યાપારનું કેન્દ્ર છે.

ઇતિહાસ : પ્રાચીન કાળમાં આ પ્રદેશમાં મૉંગોલિયાની વિચરતી જાતિના લોકો વસતા હતા. 11મી સદીમાં નિંગસિયા તાન્ગુત (Tangut) સામ્રાજ્યનો એક ભાગ હતો. 13મી સદીમાં ચંગીઝખાને અહીંનો કેટલોક ભાગ કબજે કરેલો, તેથી તે મૉંગોલિયન સામ્રાજ્યનો અંતર્ગત ભાગ બનેલો. 1368થી 1644 દરમિયાન ચીની મિંગ વંશે માગોલ સત્તાને ઉથલાવી, પરંતુ અહીંની મૉંગોલિયન વસ્તીએ ચીની સત્તાનો વિરોધ કરેલો. ત્યાર પછી ચીનમાં માંચુ વંશ(1644–1912)નો ઉદય થયો ત્યારે નિંગસિયાના પ્રદેશનો અગ્નિ તરફનો ભાગ ગાન્સુ પ્રાંતમાં ભેળવી દેવામાં આવ્યો અને બાકીના વિસ્તાર પર મુઘલોનું શાસન ચાલુ રહ્યું. 1928માં દક્ષિણ તરફના પ્રદેશનો સ્વતંત્ર પ્રાંત રચવામાં આવ્યો. 1954માં દક્ષિણ તથા ઉત્તર બંને તરફના તેના પ્રદેશો ગાન્સુ પ્રાંતમાં સામેલ કરવામાં આવ્યા. 1956માં દક્ષિણ તરફના તેના પ્રદેશને સ્વાયત્તતા બક્ષવામાં આવી, જેને હવે નિંગસિયા હુઈ સ્વાયત્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે