નિજાનંદ સમ્પ્રદાય (શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ)

January, 1998

નિજાનંદ સમ્પ્રદાય (શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ) : શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે વધારે જાણીતો સમ્પ્રદાય. નિજાનંદાયાર્ચ દેવચન્દ્રજી મહારાજે તે સ્થાપેલો હતો. દેવચન્દ્રજીનો જન્મ ઈ. સ. 1581માં મારવાડ પ્રદેશ (વર્તમાન પાકિસ્તાનનો સિંધ પ્રાન્ત)ના ઉમરકોટ ગામમાં થયો હતો. પિતા અને માતાનું નામ ક્રમશ: મનુ મહેતા તથા કુંવરબાઈ હતું. ધાર્મિક વૃત્તિના મનુ મહેતા મારવાડ અને કચ્છમાં વેપાર કરતા હતા. બાળપણમાં પોતાના મનમાં ઊઠતા પ્રશ્નોના ઉકેલ માટે દેવચંદ્રજીએ ભુજમાં સંત હરિદાસનો સત્સંગ કર્યો. 1608માં જામનગર જઈ ભાગવતનું અધ્યયન અને મનન કર્યું. અંતે શ્રીકૃષ્ણે તેમને દર્શન આપી તેમના પ્રશ્નોનો ઉકેલ આપી તેમને તારતમ્ય મંત્ર અને જ્ઞાન આપી લોકોનો ઉદ્ધાર કરવા કહ્યું.

તારતમ્ય જ્ઞાનના આધારે દેવચન્દ્રજીને બ્રહ્મ તેમજ સૃષ્ટિની પ્રક્રિયાનાં રહસ્યો સ્પષ્ટ જણાયાં. તેમને અનુભવ થવા લાગ્યો કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. સર્વ કારણોના કારણ છે. કોઈ કાર્ય કરવા, ન કરવા કે બીજી રીતે કરવા શક્તિશાળી છે. જ્યારે તે સચ્ચિદાનંદનો પૃથક અનુભવ કરવા ઇચ્છે ત્યારે તેમના સત્ય-અંગમાંથી અક્ષરબ્રહ્મ તેમજ આનંદ–અંગમાંથી શ્યામાજી, બ્રહ્માત્માઓ તથા દિવ્ય પરમધામ વ્યક્ત થાય છે જેથી પૂર્ણબ્રહ્મ પોતાના જ અભિન્ન અંગ સાથે સચ્ચિદાનંદમયી લીલા કરતા હોય છે. એના કારણે તેઓ સ્વલીલાદ્વૈત કહેવાય છે. જ્યારે તેઓ પોતાના સત્ય અંગ–અક્ષરબ્રહ્મ તેમજ આનંદ–અંગ શ્યામાજી તથા બ્રહ્માત્માઓને સચ્ચિદાનંદનો અનુભવ કરાવવા ઇચ્છે ત્યારે અક્ષરબ્રહ્મ દ્વારા બ્રહ્માંડોની રચના કરાવે છે અને તે રચનામાં બ્રહ્માત્માઓની સુરતાને મોકલાવે છે.

અક્ષરબ્રહ્મ દ્વારા કલ્પિત બ્રહ્માંડમાં બ્રહ્માત્માઓની સુરતાઓ પ્રવેશ પામીને માયામય શરીર ધારણ કરે છે અને પોતાના અસ્તિત્વને, પૂર્ણબ્રહ્મ પરમાત્માને તેમજ પોતાના મૂળ સ્થાન પરમધામને ભૂલી જાય છે. એ બ્રહ્માત્માઓને જાગ્રત કરવા માટે શ્રીકૃષ્ણજીએ દર્શન આપીને દેવચન્દ્રજીને તારતમ્યજ્ઞાન આપ્યું અને બ્રહ્માત્માઓને જાગ્રત કરવાનું કાર્ય સોંપ્યું.

શ્રીકૃષ્ણજીના દિવ્ય જ્ઞાનથી દેવચન્દ્રજીનાં અંતઃચક્ષુ ખૂલી ગયાં અને તેઓશ્રી આત્માના આનંદ-નિજાનંદનો અનુભવ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ પરમાત્માની આજ્ઞા પ્રમાણે દેવચન્દ્રજી હવે તારતમ્યજ્ઞાન દ્વારા અન્ય આત્માઓને પણ નિજાનંદનો અનુભવ કરાવવા લાગ્યા. ધીમે ધીમે તેઓ નિજાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા અને તેમણે સ્થાપેલો સિદ્ધાંત નિજાનંદ સમ્પ્રદાય તરીકે પ્રસિદ્ધ થયો.

