નાહટા, ભંવરલાલ

January, 1998

નાહટા, ભંવરલાલ (. 19 સપ્ટેમ્બર 1911, બીકાનેર; . 11 ફેબ્રુઆરી 2002, કૉલકાતા) : જૈન વાઙ્મય, ઇતિહાસ, ધર્મ અને દર્શનના વિદ્વાન. બીકાનેરના જાણીતા શ્રેષ્ઠી પરિવારમાં જન્મ. પિતા ભૈરુદાનજી અને માતા તીજાદેવી. કાકા અગરચંદજી નાહટા પ્રસિદ્ધ વિદ્વાન. ચૌદ વર્ષની વયે જતનકંવર સાથે લગ્ન. પારસકુમાર અને પદમસિંહ નામે બે પુત્રો અને શ્રીકાંતા અને ચંદ્રકાંતા નામે બે પુત્રીઓ. શાળાનો અભ્યાસ કેવળ પાંચ ધોરણનો; પણ સ્વપુરુષાર્થથી જૈન સાહિત્ય અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો, ગ્રંથો લખ્યા અને યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકેનું માનવંતું સ્થાન પ્રાપ્ત કર્યું.

સાહિત્યસંશોધનમાં તેમને કાકા અગરચંદજીએ રસ લગાડ્યો. તેમના કેટલાય લેખોની સામગ્રી ભંવરલાલે પૂરી પાડી હતી. આચાર્ય સુખસાગરજી મહારાજ અને આચાર્ય જિનકૃપાચંદજી મહારાજના સંપર્કમાં આવ્યા પછી તેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી જૈન સાહિત્યના લેખન-સંશોધનની લગની લાગી. સુખી પરિવારના હોઈ અર્થોપાર્જનની ચિંતા નહોતી. કૉલકાતામાં કાપડનો ધંધો બરાબર જમાવ્યો હતો અને વેપારી કુનેહથી તેને ખીલવ્યો હતો. સંતાનોએ એ જવાબદારી સ્વીકારી લીધા પછી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં જ બધો સમય ગાળતા.

ભંવરલાલ સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, હિંદી અને બંગાળી – એ નવ ભાષાઓ સારી રીતે લખી-વાંચી શકતા અને આમાંની કોઈ પણ ભાષામાં પદ્યબદ્ધ રચના કરી શકતા. તેઓ બ્રાહ્મી લિપિ સહિતની પ્રાચીન અને મધ્યકાલીન લિપિઓ વાંચતા; શિલાલેખો, સિક્કાઓ અને હસ્તપ્રતો ઉકેલતા. પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ, શિલ્પકૃતિઓ, ચિત્રો અને સચિત્ર હસ્તપ્રતોને જોતાંની સાથે જ તેનાં અભિધાન, શૈલી, રચનાકાળ, તાત્પર્ય અને મહત્વ સમજાવી શકતા. તેના અનુસંધાને તુલનાત્મક અધ્યયન પણ કરતા.

તેમણે કરેલ ‘ભક્તામરસ્તોત્ર’નો હિંદી પદ્યાનુવાદ; ‘કલ્યાણમંદિરસ્તોત્ર’, ‘રત્નાકર પચ્ચીસી’ વગેરે હિંદી પદ્યરૂપાંતરો ઉલ્લેખનીય છે. અગરચંદજીની હયાતીમાં તેમની સાથે અને અગરચંદજીના અવસાન બાદ સ્વતંત્રપણે તેમણે અનેક જૈન ગ્રંથો, ખાસ કરીને જિનદત્તસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનકુશલસૂરિ, સમયસુંદર વગેરેની કૃતિઓનાં સંશોધન-સંપાદન કર્યાં છે. તેમણે તીર્થસ્થળો વિશે માહિતીપૂર્ણ ગ્રંથો રચ્યા છે. તેમાં કાંગડા, કાંપિલ્યપુર, ચંપાપુરી, જાલોર, રાજગૃહ, વારાણસી, ક્ષત્રિયકુંડ, શ્રાવસ્તી વગેરે મુખ્ય છે. ઠક્કર ફેરુકૃત ‘દ્રવ્ય-પરીક્ષા’, ‘બીકાનેર જૈન લેખસંગ્રહ’ અને ‘વિવિધતીર્થકલ્પ’ જેવા ગ્રંથોનાં સંપાદનમાં તેમની ઐતિહાસિક દૃષ્ટિ જોઈ શકાય છે.

નાહટાજી પત્રકાર પણ હતા અને ‘કુશલનિર્દેશ’ નામે હિંદી માસિક પત્રિકા ચલાવતા હતા. તેમાં તેમના ઘણા સંશોધન-લેખો પ્રગટ થયા છે.

નાહટાજી પર શ્રીમદ્ રાજચંદ્રનો ભારે પ્રભાવ હતો. તેમણે શ્રીમદના ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’નો બંગાળી ભાષામાં પદ્યાનુવાદ પણ કર્યો હતો. ભંવરલાલ શીઘ્રકવિ પણ હતા અને પ્રસંગ કે પરિસ્થિતિને અનુરૂપ તુરત કાવ્યપંક્તિઓ રચતા. ‘ક્ષણિકાએં’માં તેમનાં નર્મ-મર્મયુક્ત કથનો સંચિત થયાં છે.

આવા બહુશ્રુત પંડિતનું વિવિધ સંસ્થાઓ દ્વારા ‘સાહિત્યવાચસ્પતિ’, ‘જિનશાસનગૌરવ’ અને ‘જૈન સમાજરત્ન’ જેવી પદવીઓથી અભિવાદન કરવામાં આવ્યું હતું.

પ્રવીણચંદ્ર પરીખ