નાહટા, અગરચંદ

January, 1998

નાહટા, અગરચંદ (. 19 માર્ચ 1911, બિકાનેર; . 20 જાન્યુઆરી 1983, બિકાનેર) : જૈન ધર્મના બહુશ્રુત વિદ્વાન. ‘स्वाध्यायात् न प्रमदितव्यम् ।’ તેમના જીવનનું સૂત્ર હતું. તેમનો જન્મ શ્રીમંત નાહટા પરિવારમાં થયો હતો. એમણે શાળામાં માત્ર પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને વ્યાપારી કુટુંબ હોવાને કારણે કિશોરાવસ્થાથી જ વેપારમાં જોડાઈ જવું પડ્યું હતું. તેમની દુકાનો કૉલકાતા અને ગુવાહાટીમાં હતી. બળતણ બિલકુલ તૈયાર હોય તો તેને પ્રકાશિત કરવા માટે માત્ર એક ચિનગારી જ પૂરતી હોય છે. એ રીતે આ સાહિત્યપ્રેમી અભ્યાસીને 17 વર્ષની ઉંમરે બિકાનેરમાં આચાર્ય ભગવંત કૃપાચંદ્રસૂરિ અને પછી પૂ. ભદ્રમુનિ પાસે બોધ પામવાની તક મળી અને તેમનો આખો જીવનરાહ બદલાઈ ગયો. તેમને તો દીક્ષા લેવાની ભાવના થઈ હતી, પરંતુ કુટુંબના આગ્રહને વશ થઈ ગૃહસ્થી તરીકેનું જીવન જીવ્યા. જોકે ગૃહસ્થીમાં પણ જૈન સાહિત્ય અને તત્વજ્ઞાન, શિલ્પ અને સ્થાપત્ય, ચિત્રકલા અને ઇતિહાસના આ પ્રખર અભ્યાસીએ સંકલ્પ કર્યો કે વર્ષમાં લગભગ આઠ મહિના જેટલો સમય સ્વાધ્યાય, આરાધના વગેરેમાં આપવો અને બાકીનો સમય વેપારમાં આપવો. પછી તો એક-બે મહિના જ વેપાર માટે આપતા અને છેવટે તો તેમણે બિલકુલ નિવૃત્તિ લઈ લીધી હતી.

તેમની દિનચર્યા પ્રાત:કાળે ત્રણ વાગ્યાથી શરૂ થઈ જતી. મોટાભાગનો સમય સામાયિક-પૂજા, સ્વાધ્યાય, વાચન-મનન, લેખનમાં પૂરો થતો. એમને ત્યાં મહિને સવાસોથી વધુ સામયિકો-પત્રિકાઓ ઇત્યાદિ આવતાં અને દરરોજ સાંજે જમ્યા પછી એક લેખ લખતા. આમ વર્ષમાં સહેજે નાનામોટા સો-દોઢસો લેખો લખતા. 150 સામયિકોમાં એમના સાત હજારથી વધુ લેખો પ્રગટ થયા તથા અનેક ગ્રંથોના સંપાદન, અનુવાદ અને પ્રકાશનનું કામ કર્યું. ઔપચારિક શિક્ષણ થોડું લીધેલું હોવા છતાં પોતાની આપસૂઝથી તેમણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિંદી, જૂની ગુજરાતી, અર્વાચીન ગુજરાતીના અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. વળી અંગ્રેજી ગ્રંથોનું પણ થોડું વાચન રાખતા. પ્રાચીન જૈન સાહિત્ય તથા હસ્તપ્રતોની એટલી બધી જાણકારી રાખતા કે કોઈ કૃતિ વિશે, કર્તા વિશે કે કોઈ કૃતિની રચનાસાલ વિશે પૂછવામાં આવે તો તે બધી વિગતો તેમને મોઢે હોય, સ્તવન-સજ્ઝાયની હજારો પંક્તિઓ એમને કંઠસ્થ અને અવાજ પણ બુલંદ ! સ્વ. પૂ. પુણ્યવિજયજી મહારાજ એમની પાસે શ્રીમદ્ રાજચંદ્રકૃત ‘અપૂર્વ અવસર’ વારંવાર ગવડાવતા. પીએચ.ડી.ના પરીક્ષક તરીકે પણ તેમણે કામ કર્યું હતું અને વિદ્વત્તાપૂર્વક વ્યાખ્યાનો પણ આપ્યાં હતાં. મધ્યકાલીન રાસાસાહિત્ય અને ફાગુસાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રે તેમણે ઘણું મહત્વનું કાર્ય કર્યું છે. ‘પ્રાચીન ગૂર્જર રાસ-સંચય’, ‘સીતારામ ચોપાઈ’, ‘ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ’ તથા ‘મારુગૂર્જર કવિઓ અને તેમની રચનાઓ’ જેવા ગ્રંથો સંપાદિત કર્યા છે. આમ પ્રાચીન જૈન સાહિત્યના તેઓ હરતા-ફરતા ઍન્સાઇક્લોપીડિયા હતા.

અગરચંદજીએ પોતાના નાના ભાઈ અભયરાજની સ્મૃતિમાં ‘અભય જૈન ગ્રંથમાળા’ નામની સંસ્થા શરૂ કરી હતી. તેમાં પૈસાના રોકાણ ઉપરાંત હસ્તપ્રતો, ગ્રંથો, સામયિકો, પ્રાચીન ચિત્રો, સિક્કાઓ, પટ્ટાવલિઓ, કલાકૃતિઓ વગેરે પણ પોતે જ વસાવ્યાં. વર્ષોવર્ષ તેમાં ઉમેરો થતો જ રહ્યો. આમ કોઈ મોટી સંસ્થા કરી શકે એવું કામ નાહટાજીએ એકલે હાથે કર્યું હતું.

વિવિધ સંસ્થાઓએ તેમને ‘સિદ્ધાંતાચાર્ય’, ‘વિદ્યાવારિધિ’, ‘સાહિત્યવાચસ્પતિ’, ‘જૈન ઇતિહાસ-રત્ન’, ‘રાજસ્થાની સાહિત્યવાચસ્પતિ’, ‘સંઘરત્ન’, ‘પુરાતત્વવેત્તા’ ઇત્યાદિ બિરુદોથી સન્માનિત કર્યા હતા. 21 એપ્રિલ, 1978માં 176 જેટલા વિદ્વાનોના લેખો ધરાવતા એમના અભિનંદન-ગ્રંથનું તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીએ વિમોચન કર્યું હતું. 2015માં ભારતીય ટપાલ-વિભાગ દ્વારા એમની ટપાલ-ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

આ બહુશ્રુત વિદ્વાન કેસરી સાફો, સફેદ ડગલો અને ધોતિયું પહેરતા. જેમ તેમનો પહેરવેશ સાદો હતો, જીવનજરૂરિયાતો ઓછી હતી તેમ તેમનો સ્વભાવ સરળ અને પ્રસન્નતાવાળો હતો. 72 વર્ષની વયે તેમણે આ ધરતી પરથી વિદાય લીધી.

રૂપા શેઠ