નિઝામાબાદ : તેલંગણાના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લા-મથક અને શહેર. જિલ્લો : તેનું ભૌગોલિક સ્થાન આશરે 18° 07´થી 19° 07´ ઉ. અ. અને 77° 30´ થી 78° 48´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેલંગણા વિભાગમાં આવેલા આ જિલ્લાની ઉત્તરે રાજ્યનો આદિલાબાદ જિલ્લો, પૂર્વે રાજ્યનો કરીમનગર જિલ્લો, દક્ષિણે રાજ્યનો મેડક જિલ્લો અને પશ્ચિમે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલાં છે. તેનું ક્ષેત્રફળ 7,956 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તર સરહદે ગોદાવરી નદી વહે છે, દક્ષિણ સરહદ પર નિઝામસાગર સરોવર આવેલું છે. અહીંથી વધુ દક્ષિણ તરફ માંજરા નદી પસાર થાય છે. માંજરા નદી પરના બંધમાંથી આ જિલ્લાને સિંચાઈની સગવડ પૂરી પાડવામાં આવે છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશ પર આવેલા આ જિલ્લાની જમીન લાલ રંગની છે. અહીંનો મુખ્ય પાક શેરડી છે, જેનું વાવેતર નહેરના પાણીથી કરવામાં આવે છે. આ ઉપરાંત ધાન્ય પાકોમાં જુવાર અને બાજરી તથા રોકડિયા પાકોમાં તલ, મગફળી, કપાસ અને તમાકુ થાય છે. જિલ્લામાં તેલ પીલવાની ઘાણીઓ, બીડી વાળવાના, આલ્કોહૉલ બનાવવાના અને રેશમી કાપડના એકમો આવેલા છે. અહીં ઉત્તમ પ્રકારનું લાકડું પણ પેદા થાય છે.

શહેર : નિઝામાબાદ શહેર જિલ્લાનું વડું મથક છે. ભૌગોલિક સ્થાન : 18° 40´ ઉ. અ. થી 78° 07´ પૂ. રે. પર હૈદરાબાદ-ગોદાવરી વૅલી સેન્ટ્રલ રેલવેમાર્ગ પર તે આવેલું છે. જિલ્લાના માર્ગો પરનું મુખ્ય મથક હોઈ તે અન્ય નગરો સાથે જોડાયેલું છે, તેથી આજુબાજુના વિસ્તાર માટેનું મુખ્ય બજાર બની રહેલું છે. અહીં ધાન્ય અને કપાસને લગતા નાના પાયા પરના ઔદ્યોગિક એકમો વિકસ્યા છે.

આંધ્રપ્રદેશમાં નિઝામાબાદનું ભૌગોલિક સ્થાન

નિઝામાબાદ નામનું એક ગામ ઉત્તરપ્રદેશમાં આઝમગઢ જિલ્લામાં આઝમગઢ નગરની પશ્ચિમે આશરે 13 કિમી. અંતરે આવેલું છે. ત્યાં ઘઉં, શેરડી તેમજ અન્ય પાક થાય છે. 2011 મુજબ જિલ્લાની વસ્તી 25,52,073 જેટલી હતી.

ગિરીશ ભટ્ટ