નિજાનંદ સ્વામીના અનુયાયીઓ પરસ્પર પ્રણામનો વ્યવહાર કરે છે. એકબીજાને આત્મભાવે જુએ છે અને પોતાને પૂર્ણબ્રહ્મ પરમાત્માના અંગ તરીકે માને છે. તેમની માન્યતા છે કે એકબીજાને આત્મભાવે જોઈને કરેલા પ્રણામ પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણનાં ચરણોમાં પહોંચે છે.

નિજાનંદ સ્વામીએ સમ્પ્રદાયના પ્રચાર-પ્રસાર માટે જામનગરમાં ઈ. સ. 1630માં ધર્મપીઠની સ્થાપના કરી હતી. તે સમ્પ્રદાયની આદ્ય ધર્મપીઠ શ્રી 5 નવતનપુરી ધામ તરીકે સુપ્રસિદ્ધ છે. નિજાનંદ સ્વામીએ અહીં રહીને ધર્મનો પ્રચાર આરંભ્યો. ઘણા લોકો તેમના શિષ્યો થવા લાગ્યા. જામ જસાજીના દીવાન કેશવરાયના દીકરા મહેરાજ ઠાકુર પણ દેવચન્દ્રજીના શિષ્ય બન્યા. દેવચંદ્રજી તેમને ખાસ પ્રશિક્ષણ આપી ધર્મની બધી જ જવાબદારી સોંપીને ઈ. સ. 1656માં પરમધામવાસી થયા. મહેરાજ ઠાકુર પાછળથી મહામતિ પ્રાણનાથજી (1618–1684) તરીકે પ્રસિદ્ધ થયા.

પ્રાણનાથજીએ પોતાની હયાતીમાં જ ઘણા શિષ્યોને ધર્મપ્રચાર અને પ્રસાર માટે અલગ અલગ સ્થળોએ મોકલ્યા. તેમના મતે વર્ણ-વર્ગભેદ ન હતો. એક બાજુ તેમના શિષ્યો સ્વામી લાલદાસ, સ્વામી મુકુન્દદાસ, મહારાજા છત્રસાલ જેવા સંતો હતા તો બીજી બાજુ કેશરબાઈ જેવાં સાધ્વી પણ હતાં. પ્રાણનાથજીએ સાધ્વી કેશરબાઈને આદ્ય ધર્મપીઠ શ્રી 5 નવતનપુરી ધામની સંભાળ માટે મોકલ્યાં. દ્વિતીય ધર્માચાર્ય તરીકે પ્રાણનાથજી સાધ્વી કેશરબાઈને પ્રતિષ્ઠિત કરે છે. ત્યારથી અદ્યાવધિ શ્રી 5 નવતનપુરી ધામમાં ધર્માચાર્યની અક્ષુણ્ણ પરંપરા ચાલુ રહી છે.

વર્તમાન પરિસ્થિતિ : આજે ભારતના વિવિધ પ્રાંતોમાં તથા ભારતની બહાર ભુતાન, નેપાળ તથા મધ્યપૂર્વના દેશો, ઑસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકા જેવા દેશોમાં પણ શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયીઓ ફેલાયા છે. 600 કરતાં વધારે મંદિરો, આશ્રમો તથા ધર્મપ્રચાર અને સમાજસેવાનાં કેન્દ્રો છે.

સિદ્ધાંતો :

પરબ્રહ્મ : પરબ્રહ્મને સચ્ચિદાનંદસ્વરૂપ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, અનંત સ્વલીલાદ્વૈત માનવામાં આવે છે.

ઉપાસનાપદ્ધતિ : પરાપ્રેમલક્ષણા ભક્તિ વડે જ પરબ્રહ્મ પરમાત્મા સાથેના સાન્નિધ્યનો અનુભવ થઈ શકે છે તેવી દૃઢ ભાવના સાથે અંગનાભાવે પૂજાઉપાસના થાય છે.

વિશ્વરચના : પરબ્રહ્મની અચિન્ત્ય શક્તિ વિશ્વરચનાના મૂળમાં રહેલી છે.

જીવ : અજ્ઞાનના આવરણયુક્ત ચેતના જીવ કહેવાય છે. ચેતનાના ત્રણ પ્રકાર છે :

(1) જીવસૃષ્ટિ – બદ્ધમુક્ત

(2) ઈશ્વરીય સૃષ્ટિ – મુમુક્ષુ

(3) બ્રહ્મસૃષ્ટિ – નિત્યમુક્ત

શ્રીકૃષ્ણલીલા : પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણની આવેશશક્તિએ દુનિયામાં આવીને કરેલી વ્રજ અને રાસની લીલા બ્રાહ્મી લીલા મનાય છે, જે અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી થયેલ.

રાસલીલા : શ્રીકૃષ્ણની રાસલીલાને મુખ્યત: ત્રણ પ્રકારની માનવામાં આવે છે. વાસ્તવી, પ્રાતિભાસિકી તથા વ્યાવહારિકી. વાસ્તવી બ્રાહ્મી લીલા, પ્રાતિભાસિકી ગોલોકીય તથા વ્યાવહારિકી વૈકુંઠલીલા માનવામાં આવે છે.

