નિઝામિયા ઑબ્ઝર્વેટરી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ

January, 1998

નિઝામિયા ઑબ્ઝર્વેટરી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ : દક્ષિણ ભારતમાં હૈદરાબાદ ખાતે આવેલી વેધશાળા, જેની સ્થાપના હૈદરાબાદના એક રઈસ ગૃહસ્થ નામે નવાબ ઝફરજંગે 1901માં તદ્દન ખાનગી રાહે કરી હતી. નિઝામિયા વેધશાળાના સ્થાપક ધનિક રઈસ ખગોળપ્રેમી નવાબ ઝફરજંગ નવાબજંગે તેમનું ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું હતું અને વિદેશની મુસાફરી દરમિયાન પૅરિસમાં ભરાયેલી ખગોળશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય પરિષદે, એમનામાં રહેલા ખગોળના રસને સક્રિય કર્યો. આ પરિષદ 1887માં ભરાઈ હતી અને એમાં સમગ્ર આકાશના 18 જેટલા વિભાગ પાડીને, આરંભમાં, દુનિયાની 18 જેટલી વેધશાળાઓને તે ફાળવવામાં આવ્યા. પ્રત્યેક વેધશાળાએ તેમને સોંપવામાં આવેલા આકાશી વિભાગની છબીઓ પાડવાની હતી અને સંબંધિત તારાઓનાં સ્થાન તથા તેમના તેજાંક (luminosity) અનુસાર તારાપત્રકો બનાવવાનાં હતાં. આ કામગીરી આશરે 40 વર્ષ સુધી ચાલવાની હતી અને તેનું સઘળું સંચાલન પૅરિસ ખાતેની પ્રખ્યાત પૅરિસ વેધશાળાને સોંપવામાં આવ્યું. ફોટોગ્રાફી દ્વારા આકાશી પ્રતિચિત્રણ(sky mapping)ની આ મહત્વાકાંક્ષી યોજનાનું નામ ‘carte-du-ciel’ આપવામાં આવ્યું, જેનો અર્થ ‘તારાચિત્રીય પટલ અને પત્રક’ (astrographic chart and catalougue) એવો થાય. જોકે પાછળથી થયેલી ખગોળ-ફોટોગ્રાફી(astro-photography)ની ઝડપી પ્રગતિએ ઍસ્ટ્રોગ્રાફિક ચાર્ટની પ્રવૃત્તિને લગભગ સ્થગિત કરી નાંખી અને કૅટલૉગ તો છેક 1964માં પ્રસિદ્ધ થઈ શક્યાં.

નિઝામિયા વેધશાળાના સ્થાપક રઈસ, ખગોળપ્રેમી નવાબ ઝફરજંગ

આવી આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પોતાનો દેશ પણ ભાગ લઈ શકે અને વિજ્ઞાનનો યોગ્ય પ્રચાર થાય તેવા ઉમદા આશયથી નવાબે ઇંગ્લૅન્ડમાંથી કેટલાંક ખગોલીય અને એને સંલગ્ન ખગોલીય ઘડી, લેન્સ તથા હવામાન વગેરે વિદ્યાને લગતાં કેટલાંક અન્ય ઉપકરણો પણ ખરીદ્યાં, જેમાં 20 સેમી. વ્યાસના એક ખગોલ-આલેખ કે ‘કુક ઍસ્ટ્રોગ્રાફ’નો તથા 38 સેમી. વ્યાસના ‘ગ્રબવર્તક દૂરબીન’(Grubbrefractor)નો પણ સમાવેશ થતો હતો. ‘કુક ઍસ્ટ્રોગ્રાફ’ હકીકતમાં 20 સેમી. વ્યાસનો એક ખગોલીય કૅમેરા જ હતો જેના વડે આકાશની છબીઓ પાડી શકાતી. વિષુવવૃત્તીય આધાર (equatorial mounting) પ્રકારના ગ્રબવર્તક દૂરબીન દ્વારા આંખ વડે પ્રત્યક્ષ આકાશી નિરીક્ષણ થઈ શકતું.

વેધશાળાનું નામ જેમના પરથી પાડવામાં આવ્યું તે હૈદરાબાદના છઠ્ઠા નિઝામ મીર મહેબૂબઅલીખાન બહાદુર

આ ઉપકરણો, હૈદરાબાદ ખાતે આવેલી ફિસલબંદા તરીકે ઓળખાતી પોતાની જાગીરમાં પૈડાંવાળા સરકતા ગુંબજ નીચે ગોઠવવામાં આવ્યાં. બે ટેલિસ્કોપની આવી ગોઠવણ બરાબર છે કે કેમ તેની ચકાસણી નવાબે, કોડાઈ કેનાલ અને મદ્રાસ(ચેન્નાઈ) વેધશાળાના તત્કાલીન અંગ્રેજ નિયામક સી. મિકી સ્મિથ (C. Michie Smith) દ્વારા કરાવી અને સ્મિથે એવો અભિપ્રાય આપ્યો કે દૂરબીનોને કોઈક વધુ સારે ઠેકાણે અને વધુ સારા ગુંબજમાં ગોઠવવાં જોઈએ. દૂરંદેશી નવાબે હૈદરાબાદના તત્કાલીન છઠ્ઠા નિઝામ હિઝ હાઇનેસ નવાબ મીર મહેબૂબઅલીખાન બહાદુર(1866–1911)ના નામ ઉપરથી પોતાની વેધશાળાને ‘નિઝામિયા (નિઝામની) વેધશાળા’ એવું નામ આપવા માટે મંજૂરી માંગી અને પોતાના મૃત્યુ બાદ આ વેધશાળા નિઝામ રાજ્ય(સરકાર)ને સોંપવાની કાર્યવહી કરી. એક સંદર્ભ અનુસાર હૈદરાબાદમાં બાઇસિકલ (દ્વિચક્રી વાહન) અને મૂંગી ફિલ્મોને સૌપ્રથમ લાવનાર નવાબ ઝફરજંગ હતા. વેધશાળાની સ્થાપના પછી બહુ ટૂંકા ગાળામાં 1907માં ઝફરજંગનું અવસાન થયું અને અગાઉ કરેલી ગોઠવણ મુજબ વેધશાળાનો તમામ વહીવટ 1908થી નિઝામ-રાજ્ય હસ્તક આવ્યો. પાછળથી 1919માં હૈદરાબાદની ઓસમાનિયા યુનિવર્સિટી સાથે એને જોડી દેવામાં આવતાં, સમગ્ર ભારતમાં ઓસમાનિયા યુનિવર્સિટી એકમાત્ર એવી યુનિવર્સિટી બની, જેની સાથે ખગોલીય વેધશાળા સંલગ્ન હોય.

નિઝામ સરકારે જે કેટલાક મહત્વના નિર્ણય લીધા એમાંનો એક હતો વેધશાળાને ‘Carte-du-ciel’ પ્રોગ્રામમાં વિધિપૂર્વક જોડી દેવાનો અને બીજો નિર્ણય વેધશાળાની કામગીરી ઉપાડી શકે તેવા યોગ્ય નિયામકની શોધ કરવાનો. તેને માટે ઇંગ્લૅન્ડની બી.એસસી.ની પદવી ધરાવતા, આર્થર બ્રુનેલ ચેટવૂડને પસંદ કરવામાં આવ્યા અને માસિક રૂપિયા એક હજાર(વાર્ષિક બાર સો પાઉન્ડ)ના પગારથી તેમની નિમણૂક કરવામાં આવી. 1908થી 1914 સુધી તેમણે આ હોદ્દો સંભાળ્યો. આ ગાળા દરમિયાન એમના સૂચનથી, વેધશાળાને નવાબ ઝફરજંગની ખાનગી જાગીરમાંથી ખસેડી હૈદરાબાદ નજીકના બેગમપેટ નામના સ્થળે લઈ જવામાં આવી. આ નવા સ્થળે એમણે ઍસ્ટ્રોગ્રાફનું પુન:સ્થાપન કર્યું.

નિઝામિયા ઑબ્ઝર્વેટરી : હૈદરાબાદના પરાવિસ્તાર બેગમપેટ ખાતે આવેલી આ વેધશાળાના બે ટેલિસ્કોપના બે અલગ ગુંબજો ચિત્રમાં દેખાય છે.

ચેટવૂડ પછી રૉબર્ટ જૉન પોકૉક (જન્મ 1889, અવસાન 1918) નિયામક તરીકે આવ્યા. એમણે આ હોદ્દો 1914 સુધી સંભાળ્યો. પોકૉક, ઑક્સફર્ડમાં અત્યંત વગ ધરાવતા પ્રો. ટર્નર(Herbert Hall Turner : 1861–1930)ના માનીતા હતા અને તેમની વરણી ઑક્સફર્ડથી સીધેસીધી જ કરવામાં આવી હતી. 1914થી ખગોલીય ફોટોગ્રાફીનું કાર્ય એમણે ગંભીરતાથી ઉપાડી લીધું અને એનો પ્રથમ ખંડ 1917માં પ્રસિદ્ધ પણ કરી દીધો. આ કામગીરીનો છેલ્લો બારમો ખંડ 1946માં પ્રસિદ્ધ થયો. આ બધા ખંડોમાં આશરે 8,00,000 જેટલા તારાઓનાં નિરીક્ષણો સામેલ છે.

વેધશાળાના નિયામક તરીકે પોકૉક છેલ્લા યુરોપીય સજ્જન હતા. એ પછી એમના હાથ નીચે તૈયાર થયેલા ભારતના ટી. પી. ભાસ્કરને (જ. 1889,  અ. 1950) આ કામગીરી ઉપાડી લીધી. પોકૉકનું અકાળે અવસાન થતાં ચારેક વર્ષ સુધી ભાસ્કરને અનૌપચારિક રીતે અને એ પછી 1922થી ઔપચારિક રીતે નિયામકનો હોદ્દો સંભાળ્યો અને તેઓ 1944માં નિવૃત્ત થયા.

‘રાવસાહેબ’ અથવા ફલજ્યોતિષમાં એમના રસને કારણે ‘ટી.પી. ભાસ્કરન્ શાસ્ત્રી’ તરીકે વધુ જાણીતા થયેલા ભાસ્કરન્ની પછી, નિઝામિયા વેધશાળાનું સંચાલન ડૉ. અકબર અલીના હાથમાં આવ્યું. તે 1944થી એમના અવસાન સુધી એટલે કે 1960 સુધી આ પદ ઉપર રહ્યા અને એક કાબેલ નિયામક સાબિત થયા. નવા અને યુવાન ખગોળશાસ્ત્રીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે તેઓ જાણીતા હતા. પાછળથી અત્યંત જાણીતા બનેલા ભારતના સુપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી સ્વ. વેણુ બાપ્પુ(1927-1982)એ તેમના હાથ નીચે આ જ વેધશાળામાં તાલીમ લીધી હતી. ડૉ. અલીના હોદ્દાની અવધિમાં કેટલાક મહત્વના અને વેધશાળાને આધુનિક કરવાના નિર્ણયો લેવામાં આવ્યા. આને માટેની જરૂરી આર્થિક સહાય, 1954માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તથા અમેરિકાની તત્કાલીન સરકાર પાસેથી મેળવવામાં આવી. વેધશાળાને વધુ વિકસાવવાના અને ભવિષ્યમાં ખગોળશાસ્ત્રને અભ્યાસક્રમમાં સમાવી લેવાના હેતુથી 1959માં ઓસમાનિયા યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રનો અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો અને 1964–79માં તેને માટે ખાસ ગ્રાંટ મેળવવામાં આવી. આમ, ખગોળશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસક્રમના કેન્દ્રનો આરંભ, ઓસમાનિયા યુનિવર્સિટીમાં 1964થી થયો. આવો જ એક બીજો મહત્વનો નિર્ણય નવું ટેલિસ્કોપ, કોઈ નવા સ્થળે ગોઠવવા માટે લેવામાં આવ્યો. 1957માં 1.2 મી. વ્યાસના એક પરાવર્તક દૂરબીનનો ઑર્ડર એક વિદેશી કંપનીને આપવામાં આવ્યો. હૈદરાબાદની આસપાસના લગભગ 50 કિમી. વિસ્તારને આના માટે ચકાસવામાં આવ્યો અને આખરે જાપાલ અને રંગાપુર નામનાં બે ગામની સરહદે આવેલી એક ઊંચી ટેકરી પસંદ કરવામાં આવી. પસંદગી ઉપર આખરી મહોર અમેરિકાથી આવેલા અને 1961માં ઓસમાનિયા યુનિવર્સિટીના અતિથિ બનેલા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી પ્રો. એસ. ચંદ્રશેખરે મારી. 1.2 મી.નું ટેલિસ્કોપ ડિસેમ્બર, 1964માં ભારત આવ્યું અને એનું સ્થાપનકાર્ય ડિસેમ્બર, 1968માં પૂરું થયું. આ નવા સ્થળને ‘જાપાલ-રંગાપુર વેધશાળા’ એવું નામ આપવામાં આવ્યું. (જુઓ ગુ.વિ., ખંડ–7, પાન 742.)

