નિઝામી ખલીફ અહમદ

January, 1998

નિઝામી, ખલીફ અહમદ (. 5 ડિસેમ્બર 1925, અમરોહા; . 4 ડિસેમ્બર 1997, અલીગઢ, .પ્ર.) : મધ્યકાળની મુસ્લિમ તવારીખના સૂફીવાદી લેખક. યુનિવર્સિટીનું શિક્ષણ મેળવ્યા પછી તેઓ અલીગઢ યુનિવર્સિટીમાં જોડાયા. નાની વયથી જ તેમને સૂફી સંતોના અભ્યાસમાં વિશેષ રસ પડતો, તેમની હસ્તપ્રતો નિઝામીના અભ્યાસનો ખાસ વિષય હતી. ચિશ્તિયા બુઝુર્ગોનાં જીવન, સૂફી તાલીમ અને સૂફી સંસ્કાર તેમજ માનવતાવાદી શિષ્ટાચાર ઉપર નિઝામીએ ખાસ સંશોધન કર્યું છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને સૂફીવાદ ઉપરનાં તેમનાં અનેક પુસ્તકો ભારે પ્રશંસા પામ્યાં છે.

વિષયનિરૂપણમાં તેમણે હંમેશાં સમતોલપણું અને સહિષ્ણુતાનું મનોવલણ અપનાવ્યું છે. એ રીતે સાચી હકીકત તારવવામાં તેઓ સફળ થયા છે.

અલીગઢ યુનિવર્સિટીમાં તેઓ ઇતિહાસ વિભાગમાં જોડાયા. વિસ્તૃત અભ્યાસ, વિષયની વિશદ છણાવટ અને બિનસાંપ્રદાયિક દૃષ્ટિબિંદુ વગેરેથી વિશ્વવિદ્યાલયના તમામ વર્ગોમાં તેઓ લોકપ્રિય બની રહ્યા.

નિઝામીની પસંદગીનું મુખ્ય ક્ષેત્ર સૂફીવાદ કે તસવ્વુફ રહ્યું છે. આમાંય ખાસ કરીને ‘ચિશ્તિયા સિલસિલા’ વિશે તેમનું પ્રદાન મહત્વનું છે. ચિશ્તિયા સૂફીઓ અનેક રીતે ભારતીય રંગે રંગાયા હતા. તેમની ‘ખાનકાહ’(મઠ કે આશ્રમ)માં પણ સૂફીઓની સાથે સંત-સાધુઓ જોવા મળતા. તે લોકોએ ભગવો રંગ અપનાવ્યો હતો; કવ્વાલીની સાથે સંગીત જોડ્યું હતું. તેમની ભક્તિ-વ્યવસ્થામાં પણ એકતાનાં દર્શન થતાં. નિઝામીએ વિસ્તારપૂર્વક પોતાના નામાંકિત ગ્રંથ ‘તારીખે મસાઈએ ચિશ્ત’માં સૂફીવાદની સમયગણના, સૂફીઓની આશ્રમવ્યવસ્થા, તાલીમ, ઉપદેશો અને જીવનશૈલી ઉપરાંત ચિશ્તિયા બુઝુર્ગોનો ઇતિહાસ આલેખ્યો છે.

સૂફીઓનાં વચનને મલફૂઝ કહેવાય છે. નિઝામીએ ખૂબ ચીવટપૂર્વક વિવરણ કરીને તેમને સંપાદિત કર્યાં છે.

તેમણે પ્રસિદ્ધ હદીસવિદ્વાન શેખ અબ્દુલ હકમુહદ્દિસ દહલ્વીનું સમીક્ષાત્મક જીવનચરિત લખીને ઉર્દૂ સાહિત્યમાં બહુમૂલ્ય ફાળો નોંધાવ્યો છે. નિઝામીએ અંગ્રેજી ભાષામાં પણ યાદગાર ગ્રંથો રચ્યા છે.

ઉપરાંત ઐતિહાસિક વિષયો ઉપરના તેમના નિબંધોના સંગ્રહો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.

ઉર્દૂમાં કેટલાક ઇતિહાસવિષયક લેખોમાં સને 1857 વિશે તેમનું સંશોધન ખાસ ધ્યાન ખેંચે છે. આધ્યાત્મિક જીવનની રૂપરેખા દોરી બતાવવામાં તેમનું કૌશલ્ય રહેલું છે. તેથી જ તેમનાં પુસ્તકો પાઠ્યક્રમના આધારગ્રંથો ન બની રહેતાં સર્જનાત્મક સાહિત્યરૂપ બની રહે છે.

નિઝામીને ભાષા અને શૈલી ઉપર પણ પ્રભુત્વ હતું. મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢના વાઇસ-ચાન્સેલર તરીકે તેમણે આપેલી સેવા શૈક્ષણિક વહીવટી વર્તુળમાં પ્રશંસા પામી હતી.

તેઓ નિવૃત્તિ પછી પણ પ્રોફેસર એમેરિટસની હેસિયતથી ત્યાં નોંધપાત્ર સેવા આપી રહ્યા હતા.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા