નાનકદેવ, ગુરુ (જ. 15 એપ્રિલ 1469, તલવંડી, પાકિસ્તાન; અ. 22 સપ્ટેમ્બર 1539, કરતારપુર) : શીખ ધર્મના સ્થાપક. પિતા કાલૂચંદ બેદી અને માતા તૃપતાજી. ઈ. સ. 1475માં ગોપાલ પંડિત પાસે હિન્દી, 1478માં બ્રિજલાલ પંડિત પાસે સંસ્કૃત તથા 1482માં મૌલવી કુતબુદ્દીન પાસે ફારસી ભણવા માટે તેમને મોકલ્યા. પરંતુ નાનકનું મન અક્ષરજ્ઞાનમાં લાગ્યું નહિ અને ત્રણેય શિક્ષકોને તેમણે કહ્યું કે વિદ્યાનું તત્વ સમજ્યા વિના ફક્ત અક્ષરજ્ઞાન લેવાથી માણસ અભણ અને અનાડી જ રહે છે.

ગુરુ નાનકદેવ
1482માં કાલુજીએ પોતાના કુળની પ્રથા પ્રમાણે પુરોહિત પંડિત હરિદયાલ પાસે એમને જનોઈ પહેરાવવાનો પ્રબંધ કર્યો. પુરોહિત મંત્રના ઉપદેશ સાથે એમને જનોઈ પહેરાવવા લાગ્યા ત્યારે એમણે જનોઈને જાતિબંધન સમજીને પહેરવાની ના પાડી અને એક સ્તોત્ર બોલ્યા જે ગુરુ ગ્રંથમાં અંકિત છે અને જેનો અર્થ છે : ‘‘પુરોહિતજી, જો તમારી પાસે એવી જનોઈ હોય તો મને પહેરાવો, જે દયારૂપી કપાસ, સંતોષરૂપી સૂત્ર લઈ સત્યનો વળ ચડાવીને બનાવેલી હોય. આવી જનોઈ તૂટતી નથી, એ બળતી નથી, એને મેલ લાગતો નથી, એનો નાશ થતો નથી. જે માણસ આવી જનોઈ પહેરે છે તેને ધન્ય છે.’’
એમનું મન સદા ઈશ્વરના ચિંતનમાં લીન રહેતું અને બીજા વિચારો તરફ તેઓ ધ્યાન ન આપતા, પણ કાલુજીની એવી ઇચ્છા હતી કે એ ઘરના ધંધામાં ધ્યાન આપે. એક વખત પિતાએ થોડાક રૂપિયા આપી એમને વ્યાપાર કરવા માટે મોકલ્યા. રસ્તામાં તેમને ભૂખ્યા સાધુ-સંતો મળ્યા. એમણે બધા રૂપિયા આ સાધુઓના ભોજન માટે વાપરી કાઢ્યા. આ માટે એક ગુરુદ્વારા છે જેનું નામ ‘સચ્ચા સૌદા’ છે. પાછા આવ્યા ત્યારે પિતાને કહ્યું, ‘‘ પિતાજી, હું સાચો સોદો કરીને આવ્યો છું.’’ અને બધી વાત પિતાને કહી. પિતા ખૂબ જ ગુસ્સે થયા. તલવંડીના સરદાર રાયબુલ્હાર સમજતા હતા કે નાનક સંપૂર્ણ જ્ઞાની છે. કાલુજી નાનક ઉપર ગુસ્સામાં હતા. તેમણે નાનકને સુલતાનપુર, જ્યાં નાનકની મોટી બહેન, બીબી નાનકી, પરણીને ગઈ હતી ત્યાં મોકલ્યા કે જેથી નાનકની શાંતિમાં વિઘ્ન ના પડે. સુલતાનપુર જઈને ત્યાંના નવાબ દૌલતખાન લોધીની નોકરી કરતા બનેવી જયરામના કહેવાથી નાનકને દુકાનમાં નોકરી મળી. બટાળા ગામના મૂલચંદની પુત્રી, સુલખ્ખનીજી સાથે એમનાં લગ્ન કરાયાં, જેનાથી તેમને બે પુત્રો શ્રીચંદ અને લખમીદાસ જન્મ્યા.
