નિહાવંદી, અબ્દુલ બાકી

January, 1998

નિહાવંદી, અબ્દુલ બાકી (જ. 1577–78, જોલક ગામ, નિહાવંદ, ઈરાન; અ. 1632–33) : અકબર તથા જહાંગીરના સમયના પ્રખ્યાત વહીવટકર્તા તથા લેખક. તેમના પિતા અને ભાઈની જેમ તેઓ પોતે પણ શાસન સાથે સંકળાયેલા રહ્યા હતા. તેઓ 1613માં ભારત આવીને બુરહાનપુરમાં અબ્દુર્રહીમ ખાનખાનાનના દરબારમાં કવિ અને લેખક તરીકે જોડાયા હતા. પોતાના આશ્રયદાતા અબ્દુર્રહીમ ખાનખાનાનનાં કાર્યોને બિરદાવતી તેમની ઇતિહાસ અને સાહિત્ય વિશેની કૃતિ ‘મઆસિરે રહીમી’થી તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે.

‘મઆસિરે રહીમી’ કૃતિ ત્રણ ગ્રંથોમાં, મૂળ ફારસી ભાષામાં પ્રગટ થઈ છે. આ પુસ્તકમાં મુઘલોના, અબ્દુર્રહીમ ખાનખાનાનના અને ભારતનાં જુદાં જુદાં પ્રાદેશિક રાજ્યોના ઇતિહાસ ઉપરાંત તે સમયના મહત્ત્વના વિદ્વાનો અને કવિઓ-લેખકો અંગેના અહેવાલોનો સમાવેશ થાય છે. છેલ્લા ભાગમાં લેખકે પોતાના સમકાલીન કવિઓ, લેખકો તથા વિદ્વાનો વિશે કેટલીક દુષ્પ્રાપ્ય માહિતી એકઠી કરી છે. અબ્દુર્રહીમ ખાનખાનાન ગુજરાતના સૂબા હતા ત્યારે તેમના દરબાર સાથે સંકળાયેલા અનેક ફારસી કવિઓ, લેખકો તેમજ વિદ્વાનો અંગેની વિગતો અત્યંત રસપ્રદ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી