નિજલિંગપ્પા, સિદ્ધવનહાલી

January, 1998

નિજલિંગપ્પા, સિદ્ધવનહાલી (. 10 ડિસેમ્બર 1902, હાલુવાગાલુ, જિ. બેલારી, કર્ણાટક . 8 ઑગસ્ટ 2000, ચિત્રદુર્ગ) : રાષ્ટ્રીય કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ. મધ્યમવર્ગીય લિંગાયત કુટુંબમાં જન્મ. પિતા આદિવેપ્પા નાના વેપારી તથા માતા નિલામ્મા શિવનાં અનન્ય ભક્ત હતાં. પાંચ વર્ષની નાની વયે પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ ઍંગ્લો વર્નાક્યુલર શાળા દેવનગિરિ તથા માધ્યમિક શિક્ષણ ચિત્રદુર્ગ ખાતે લીધું. સેન્ટ્રલ કૉલેજ, બૅંગાલુરુમાંથી સ્નાતક થયા (1924) તથા લૉ કૉલેજ પુણેમાંથી કાયદાની ડિગ્રી મેળવી (1926). તેમના શિક્ષક તથા તેમની માતાએ તેમની જીવનદૃષ્ટિ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. દેવનગિરિ તથા ચિત્રદુર્ગમાં વકીલાત શરૂ કરી. બસવેશ્વરનાં જીવન અને વચનોએ તથા શંકરાચાર્યના દર્શને તેમના મન પર ઊંડી અસર કરી હતી. મહાત્મા ગાંધીના ઉપદેશોએ પણ તેમના મનને પ્રભાવિત કર્યું હતું.

પત્ની મુરીગેમ્મા પતિના કાર્યમાં સહાયરૂપ થતી, જેને લીધે નિજલિંગપ્પા આઝાદીની લડતમાં વિશેષ રૂપે સક્રિય બની શક્યા.

સિદ્ધવનહાલી નિજલિંગપ્પા

તેમની રાજકીય કારકિર્દી 1936માં શરૂ થઈ. ભારતની આઝાદીની લડતના વિકાસમાં રસ ધરાવતા નિજલિંગપ્પા મહાત્મા ગાંધી, ડૉ. રાજેન્દ્રપ્રસાદ તથા અન્ય નેતાઓનાં લખાણોને ધ્યાનથી વાંચતા તથા કૉંગ્રેસનાં અધિવેશનોમાં ભાગ લેતા. 1936માં તેઓ કર્ણાટકના આગેવાન એન. એસ. હાર્ડીકરના સંપર્કમાં આવ્યા. એને પરિણામે ચિત્રદુર્ગ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે પસંદગી પામ્યા. ત્યારથી તેમણે અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધો તથા અનેક વાર કારાવાસ ભોગવ્યો. સમગ્ર કર્ણાટકમાં પ્રવાસ કરીને લોકોમાં રાજકીય જાગૃતિ આણવાનો તેમણે પ્રયાસ કર્યો અને તે માટે તેમણે પોતાની વક્તૃત્વશક્તિનો ભરપેટ ઉપયોગ કર્યો. તેમનાં ભાષણોમાં રાજકીય બાબતો ઉપરાંત સામાજિક અને આર્થિક સુધારણાની વાતો પણ આવરી લેવામાં આવતી. ગ્રામીણ અર્થતંત્રના પુનરુદ્ધાર તથા વિકેન્દ્રિત ઉત્પાદન પર તેઓ ખાસ ભાર મૂકતા. પ્રાચીન ગ્રામીણ ઉદ્યોગોના વિનાશ માટે, બ્રિટિશ સરકારની નિંદા કરતા. બ્રિટિશરોએ ગ્રામીણ ભારતનું આર્થિક શોષણ કર્યું છે એમ તેઓ માનતા. સામાજિક સુધારણા અંગેના તેમના ખ્યાલોમાં પરંપરિત અને આધુનિક દૃષ્ટિકોણોનું મિશ્રણ થયેલું જોવા મળે છે. તેમણે વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું તથા સ્ત્રીને પુરુષસમોવડી ગણીને સ્ત્રીના સમાન દરજ્જાને સ્વીકાર્યો. સામાજિક અનિષ્ટોના નિવારણ માટે તમામ ધર્મોનો સમન્વય એ જ સાચો ઉપાય છે તેમ તેઓ માનતા હતા.

આઝાદીની લડત દરમિયાન અને ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. સ્વયંસેવક, જિલ્લા પ્રદેશ સમિતિના પ્રમુખ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ, આમ વિવિધ સ્તરે તેમણે કામગીરી અદા કરી હતી.

ભારતની આઝાદીની લડતને સમાંતરે કર્ણાટકને એક કરવાના આંદોલનમાં તેમનું યોગદાન વિશિષ્ટ રહ્યું હતું. નવેમ્બર, 1956માં મૈસૂર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે તેમની વરણી થઈ હતી. 1956–58 તથા 1962–68 દરમિયાન મુખ્યમંત્રી તરીકે તેમણે કર્ણાટક રાજ્યની જે સેવા કરી તેને લીધે આધુનિક કર્ણાટકના તેઓ શિલ્પી ગણાયા છે. તદુપરાંત ભારતની બંધારણ પરિષદ (1946–50) તથા મૈસૂર બંધારણ પરિષદ (1948–50)ના સભ્ય તથા સંસદસભ્ય  (1952–56) તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. 1967માં અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખપદનો તાજ તેમના શિરે મૂકવામાં આવ્યો. તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું અને કૉંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. તેઓ ઇન્દિરાવિરોધી કૉંગ્રેસ સંગઠનના પ્રમુખ તરીકે રહ્યા (1968–71). કટોકટીના કપરા ઓથાર (1975–79) પછી તેઓ સક્રિય રાજકારણમાંથી અલિપ્ત રહ્યા હતા. સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ, લાલબહાદુર શાસ્ત્રી નૅશનલ મેમોરિયલ ટ્રસ્ટ, સુચેતા કૃપાલાની મેમોરિયલ ટ્રસ્ટ જેવી બિનરાજકીય કામગીરી સાથે તેઓ સંકળાયેલા રહેલા.

નવનીત દવે