નિઝામી દક્કની (પંદરમી સદી)

January, 1998

નિઝામી દક્કની (પંદરમી સદી) : ઉર્દૂના પ્રાચીન કવિઓમાં ઉલ્લેખનીય નામ. કવિનું નામ ફખ્રુદીન અને ‘નિઝામી’ તખલ્લુસ હતું. અહમદશાહ બહ્મની બીજાના દરબારમાં નિઝામીની કવિતાનાં ભારે ગુણગાન થતાં તેથી તે રાજાનો માનીતો કવિ બની શક્યો હતો. નિઝામીના જીવન વિશે માહિતી મળતી નથી. પરંતુ તેમની એક રચના ‘મસ્નવી – કદમરાવ પદમરાવ’ નામની ઐતિહાસિક કૃતિને જમીલ જાલિબીએ સંપાદિત કરીને છપાવી છે.

મસ્નવીની કથા નાગરાજા કદમરાવ અને તેના વજીર પદમરાવનાં પાત્રોની આસપાસ આકાર લેતી એક દંતકથા છે. નાગના પુરાકલ્પન પર આધારિત આ કાવ્યનું મહત્વ એટલા માટે ઊંચું અંકાયું છે કે સોળમી સદીમાં ગુજરાતમાં રચાયેલ ગુજરી-ઉર્દૂ ભાષાનાં લક્ષણો આ કાવ્યમાં મળી આવે છે. કુતુબશાહી અને આદિલશાહી શાસકોની પહેલાં જે દહકી-ઉર્દૂ ભાષા બોલાતી હતી તે અને તત્કાલીન ગુજરી-ઉર્દૂ ભાષામાં રહેલી સમાનતા આ કાવ્ય ઉપરથી ફલિત થાય છે. કદમરાવ-પદમરાવની ભાષા અને શૈલી ગુજરાતના ખ્યાતનામ ઉર્દૂ કવિઓની રચનાઓ સાથે સરખાવતાં બંને ભાષા બોલતી પ્રજાના સાંસ્કૃતિક સમન્વયનો ચિતાર મળી રહે છે. મસ્નવી કાવ્યની શબ્દાવલી નારી, છંદ, પંદ, જગ, દક, વેલ, સુજાત, કુજાત અને ક્રિયાપદો દીઠા, ધરે, સુન્યા, લાંપઝાંપ (કરવું) વગેરે થોડાક ફેરફાર સાથે આજેય વપરાય છે.

500થી 600 વરસ પહેલાં લખાયેલી આ કાવ્યની પ્રાચીન ઉર્દૂ ભાષાનું ઐતિહાસિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક મહત્વ સમીક્ષકોએ સ્વીકાર્યું છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા