નાહન : હિમાચલ પ્રદેશના સિરમૂર જિલ્લાનું મુખ્ય વહીવટી મથક અને જિલ્લાનું મોટામાં મોટું નગર. ભૌગોલિક સ્થાન : 30° 33’ ઉ. અ. અને 77° 18´ પૂ. રે.. સિમલાની દક્ષિણે શિવાલિક ટેકરીઓની તળેટીમાં વસેલું આ નગર તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે.

તે કૃષિપેદાશો તથા ઇમારતી લાકડાંના વ્યાપારનું મહત્વનું મથક છે. આ નગરમાં હાથવણાટ, કાષ્ઠશિલ્પ તથા લોખંડ-પોલાદની ચીજવસ્તુઓ બનાવતા પરંપરાગત રીતે ચાલતા એકમો વિકસ્યા છે. આ ઉપરાંત અહીં ફાઉન્ડરી, ગુંદર અને ટર્પેન્ટાઇનનું ઉત્પાદન કરતા જાહેર ક્ષેત્રના એકમો પણ આવેલા છે.

બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે પંજાબના પર્વતીય દેશી રાજ્ય સિરમૂરની રાજધાનીનું મથક હતું. 1947 પછી તે વિસ્તારનાં દેશી રાજ્યોના સંઘમાં સિરમૂરનું વિલીનીકરણ થતાં તેનો અલગ જિલ્લો બનાવવામાં આવ્યો ત્યારથી નાહન આ જિલ્લાનું વહીવટી મથક બનેલું છે. 2011 મુજબ તેની વસ્તી અંદાજે 56,000 જેટલી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે