નાનકસિંહ (. 4 જુલાઈ, 1897, અક્કહમીદ, જિ. જેલમ; . 28 ડિસેમ્બર, 1971, પંજાબ) : પંજાબી નવલકથાકાર. પંજાબીમાં આધુનિક કથાસાહિત્યના પ્રવર્તક નાનકસિંહ છે. એમને નવલકથાલેખનની પ્રેરણા પ્રેમચંદજી પાસેથી મળી હતી. એમનો લેખનસમય 1927 થી શરૂ થાય છે. એમની પહેલી વાર્તા ‘રખડી’ (રાખડી) અને પહેલી નવલકથા ‘મતરેઈમા’ (સાવકી મા) હતી.

તેમનો લેખનકાળ ત્રણ વિભાગમાં વહેંચી શકાય : પહેલો કાળ 1927થી 1938નો છે. તે સમયમાં એમની ખૂબ લોકપ્રિય રચના હતી ‘ચિટ્ટાબહુ’ (1931). એમાં એમણે અનેક સમકાલીન સમસ્યાઓ જેવી કે કજોડું, વિધવાવિવાહ, વેશ્યાગીરી, અસ્પૃશ્યતા, જ્ઞાતિભેદ, સામાજિક વિભીષિકા, ધર્મસ્થાનોની દુર્દશા વગેરે કલાત્મક રીતે વણી લીધી છે. બીજો સમયગાળો 1938થી 1947 સુધીનો છે. તે સમયની મહત્વપૂર્ણ નવલકથા છે ‘અધખિડિયા ફુબ્બે’. ત્રીજો સમયગાળો 1947 પછીનો. તે કાળમાં એમની નવલકથાકળાનો પૂર્ણ વિકાસ થાય છે. આ સમયગાળાની મુખ્ય રચનાઓ છે ‘મઝધાર’, ‘ખૂન દે સોહિબે’, ‘જાસૂસ’ તથા ‘એક મ્યાન દો તલવાર’. આમાંની છેલ્લી કૃતિ માટે એમને 1961માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તે ઐતિહાસિક નવલકથા છે; તેમાં 1914–15માં યુ.એસ.માં સ્થપાયેલ ભારતની ક્રાંતિકારી ગદર પાર્ટીએ ભારતની બહારથી સ્વતંત્રતાસંગ્રામ ખેડ્યો હતો તે સમયનું કથાનક આલેખાયું છે.

ચન્દ્રકાન્ત મહેતા