1983માં ઐતિહાસિક બેગમપેટ સ્થળ ખાલી કરી નાંખવામાં આવ્યું અને નિઝામિયા વેધશાળાને, ઓસમાનિયા યુનિવર્સિટી વિસ્તારમાં તૈયાર થયેલા નવા મકાનમાં ખસેડવામાં આવી અને ઓસમાનિયા યુનિવર્સિટીના ખગોળ-વિભાગ સાથે સંકળાયેલું આ આખું સંકુલ ‘નિઝામિયા અને જાપાલ-રંગાપુર વેધશાળા’ તરીકે ઓળખાવા લાગ્યું. ઐતિહાસિક નિઝામિયા વેધશાળાના 1908થી 1960 સુધીના ચાર નિયામકો પશ્ચાદના, 1960થી 1983 સુધીના ચાર નિયામકો આ પ્રમાણે હતા : ડૉ. એ. કે. દાસ (1960–1961); પ્રો. આર. વી. કરંદીકર (1963–1973); પ્રો. કે. ડી. અભ્યંકર (1973–1981); અને પ્રો. એમ. બી. કે. શર્મા (1981–1983).

પુરાણી નિઝામિયા વેધશાળાએ તારા-ચિત્રણ (astrography) ઉપરાંત ખગોળનાં અન્ય ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર કામ કર્યું છે. 1922માં પુન:સ્થાપિત કરવામાં આવેલા 38 સેમી.ના ગ્રબવર્તક દૂરબીન વડે ધૂમકેતુઓ, રૂપવિકારી તારાઓ (variable stars) તથા ચંદ્રીય પિધાન (lunar occultation) વગેરેનાં નિરીક્ષણો કર્યાં છે, તો યુગ્મ-તારાઓ (double stars) અંગે પણ મહત્ત્વનાં સંશોધનો થયાં છે. 1939માં વસાવવામાં આવેલા હેલ સૌર આલેખક (Hale-pectrohelioscope) વડે સૌર અભ્યાસ પણ થયો છે.

આ વેધશાળાએ આમજનતાની પણ સેવા કરી છે. માનક સમય (standard time) આપવો, સરકાર માટે ઉર્દૂ અને અંગ્રેજીમાં પંચાંગો (કૅલેન્ડર) તૈયાર કરવાં વગેરે કામગીરી પણ ભૂતકાળમાં સફળતાપૂર્વક બજાવી છે. તેવી જ રીતે, ધરતીકંપની નોંધ લેતાં બે ભૂકંપમાપક યંત્રો પણ એક કાળે અહીં રાખવામાં આવતાં હતાં. એ યંત્રો એટલાં તો સંવેદી હતાં કે આશરે 160 કિમી. દૂર ઉદભવેલા ધરતીના કંપનને પણ નોંધી શકતાં હતાં. રાતદિન કામગીરી બજાવતાં આ યંત્રોનાં નિરીક્ષણો ભૂકંપવિજ્ઞાનની આંતરરાષ્ટ્રીયસંસ્થા(International Bureau of Seismology)ને નિયમિતપણે મોકલવામાં આવતાં હતાં.

સુશ્રુત પટેલ