નાટ્યશાસ્ત્ર : ભરતનો રચેલો મનાતો પ્રાચીન ભારતનો (આશરે ઈ. સ. પૂ. 200) આદ્ય નાટ્યલક્ષણગ્રંથ. વિવિધ કલાઓનાં ક્ષેત્રોમાં આની વેદ જેવી પ્રતિષ્ઠા છે તેથી એને સર્વ વર્ણો માટેનો પાંચમો વેદ જ કહ્યો છે. પ્રાચીન ભારતીય નાટ્ય એ નાટક-અભિનય-નૃત્ય-સંગીતનું સમન્વિત સ્વરૂપ હતું તેથી ‘નાટ્યશાસ્ત્ર’ સાહિત્યસ્વરૂપ નાટકનો, મંચકલાનો, અભિનયનો, નૃત્યનો, સંગીત વગેરે કલાઓનો વિશ્વકોશ બન્યો છે.

‘નાટ્યશાસ્ત્ર’ની નિર્ણયસાગરની સૌથી જૂની આવૃત્તિ છે. ‘નાટ્યશાસ્ત્ર’ની પરસ્પર ઠીક ઠીક ભિન્ન એવી બે વાચનાઓ મળે છે; એકમાત્ર મૂળ પાઠની કાશીથી 1929માં ચૌખમ્બા ભવન દ્વારા પ્રકાશિત આવૃત્તિની વાચના અને બીજી વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર દ્વારા ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં આચાર્ય અભિનવગુપ્તની સૂક્ષ્મદર્શી આકરટીકા ‘અભિનવભારતી’ સાથે પ્રકાશિત આવૃત્તિની વાચના. બંનેમાં શ્લોકોની સંખ્યા તથા અધ્યાયોની ક્રમ-વિભાજન-સંખ્યા વગેરેના ભેદો છે.

‘નાટ્યશાસ્ત્ર’ સાડાપાંચેક હજાર જેટલા મોટેભાગે અનુષ્ટુપ શ્લોકોમાં રચાયેલ છે. તે ઉપરાંત ઘણી વાર વચ્ચે ગદ્યખંડો પણ આવે છે, સામાન્યપણે આખો ગ્રંથ ભરતમુનિનો રચેલો મનાય છે. શાઙર્ગદેવના મતે તેના પાંચ ટીકાકારો છે: લોલ્લટ, ઉદભટ, શંકુક, અભિનવગુપ્ત અને કીર્તિધર. અભિનવ ભટ્ટનાયકનો મત પણ ટાંકે છે.

ભરતમુનિ અંગે કશી આધારભૂત ઐતિહાસિક માહિતી મળતી નથી, માત્ર ‘નાટ્યશાસ્ત્ર’માં કેટલીક રૂપકકથાઓ મળે છે. બ્રહ્માએ નાટ્યવેદ ભરતને શીખવ્યો. ભરતે તે પોતાના સો પુત્રોને શીખવ્યો. બ્રહ્માએ અપ્સરાઓ સર્જી, પછી ઇન્દ્રધ્વજમહોત્સવ પ્રસંગે પ્રથમ નાટક દેવાસુરસંગ્રામનું રજૂ થયું (અ. 1). ભરતે ‘મહેન્દ્રવિજયોત્સવ’, ‘ત્રિપુરદાહ ડિમ’ અને ‘અમૃતમન્થન’ નાટકો રજૂ કર્યાં. ભરતપુત્રોએ ઋષિઓનો ઉપહાસ કર્યો તેથી શાપ મળ્યો (36). ભરતે સૂચવ્યા પ્રમાણે તેઓ માનવલોક પર આવ્યા અને નાટ્યપ્રયોગો દ્વારા પ્રજાનું મનોરંજન કરી શાપમુક્ત બન્યા (37).

વડોદરા આવૃત્તિ અનુસાર ‘નાટ્યશાસ્ત્ર’ના અધ્યાયવાર વિષયો આવા છે : [ખંડ–1] (1) નાટ્યોત્પત્તિ : પ્રથમ નાટક વખતે કૈશિકી (કલાત્મક) વૃત્તિ પ્રયોજવા બ્રહ્માએ અપ્સરાઓને સર્જી. પ્રથમ નાટકમાં અસુરો હાર્યા એવા નિરૂપણથી તેઓ ખિજાયા. બ્રહ્માએ સમજાવ્યું કે નાટક તો ત્રૈલોક્યની અવસ્થાઓનું અભિનય દ્વારા કરાયેલું દુ:ખીઓ–સંતપ્તોને માટે વિશ્રાન્તિજનક એવું અનુકરણમાત્ર છે. (2) મંડપવિધાન : નાટ્યગૃહો ત્રણ પ્રકારનાં : વિકૃષ્ટ (લંબચોરસ), ચોરસ અને ત્રિકોણ. ત્રણ કદનાં : દેવો માટેનું વિસ્તૃત, મનુષ્યો માટેનું મધ્યમ અને અવર મનુષ્યો માટે વિકૃષ્ટ. મધ્યમ પ્રકાર શ્રેષ્ઠ. અડધામાં પ્રેક્ષકોની બેઠકો, અડધામાં મંચ તથા નેપથ્ય. મંચ ઉપર પણ વચ્ચે સામાન્ય કથાનકનો અભિનય, સ્થળવિશેષ બતાવવા માટે મંચ પર બે બાજુએ મત્તવારણીઓ (ચાર થાંભલીઓથી જુદી પાડેલી જગ્યા). નાટ્યગૃહની રચના અંગે વિગતવાર સૂચનો આપ્યાં છે.

(3) રંગદૈવતપૂજનમ્ : નાટ્યગૃહના તથા નાટ્યપ્રયોગ સાથે સંબદ્ધ વિવિધ દેવ-દેવીઓના પૂજનનો વિધિ.
(4) તાણ્ડવલક્ષણમ્ : તણ્ડુએ વર્ણવેલા અંગહારો(દેહની વિવિધ મુદ્રાઓ-છટાઓ  poses)નું વર્ણન જે નાટ્યના વિવિધ ભાવોની અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. (5) પૂર્વરંગવિધાન : નાટક શરૂ કરતાં પહેલાં પડદા પાછળ અને મંચ ઉપર વિધિઓ. (6) રસાધ્યાય : આઠ રસો(શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભુત)ના આઠ સ્થાયીભાવો, વર્ણો, દેવતા, પરસ્પર સંબંધો, દરેક રસના વિભાવો (ઉત્પત્તિના હેતુઓ), અનુભાવો (વિવિધ અંગોના અભિનયો), વ્યભિચારી ભાવો : રસોના સંભવિત પ્રકારો; જેમ કે શૃંગારના બે – સંભોગ અને વિપ્રલંભ, હાસ્યના તીવ્રતા અનુસાર છ  સ્મિત, હસિત, વિહસિત, ઉપહસિત, અપહસિત, અતિહસિત; છેલ્લે નવમા શાન્ત રસનું નિરૂપણ. (7) ભાવાધ્યાય : વાણી, અંગ અને સત્વથી યુક્ત કાવ્યાર્થોનું ભાવન કરાવે, વિવિધ અભિનયોથી કવિનું ઉદ્દિષ્ટ ભાવકને અવગત અનુભૂત કરાવે તે ભાવો; વિભાવ એટલે નિમિત્ત, ભાવોને ઉત્પન્ન અથવા ઉત્તેજિત કરનાર કારણો; એ ભાવોને વિવિધ અભિનયો વડે અભિવ્યક્ત કરે તે અનુભાવો; ભાવો પોતે 49 છે. આઠ સ્થાયી, આઠ સાત્વિક, તેત્રીસ વ્યભિચારી. સ્થાયી રસ બને છે, વ્યભિચારીઓ રસોનું વહન કરે છે, ભાવોની તીવ્રતાથી સ્વયમેવ ઉદ્ભવતા અંગવિકારો (જેવા કે, અશ્રુ, રંગ ઊડી જવો, પરસેવો વળવો, કંપ વગેરે) તે સાત્વિક (સત્વ=મનના) ભાવો. [ખંડ 2] પછીના છએક અધ્યાયોમાં અંગાભિનયનું વર્ણન છે. (8) ઉત્તમાંગાભિનય : મસ્તક તથા આંખો, ભ્રમર, નાક, હોઠ વગેરેના રસાનુસારી અભિનય અંગેની સૂચનાઓ. (9) અંગાભિનય : હસ્ત (અંગુલિઓ), વક્ષ, પડખાં, ઉદર, કટિ, જંઘા વગેરેના રસ-ભાવ-અવસ્થા અનુસાર અભિનયો. (10) ચારીવિધાન : ચારી એટલે એક પગને ફેલાવવા-સંકોચવાની રીતો. બે પ્રકારની – બાહુયુદ્ધના અભિનય માટેની તે ભૌમિકી અને વિવિધ શસ્ત્રપ્રયોગોના અભિનય માટેની તે આકાશિકી. જમણો પગ અમુક અંતરે આગળ મૂકવાથી થતાં ‘સ્થાન’ છ પ્રકારનાં છે. ચારી, સ્થાન, અંગહાર વગેરેનાં વિવિધ સંયોજનો તે ‘વ્યાયામ’. વ્યાયામો યુદ્ધના અભિનય માટે પ્રયોજવા, યુદ્ધોનો માત્ર અભિનય જ કરવો, કદી શસ્ત્રોથી પ્રત્યક્ષ પ્રહાર કે રક્તપાત ન કરવા. (11) મણ્ડલવિકલ્પન : વિવિધ ચારીઓનાં સંયોજનોથી રચાય તે ‘મણ્ડલો’ – બે પ્રકારનાં : આકાશગ અને ભૂમિગ. આ મંડળો લીલાપૂર્વક અંગમાધુર્ય સાથે તથા વાદ્યપ્રયોગો સાથે બાહુયુદ્ધમાં, યુદ્ધમાં તથા પરિક્રમણ(મંચ ઉપર ફરવું)માં પ્રયોજવાં. (12) ગતિપ્રચાર : ધ્રુવાઓ તથા તાલ સાથે વિવિધ પ્રકારનાં રસો, ભાવો, સ્થળ, કાળ તથા અવસ્થાઓને અનુરૂપ વિવિધ પાત્રોની ગતિઓ પ્રયોજવી. (13) કક્ષ્યા-પ્રવૃત્તિ-ધર્મી-વ્યંજક : નાટ્યવસ્તુનો વિશિષ્ટ પ્રદેશ તે એની કક્ષ્યા : ચાર પ્રકારની વૃત્તિઓ અનુસાર વિવિધ વિશિષ્ટ પ્રાદેશિક પ્રવૃત્તિઓ(પહેરવેશ, ભાષા, આચાર-વ્યવહાર, વેપારધંધા ઇ.)ને પણ ચાર પ્રકારમાં વહેંચી છે. આ બધી સામગ્રીને યથાસંભવ સ્વાભાવિક રૂપે રજૂ કરવી તે લોકધર્મી, એને લલિત ઉચ્ચારગતિ-અભિનય થકી નાટ્યાત્મક રીતે રજૂ કરવી તે નાટ્યધર્મી. પછી વાચિક અભિનય વર્ણવ્યો છે. (14–15) છંદોવિધાન તથા છંદોવિચિતિ : નાટ્યમાં વાણીનું મહત્ત્વ. થોડોક પ્રાથમિક વ્યાકરણવિચાર; પછી, અક્ષરસંખ્યાથી થાય તે ‘છંદો’ અને યતિ, માત્રા, નિયત અક્ષરસંખ્યા વગેરેથી રચાય તે ‘વૃત્તો’. કેટલાંક વૃત્તોનાં લક્ષણો તથા ઉદાહરણો આપેલાં છે. પછીના પાંચેક અધ્યાયોમાં નાટકનાં અભિનેય સાહિત્યકૃતિ તરીકેનાં લક્ષણો વર્ણવ્યાં છે. (16) કાવ્યલક્ષણ : (કવિએ રચેલો નાટ્યપાઠ તે કાવ્ય.) કાવ્યનાં ભૂષણસંમિત (અલંકાર જેવાં) 36 લક્ષણો, ઉપમા-રૂપક-દીપક-યમક ચાર અલંકારો, દશ કાવ્યદોષો અને દશ કાવ્યગુણો વર્ણવ્યા છે. (17) કાકુસ્વરવ્યંજન : પ્રાકૃતનાં લક્ષણો, સાત પ્રકારની પ્રાકૃત ભાષાઓ અને તેમના પાત્રાનુસાર પ્રયોગના નિયમો; વિવિધપાત્રોનાં પરસ્પર સંબોધનોના નિયમો વર્ણવ્યા છે. પછીના ગદ્ય-અંશમાં પાઠ્યના ગુણો તરીકે ચાર સ્વરો (ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત અને કમ્પિત), સાત સૂરો, ત્રણ સ્થાનો, ચાર વર્ણો, બે કાકુ, છ અલંકારો, છ અંગો વગેરેનાં લક્ષણો તથા પાત્રોના પાઠના વાચિક અભિનયમાં તેના રસ અનુસાર પ્રયોગના નિયમો વર્ણવ્યા છે. (18) દશરૂપકનિરૂપણ : રૂપકો અર્થાત્ નાટ્યસ્વરૂપોનાં કથાવસ્તુ, નાયક અને રસના ભેદોને અનુલક્ષીને દસ પ્રકારો વર્ણવ્યા છે : નાટક, પ્રકરણ, અંક (અથવા ઉત્સૃષ્ટિકાંક), વ્યાયોગ, ભાણ, સમવકાર, વીથિ, પ્રહસન, ડિમ અને ઈહામૃગ. પછી અંકયોજના અને પ્રવેશકોની રચનાના નિયમો આપ્યા છે. [ખંડ ત્રીજો] (19) સંધિનિરૂપણ : નાટ્યવસ્તુના બે પ્રકાર : આધિકારિક (= મુખ્ય) અને પ્રાસંગિક (= ગૌણ). નાટ્યના કથાવસ્તુનું ત્રિવિધ પૃથક્કરણ. નાટ્યકાર્યની પાંચ અવસ્થાઓ : આરંભ, પ્રયત્ન, પ્રાપ્તિ-આશા, નિયતાપ્તિ, ફલાગમ. કથાનક(=નાટ્યાર્થ)ની પાંચ અર્થપ્રકૃતિઓ : બીજ, બિંદુ, પતાકા (=ગૌણ કથાનક), પ્રકરી (= એકાદ પ્રસંગ), કાર્ય. વસ્તુગૂંથણીની પાંચ સંધિઓ : મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ, નિર્વહણ. આ પાંચનાં ચોસઠ સંધિ-અંગો. (20) વૃત્તિ-વિકલ્પન : વૃત્તિઓના ઉદભવની કથા. શેષશાયી વિષ્ણુને મધુ અને કૈટભ રાક્ષસોએ ઉશ્કેરાટનાં વચનો કહ્યાં તે શબ્દપ્રધાન ભારતી વૃત્તિ. વિષ્ણુએ શાર્ઙગ ધનુષ્યનાં ચલનોમાંથી સાત્વતી, સુંદર લીલાયુક્ત અંગહારથી શિખા બાંધી તે કૈશિકી અને વિવિધ બાહુયુદ્ધનાં કરણોમાંથી આરભટી ઉત્પન્ન કરી. પછી તે ચારે નાટ્યમાં પ્રયોજાઈ. કેવળ પુરુષો દ્વારા પ્રયોજાતી સંસ્કૃત વાણીપ્રધાન તે ભારતી, મનોવ્યાપારપ્રધાન તીવ્રહર્ષયુક્ત તે સાત્વતી; સુંદર વેશભૂષાયુક્ત, નૃત્યગીતાદિબહુલ, સ્ત્રીઓવાળી, કામોપચારવાળી તે કૈશિકી અને ક્રોધાદિ ગુણો તથા કપટવંચનાથી યુક્ત, દંભી અસત્ય વચનોવાળી, કૂદકા-ઠેકડા-માર-કાપ-માયા-ઇન્દ્રજાળવાળી, હંમેશાં વિવિધ યુદ્ધોથી યુક્ત, તે આરભટી વૃત્તિ. અર્થાત્, ભારતી વાણીપ્રધાન, સાત્વતી મનોવ્યાપારપ્રધાન, કૈશિકી માધુર્યપ્રધાન અને આરભટી રૌદ્રપ્રધાન વૃત્તિઓ છે. ચારેના રસો-પ્રસંગો વગેરેના ઔચિત્યના નિર્દેશો. (21) આહાર્યાભિનય : આહાર્ય એટલે નેપથ્યવિધિ ચાર પ્રકારનો : પુસ્ત, અલંકાર, અંગરચના, સજ્જીવ. ચર્મ-વસ્ત્ર વગેરેથી યંત્ર દ્વારા કે વીંટાળીને જે પર્વતો-વિમાન વગેરે કરાય તે પુસ્ત. માળા-ઘરેણાં-વસ્ત્રોની સજાવટ તે અલંકાર. (ઘરેણાં ભારે ન હોવાં જોઈએ, નહિ તો અભિનય ન થાય.) આભૂષણો મનુષ્યોનાં સ્થાન-અવસ્થા-પાત્ર પ્રમાણે કરવાનાં. અંગસજ્જા પુરુષોને રંગો વડે કરવાની. દેવો તથા મનુષ્યોમાં જેવી પ્રકૃતિ તેવા રંગો. સજ્જીવ એટલે વિવિધ પ્રકારના વેશો, મૂછો, જટાઓ, મુગટો, કેશસજ્જા (મુંડ, વાંકડિયા, લાંબા, બાળકોના ત્રિશિખ વગેરે), પુરુષોને આયુધો માપ પ્રમાણે અને હલકાં આપવાનાં. (22) સામાન્યાભિનય : વાચિક, આંગિક, સાત્ત્વિક. યૌવનમાં સ્ત્રીઓના મુખ-અંગના વિકારો તે અલંકારો : અંગજ ત્રણ, સ્વાભાવિક દસ રસાદિથી સાહજિક થતા સાત. પુરુષોના પણ સાત્વિક અલંકારો ખરા. વિવિધ અવસ્થાઓ–મનોભાવોના અભિનય અંગે નિર્દેશો, સ્ત્રીઓનાં વિવિધ લક્ષણો, પ્રકારો, કામલક્ષણો. દસ કામાવસ્થાઓના અભિનયની સૂચનાઓ. પુરુષોનો કામાભિનય, નાયિકાઓના આઠ પ્રકારો, તેમની આઠે અવસ્થાઓના અભિનયનાં સૂચનો. (ચુંબન, આલિંગન, સ્તનમર્દન, નીવીમોક્ષ વગેરેનો અભિનય ન કરવો.) (23) (અધ્યાયનું નામ નથી, અભિનવ ‘વૈશિક’ કહે છે.) વેશોપચારમાં કુશળ પુરુષ તે વૈશિક. બધી કલાઓ અને સ્ત્રીચિત્તના ગ્રહણને જાણનાર તે વૈશિક. એના આંગિક, આહાર્ય, સાત્વિક 33 ગુણોનું વર્ણન. તેના મિત્રો દાસ-દાસી-દૂતી પણ કુશળ હોય. પ્રેમાતુરપ્રેમવિરક્ત સ્ત્રીનાં લક્ષણો, વિરક્તિનાં કારણો, તેને જીતવાના ઉપાયો. સ્ત્રીઓના ઉત્તમાદિ ત્રણ પ્રકારો, યૌવનની ચાર અવસ્થાઓ, પુરુષના પાંચ પ્રકારો(ચતુર, ઉત્તમ, મધ્યમ, નીચ, પ્રવૃત્તક). સ્ત્રીના ઉપચાર-પ્રકારો વગેરેનાં કામશાસ્ત્રાનુસાર વર્ણન. (24) પું-સ્ત્રી ઉપચાર : સ્ત્રી-પુરુષોની ત્રિવિધ પ્રકૃતિ (ઉત્તમ, મધ્યમ, અધમ). નપુંસક, શકાર, વિટ, ચાકર વગેરેને અધમ ગણવા. નાયકો ચાર પ્રકારના : ધીરોદ્ધત, ધીરલલિત, ધીરોદાત્ત, ધીરપ્રશાન્ત (અનુક્રમે દેવાદિ, રાજાદિ, અમાત્યાદિ, વિપ્રાદિ). ચતુર્વિધ વિદૂષક : લિંગી, દ્વિજ, રાજજીવી, શિષ્ય. દિવ્યા, નૃપપત્ની, કુલસ્ત્રી, ગણિકા એ ચતુર્વિધ નાયિકાઓ. અંત:પુરની વિવિધ સ્ત્રીઓનાં પ્રકારો–લક્ષણો : અંત:પુરમાં કેવા કંચુકીઓ  હીજડાઓને નીમવા, રાજા-મંત્રીઓ વગેરેનાં ગુણલક્ષણો, ઇત્યાદિ. (25) ચિત્રાભિનય : વિવિધ અભિનયો શી રીતે કરવા ? જેમ કે પ્રભાત, આકાશ, વાદળો, વિસ્તીર્ણ જલાશયો વગેરે ઊંચા હાથ કરી, ઊંચે જોતાં, વિવિધ દૃષ્ટિયુક્ત અભિનયથી દર્શાવવાં; એ જ રીતે ભૂમિગત પદાર્થો બતાવવાના; ગર્વ, ભય, ક્રોધ, ગુરુવંદના, અપત્યનિરૂપણ, સ્ત્રીઓમાં મદ, વિવિધ પ્રાણીઓ, દોલા (હીંચવું), આકાશભાષિત-જનાન્તિક-અપવારિત, રોગ, ઝેર ચડવું, મરણાન્તક આઠ અવસ્થાઓ વગેરેના અભિનયની સૂચનાઓ; અંતે તો લોકવ્યવહાર પ્રમાણે જ અભિનય કરવાનો. (26) વિકૃતિવિકલ્પ : પાત્રોની ત્રિવિધ પ્રકૃતિ હોય છે: અનુરૂપ, વિરૂપ અને રૂપને અનુરૂપ. તે પ્રમાણે પાત્રો વહેંચવાં. સ્ત્રીને કોમળ, લલિત ભાવો-અભિનયો-ગીતાદિ પાત્રાભિનય આપવા, પુરુષને યુદ્ધ-પુરુષ-અભિનય. નાટ્યપ્રયોગોના વિશાલ દૃષ્ટિએ બે પ્રકાર છે : શૃંગારાશ્રિત સુકુમાર અને યુદ્ધોચિતાશ્રિત આવિદ્ધ. તદનુસાર રૂપકપ્રકારો પણ વહેંચાય. (27) સિદ્ધિવ્યંજક : નાટકના ત્રણ ગુણો છે : પાત્ર, પ્રયોગ અને ઋદ્ધિ. પાત્રના ગુણો છે બુદ્ધિમત્તા, સુરૂપતા, લયતાલનું જ્ઞાન, રસભાવનું જ્ઞાન, કુતૂહલ, વય:સ્થતા. નાટકનું ગ્રહણ, ધારણ અને પોતાનો ઉત્સાહ તથા ગાત્રોની અવિકલતા. પ્રયોગના ગુણો છે સુવાદ્યતા. સુગાનતા, સુપાઠ્યતા. તેમજ નર્તનશાસ્ત્ર અને અભિનયકર્મનો સમાયોગ અને ઋદ્ધિ (સમૃદ્ધિ) તે અલંકારો, વસ્ત્રો, પુષ્પમાળાઓ ઇત્યાદિની સ્વચ્છ ચમક અને સુંદર રચના. આ ત્રણેય લક્ષણો એકીભૂત થઈને પ્રગટ થાય તે નાટ્યસિદ્ધિનું લક્ષણ. આ સિદ્ધિભાવનાં દૂષકો અતિહાસ્ય, અતિરુદન, વિસ્વરતા, મુગટ વગેરે પડી જવાં, વાદ્યો સાથે સુમેળ ન થવો, છંદો છૂટી જવા, યતિભેદ, ગુરુલઘુની ભેળસેળ, મંચપ્રવેશમાં વિલંબ, શસ્ત્રાદિનું અયોગ્ય ધારણ, વાહનાદિના આરોહણ-અવરોહણનું અજ્ઞાન વગેરે છે. વળી પાત્રનું બેધ્યાન બની જવું, ખોટી ચેષ્ટા, પાઠનું વિસ્મરણ, અન્યના પાઠનું ઉચ્ચારણ વગેરે આત્મસમુત્થ દોષો, દ્વેષ-માત્સર્યથી અર્થભેદથી પરસમુત્થ ઘાતો : વાવાઝોડું, આગ, વરસાદ, હાથી-સાપ-કીડા-કીડી-પશુ ઇત્યાદિનો અચાનક પ્રવેશ જેવી દૈવસમુત્થિત ઘાત; પ્રયોગ વખતે દારૂડિયા, પાગલ, સંન્યાસીના પ્રવેશ જેવી ઔત્પાતિક ઘાત વગેરે પણ નાટ્યપ્રયોગને હણે છે. આવું કશું બન્યા વિના નાટક પાર પડે તે દૈવી સિદ્ધિ. માનુષી સિદ્ધિ એટલે પ્રેક્ષકોનો પ્રતિભાવ. પ્રેક્ષકોના હાસ્ય-હાહાકાર-ખભા-મસ્તક હાલવાં, ઊભા થઈ જવું વગેરેમાં તે પ્રકટ થાય છે.

સિદ્ધિનો નિર્ણય કરનાર પ્રાશ્નિકો ચારિત્ર્યશીલ-કુલયુક્ત, શાન્ત, પરિશ્રમી, મધ્યવયસ્ક, નાટ્યનાં છયે અંગોમાં કુશળ, છંદોને જાણનાર, વાદ્યમાં કુશળ, દેશ-ભાષા-ચતુર્વિધ અભિનય-રસાદિ-વિવિધ શાસ્ત્રો-કલાશિલ્પ ઇત્યાદિના વિચક્ષણ જ્ઞાતા હોવા જોઈએ તથા નાટ્યનિર્ણયમાં દૈવી કે પરસમુત્થ ઘાત નહિ પણ નાટ્યસમુત્થ અને (નટની) આત્મસમુત્થ ઘાતને લક્ષમાં લેનારા હોવા જોઈએ. વાર-કાલ-ઇત્યાદિ જાણીને એમણે નર્મહાસ્ય કે કરુણપ્રાય નિદ્રાવિનાશનપ્રયોગો પ્રભાતમાં, ધર્મોત્થાનકર શ્રુતિરમણીય પ્રયોગો પૂર્વાત્વમાં, સત્વગુણયુક્ત વાદ્યબહુલ પ્રયોગો અપરાહનમાં, અને કૈશિકી-શૃંગાર-નૃત્તવાદિત્રગીતાદિયુક્ત પ્રયોગ પ્રદોષમાં પ્રયોજાવવા. મધ્યાહને, મધ્યરાત્રિએ, સંધ્યાભોજનકાળે નાટ્ય ન પ્રયોજવું.

પછીના સાત અધ્યાયો (28–34) વાદ્યો-સંગીત-તાલ-ધ્રુવા-પુષ્કરવાદ્ય વગેરેનું વર્ણન કરે છે. વાદ્યો ચાર પ્રકારનાં છે : તત-તંત્રી-તાર ખેંચીને બનાવેલાં વીણા વગેરે; અવનદ્ધ – (ચર્મ વગેરે) બાંધીને રચેલાં મૃદંગ, પણવ, ઢોલક વગેરે; ઘન – નક્કર, ઝાંઝ વગેરે; તથા સુષિર – છિદ્રવાળાં વાંસળી વગેરે. આ બધાં વાદ્યોના ધ્વનિ ગીત અને નાટ્યની સાથે અલાતચક્રની જેમ એકરૂપ થવાં જોઈએ. શારીર અને વીણા ઇત્યાદિમાંથી ઉત્પન્ન થતા સાત સ્વરોનાં વાદી-સંવાદી-વિવાદી-અનુવાદી એવાં ચતુર્વિધ સંયોજનો, બે ગ્રામ, ચૌદ મૂર્ચ્છનાઓ, 84 તાનો (સાત શુદ્ધ અને અગિયાર વિકૃત), 18 જાતિઓ અને તેનાં દશ લક્ષણો ઇત્યાદિ ઝીણવટથી વર્ણવ્યું છે. ઉપરાંત અહીં ચાર પ્રકારના (આરોહી-અવરોહી-સ્થાયી, સંચારી) વર્ણો, તેના 41 અલંકારો, ચાર પ્રકારની ગીતિઓ વગેરે તંત્રીવાદ્યોનાં; કંપ વગેરે સુષિર વાદ્યોનાં; દ્રુત-મધ્ય-વિલંબિત વગેરે તથા ત્ર્યસ્ર-ચતુરસ્ર એવાં તાલનાં પ્રકાર અને લક્ષણો આપ્યાં છે. ગીતનાં સાત અંગો  મુખ, પ્રતિમુખ, વૈહાયસિક, સ્થિત, પ્રવૃત્ત, વજ્ર, સંધિ વગેરેમાંથી જેનો વિનિયોગ જેમાં થયો હોય તેવી પાંચ પ્રકારની ધ્રુવાઓનાં રસ-સ્થાન-પાત્ર-અવસ્થા અનુસાર છંદ-લય-તાલ સાથેના પ્રયોગનાં સોદાહરણ લક્ષણો પણ વર્ણવ્યાં છે. રસ તથા પ્રકરણ અનુસાર કરેલા ધ્રુવાપ્રયોગો નાટ્યને અજવાળે છે.

35મા ભૂમિકાવિકલ્પાધ્યાયમાં કેવા દેખાવવાળા નટને દેશ-વેશને અનુરૂપ કેવાં પાત્રો આપવાં તેનાં સૂચનો છે; નટનાં નાયક-નાયિકાનાં લક્ષણો છે તથા નેપથ્ય કલાકારોનાં યથાનામ કાર્યનાં વર્ણન છે.

