નાદિયા, કૉમેનેસી (જ. 12 નવેમ્બર 1961, ઑનેસ્ટી, રુમાનિયા) : વિશ્વખ્યાત ખેલકૂદ મહિલા ખેલાડી (gymnast). 1976ની મૉન્ટ્રિયલ ઑલિમ્પિકમાં ખેલકૂદ(gymnastics)માં સંપૂર્ણપણે ‘દસ પૉઇન્ટ’ મેળવનારી વિશ્વની પ્રથમ જિમ્નૅસ્ટ બની હતી. બૅલન્સ બીમ અને એસિમેટ્રિકલ બાર્સમાં અનોખી છટા અને કૌશલ દાખવ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે આકર્ષક ખેલાડી તરીકે નામના મેળવ્યા બાદ યુરોપની જુદી જુદી સ્પર્ધાઓમાં પ્રશંસનીય દેખાવ કરી વિશ્વના રમતપ્રેમીઓની ચાહના મેળવી હતી.

નાદિયા કૉમેનેસી

1980ની મૉસ્કો, ઑલિમ્પિક સ્પર્ધામાં તેણે અનોખી કલા દર્શાવી હતી. તેમ છતાં 9.85નો આંક આપવામાં આવ્યો હતો, જેને લીધે બાર્સની રમતમાં સુવર્ણચંદ્રક મેળવવામાં નાદિયા નિષ્ફળ નીવડી હતી, તેમ છતાં ફ્લોર વ્યાયામ અને બૅલન્સ બીમમાં તેણે સુવણચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા. તેણે સાત વખત સંપૂર્ણપણે દસનો આંક હાંસલ કર્યો હતો.

1979ની સાલમાં ટૅક્સાસ ખાતે યોજાયેલી વિશ્વસ્પર્ધામાં તેના એક હાથના કાંડામાં તકલીફ ઊભી થઈ હતી. તેમ છતાં માત્ર એક હાથે જ બૅલન્સ બીમમાં 9.95નો આંક પ્રાપ્ત કરી માનસિક તાકાતનું દર્શન કરાવી પોતાની ટીમને સુવર્ણચંદ્રક મેળવવામાં અનોખો ફાળો આપ્યો હતો. વિવિધ ઑલિમ્પિક્સની સ્પર્ધાઓમાં નાદિયાએ પાંચ સુવર્ણ, ત્રણ રૌપ્ય અને એક કાંસ્યચંદ્રક મેળવ્યા હતા. અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેણે 21 જેટલા સુવર્ણચંદ્રકો મેળવ્યા હતા, જેને લીધે તેનાં  પ્રશિક્ષક (કોચ) કારોલીનાને લોકપ્રિયતા હાંસલ થઈ હતી. લૉસ ઍંજેલિસ ઑલિમ્પિક સ્પર્ધા માટે નાદિયાએ મહેનત શરૂ કરી હતી, પરંતુ તેનું શરીર પહેલાંની જેમ જોઈએ તેવો પ્રતિભાવ આપતું નહોતું એટલે તેણે નિવૃત્તિ લીધી. ઈ. સ. 2000માં નાદિયા કૉમેનેસીને લૉરેયસ વર્લ્ડ સ્પૉર્ટ્સ એકૅડેમી દ્વારા ‘ઍથ્લીટ્સ ઑફ ધી સેન્ચ્યુરી’ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

નાનુભાઈ સુરતી