પુરુષ : ત્રણ પ્રકારના પુરુષની ભાવના છે : ક્ષર, અક્ષર અને અક્ષરાતીત. ક્ષરને નાશવંત, અક્ષરને નિત્ય અવિનાશી તથા અક્ષરાતીતને પરાત્પર નિત્ય અખંડ ઉત્તમ પુરુષ માનવામાં આવે છે.

મહામંત્ર : સામ્પ્રદાયિક મહામંત્ર શ્રી તારતમ્ય મંત્રને સર્વ-પાપનાશક તથા મોક્ષપ્રદ માનવામાં આવે છે, જે શ્રી નિજનામ મંત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે.

ગ્રંથ : મહાપ્રભુશ્રી પ્રાણનાથજી – વર્ણિત સ્વસંવેદ્ય બ્રહ્મવાણીનો મૂળગ્રંથ ‘શ્રીતારતમસાગર’ છે, જેને કુલજમસ્વરૂપ, સ્વરૂપસાહેબ, શ્રીમુખવાણી, સ્વસંવેદ પણ કહેવામાં આવે છે.

પૂજા : ‘માનસીપૂજા’ ઉત્તમ મનાય છે. પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતની પૂજા થાય છે. પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ શ્રીરાજજી તેમજ તેમનાં અભિન્ન અંગ શ્રી શ્યામાજીને યુગલસ્વરૂપ માનીને તેમના પ્રતીક તરીકે મૂળગ્રંથ ‘શ્રીતારતમસાગર’ મૂકવામાં આવે છે. મૂર્તિપૂજાનું મહત્વ માનવામાં આવતું નથી.

સુંદરસાથ : સમ્પ્રદાયની દીક્ષા લેનાર સૌને સંપત્તિ, હોદ્દો, કુળ, વર્ણ, લિંગ, જાતિ, સધવા-વિધવાના ભેદભાવ વગર દરેક અનુયાયીને વર્ણસૂચક નામના બદલે ‘સુંદરસાથ’ તરીકે ઓળખવામાં આવે છે.

સામાન્ય નિયમ : આ સમ્પ્રદાયની દીક્ષા ગ્રહણ કરનારને માંસ, મદિરા, બીડી, તમાકુ, પરસ્ત્રી, પરધન, પરનિંદા, અસત્ય ભાષણ વગેરેનો ત્યાગ કરવો પડે છે. સત્સંગ, સાધુસેવા, સમાજસેવા, પ્રભુ-ભજન-ભક્તિ અને જ્ઞાનના માર્ગને અનુસરવું એ તેમનું પરમ કર્તવ્ય માનવામાં આવે છે.

સાહિત્ય : સમ્પ્રદાયના મૂળ ગ્રંથ ‘શ્રીતારતમસાગર’માં 14 ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત પ્રાણનાથજીના અનન્ય શિષ્ય તથા તેમના સમકાલીન સંત, અનેક ભાષાઓના જ્ઞાતા સ્વામી લાલજીદાસકૃત ‘વીતક’, ‘બડી વૃત્ત’, ‘છોટી વૃત્ત’, મોહમ્મદ સાહેબની વીતક, ‘બડા મસૌદા’ વગેરે ગ્રંથો, વ્રજભૂષણજીકૃત ‘વૃત્તાન્ત મુક્તાવલી’, સ્નેહસખીનું ‘લીલારસસાગર’, બક્ષી હંસરાજકૃત ‘મહેરાજચરિત’, લલ્લુ ભટ્ટકૃત ‘વર્તમાન દીપક’, કરુણાસખીકૃત ‘તારતમસાગર વીતક’, પં. કૃષ્ણદત્ત શાસ્ત્રીકૃત ‘નિજાનંદચરિતામૃત’, ‘વિરાટ પટદર્શનમ્’ તથા ‘સમ્પ્રદાયસિદ્ધાંત’, શ્રી કૃષ્ણમણિશર્માસૂરિકૃત ‘આનંદસાગર’ વગેરે ઘણા ગ્રંથો છે જે સમ્પ્રદાયનો ઇતિહાસ, સિદ્ધાંત તથા મહાપુરુષોનાં ચરિત્રો અને ઉપદેશોની માહિતી આપે છે.

તીર્થધામ : ભારત તથા ભારતની બહાર લગભગ 80 લાખ અનુયાયીઓ તથા 600 જેટલાં મંદિરો ધરાવતા આ સમ્પ્રદાયનાં (1) જામનગરમાં નવતનપુરી, (2) સૂરતમાં મંગલપુરી, અને (3) મધ્યપ્રદેશના પન્નામાં પદ્માવતીપુરી  એ ત્રણ પ્રસિદ્ધ તીર્થધામો છે.

મહેશચંદ્ર પંડ્યા