નાનકને એમ લાગ્યું કે લોકોમાં ઈર્ષા, વેર, અશાંતિ ખૂબ જ છે અને આ બધી મુશ્કેલીઓને સમજવા અને દૂર કરવા એમણે લોકો પાસે જવું જોઈએ. તેથી નોકરી તજીને દેશના પ્રવાસનો આરંભ કર્યો અને દેશ-પરદેશનાં જુદાં જુદાં સ્થળોની ચાર યાત્રાઓ કરી (જેને ચાર ઉદાસીઓ તરીકે વર્ણવવામાં આવે છે), અને કુલ એંશી હજાર કિમી.થી વધુ પગે ચાલીને ફર્યા. પહેલી યાત્રામાં એમનાબાદ ગયા અને ત્યાં શ્રીમંતની મહેમાનગતિની ના પાડી. લાલા સુથારને ત્યાં રહ્યા અને તે ગરીબની સાથે જમ્યા. ત્યાંથી હરિદ્વાર ગયા, જ્યાં લોકો, પોતાના પૂર્વજોને જલ અર્પણ કરતા જોઈ તેમની આ અવિદ્યા દૂર કરી. પછી દિલ્હી, કાશી વગેરે સ્થળે થઈને ગયા પહોંચ્યા, જ્યાં પિંડદાન કરતા લોકોને સમજાવ્યું કે આ કાર્યો અર્થહીન છે. ત્યાંથી જગન્નાથપુરી ગયા. જાણીજોઈને સાંજે ભગવાનની આરતીમાં સામેલ ન થયા. પૂજારીએ ઠપકો આપ્યો કે ‘તું કઈ જાતનો સંત છે, જે ભગવાનની આરતી વખતે ગેરહાજર રહ્યો.’ ત્યારે એમણે ઈશ્વરની સાચી આરતી ઉચ્ચારી, જે ગુરુ ગ્રંથમાં અંકિત છે અને જેના આરંભિક શબ્દો નીચે પ્રમાણે છે :
‘ગગનમેં થાલ રવ ચંદ દીપક બને,
તારકામંડળ જણકમોતી,
ધૂપ મલ્યાન લો પવન ચવરો કરે,
સગલ બનરાયે ફૂલંત જ્યોતિ,
કૈસી આરતી હોયે ભવખેડણા,
તેરી આરતી.’
અર્થાત્, ગગનરૂપી થાળમાં સૂર્ય અને ચંદ્ર દીપક બને છે, તારાઓનાં મંડળો જણકમોતી છે. ચંદનનાં વૃક્ષોને સ્પર્શીને આવતો પવન ચવરો કરે છે અને દુનિયાની આખી વનરાજિ ફૂલંત જ્યોતિનું કાર્ય કરે છે. હે પ્રભુ, આ કેવી તમારી આરતી હરહંમેશ થયા જ કરે છે !
તેમણે બીજી યાત્રા ઈ. સ. 1511માં દક્ષિણ ભારતની કરી. તેમણે અર્બુદગિરિ, સેતુબંધ રામેશ્વર, સિંહલદ્વીપ વગેરે સ્થળોનો પ્રવાસ કર્યો અને ઈશ્વરભક્તિનો પ્રચાર કર્યો.
ત્રીજી યાત્રાનો આરંભ ઈ. સ. 1515માં કરીને સરમોર, ગઢવાલ, હેમકૂટ, ગોરખપુર, સિક્કિમ, ભુતાન, તિબેટ વગેરે સ્થળે ગયા.
ઈ. સ. 1519 માં ચોથી યાત્રા પશ્ચિમની આરંભી. બલૂચિસ્તાન થઈ મક્કા ગયા. ત્યાં એવો ઉપદેશ આપ્યો કે ઈશ્વર સર્વવ્યાપી છે. ત્યાંથી રોમ, બગદાદ (ઇરાક) તથા ઈરાન ગયા. બગદાદમાં એક ફકીરશાહ બહિલોલ સાથે કેટલાક દિવસો રહ્યા. શાહ બહિલોલ તેમના શિષ્ય બન્યા. આ સ્થળને આજે પણ ઇરાકની સરકાર પવિત્ર માને છે અને ત્યાં ‘નાનકશાહ ફકીર’ના નામની તક્તી છે. ઈ. સ. 1523માં કતારપુર આવીને જ્ઞાન અને ભક્તિનાં સદાવ્રત શરૂ કરવાના હેતુથી વસ્યા. ત્યાં ખેતીવાડીનું કામ કરી સાચી કમાણી, લંગરની પ્રથા શરૂ કરી. વહેંચીને ખાવાનો પ્રચાર કર્યો. પોતાના શિષ્ય ભાઈ લહેણાજીને ગુરુ અંગદદેવ નામ આપી ગુરુની ગાદી સોંપી. ગુરુ નાનકે 70 વર્ષનું આયુષ્ય ભોગવીને દેહ છોડ્યો. તેમણે ઉત્તમ વાણીની રચના કરી. તેમના 947 શ્લોક ગુરુ ગ્રંથમાં અંકિત છે. એમની રચનાઓમાં ‘જપજી’ એમણે સંગ્રહેલા આદિગ્રંથમાંની એમની વાણીને અપાયેલું નામ છે. એ શીખોનો ધર્મગ્રંથ માનવામાં આવે છે. આદિ ગુરુને પરબ્રહ્મે આપેલો ઉપદેશ એમાં સંગ્રહાયેલો છે. નિહાલસિંહે ‘જપજી’ની સંસ્કૃતમાં ટીકા લખી છે, તથા ટર્નર મેકોલિફે એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. એમના અન્ય ગ્રંથોમાં ‘સિદ્ધ ગોષ્ઠિ’, ‘તીનવારે’, ‘ચાર માહ’, ‘સોહબે’, ‘પંહરે’, ‘બનજારે’ વગેરેનો સમાવેશ થાય છે. ‘ગુરુ નાનકવાણી’ નામે એમની સંપૂર્ણ રચનાઓ એક ગ્રંથમાં સંકલિત કરવામાં આવી છે. તેમાં વેદો, ષડ્દર્શન, પુરાણો વગેરેનો આધાર લેવામાં આવ્યો છે. એમણે નિરહંકાર પર ભાર મૂક્યો છે. એમનાં કાવ્યોની ભાષા પર વ્રજભાષાની પ્રબળ અસર છે.
દર્શનસિંઘ બસન
ચન્દ્રકાન્ત મહેતા