છેલ્લા બે અધ્યાયોમાં ભરતપુત્રોને ઋષિઓના ઉપહાસને કારણે શાપની અને નહુષના સૂચનથી પૃથ્વી પર આવી જનમનરંજન દ્વારા શાપમુક્તિની કથા છે.

નાટ્યશાસ્ત્રના વિષયોના આ સવિગત પૃથક્કરણાત્મક પરિચયથી સમજાય છે કે નાટકની ભજવણી અંગેની બધી જ બાબતોનું પ્રયોગાત્મક દૃષ્ટિએ ઝીણવટપૂર્વક વર્ણન એમાં કરેલું છે. નાટકનું સ્વરૂપ-મહત્વ-ગૌરવ, નાટ્યગૃહનિર્માણ, રસનિરૂપણ, નાટ્યપાઠનાં લક્ષણો, ભાષાઓ છંદો અને તેનાં ઉચ્ચારણો, નાટ્યના પ્રકારો, નાટ્યવસ્તુનું સ્વરૂપ, પાત્રોના પ્રકારો, અભિનયના વિવિધ પ્રકારો, આંખ-હાથ ઇત્યાદિ અંગોના અભિનયો તથા ગતિઓ, મુદ્રાઓ, નાટ્યની સ્વાભાવિકતા તથા નાટ્યાત્મકતા, નાટ્યમંચની સામગ્રી, નટોનાં અલંકારાદિ, નાટ્ય-સંગીતનાં અંગો, વાદ્યોના પ્રકારો, નાટકના ભાવોને ઘૂંટનાર ધ્રુવાઓ તથા ગીતિઓ, નાટકની સફળતાનાં લક્ષણો, વિઘ્નો, પરીક્ષકો – એમ નાટ્યગૃહની રચનાથી નાટ્યસિદ્ધિ સુધીનાં તમામ અંગોપાસાંઓનું સાંગોપાંગ સૂક્ષ્મ નિરૂપણ એમાં થયેલું છે. નાટક અંગેનો આ સર્વસંગ્રહ છે.

આથી એમ ફલિત થાય છે કે પ્રાચીન ભારતીય નાટ્ય એ માત્ર અભિનય ન હતો – કવિએ રચેલી નાટ્યકૃતિનું યોગ્ય પરિવેશમાં અસરકારક અભિનય સાથેનું પઠનમાત્ર ન હતું; પણ કવિની રચનાનું તેને અનુરૂપ અભિનય, નૃત્ય અને સંગીતના રસાયણરૂપ પ્રસ્તુતીકરણ હતું. નાટ્યની ભજવણીમાં નૃત્ય-ગીત-સંગીતના અંશો પણ નાટ્યના પઠન જેટલા જ મહત્વના હતા. નાટ્યનું લક્ષ્ય કવિની રચનાની કલાત્મક આસ્વાદાત્મક અનુભૂતિ કરાવવાનું હતું. ભજવણીનું સ્વરૂપ પ્રધાનપણે નાટ્યધર્મી–કલાધર્મી અને કેવળ અલ્પાંશે જ લોકધર્મી હતું.

તે કાળે સાહિત્ય, નૃત્ય તથા સંગીત ત્રણેયનાં શાસ્ત્રો સ્વતંત્રપણે પણ ઘણાં વિકસેલાં હતાં. સંગીતની ઘણીબધી સૂક્ષ્મતાઓ તથા તેને આધારે અનેક પ્રકારભેદો ત્યારે નોંધાયેલા હતા તેની પરંપરા સંગીતના અન્ય ગ્રંથોમાં પણ વર્ણવેલી જણાય છે. નૃત્યના જે અંશો અહીં વર્ણવાયા છે તેની પરંપરા ભરતનાટ્ય-નૃત્યપ્રકારમાં પ્રત્યક્ષપણે જળવાઈ છે તથા અન્ય ગ્રંથોમાં (તેમજ કેટલાંક શિલ્પોમાં પણ) સચવાઈ છે. સાહિત્યશાસ્ત્રની પરંપરા પછીના ગ્રંથોમાં ઘણી વિવિધતા તથા સૂક્ષ્મતાપૂર્વક વિકસી છે. ઈ. સ.ના આરંભની આજુબાજુની એકબે સદીઓના કાળમાં ભારતીય કલા-સંસ્કૃતિનો આટલો વિકાસ થયો હતો તે હકીકત નાટ્યશાસ્ત્રમાંથી ફલિત થાય છે.

રાજેન્દ્ર નાણાવટી