નાટ્યશાસ્ત્રમુ (1960) : તેલુગુ નાટ્યવિવેચના. પોનંગી શ્રીરામ અપ્પારવુકૃત ‘નાટ્યશાસ્ત્રમુ’ એ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પર વિસ્તૃત ભાષ્યનો ગ્રંથ છે, એમાં એમણે નાટ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખી ભરતના ગ્રંથની ઉપર તો ટિપ્પણી કરી જ છે; પરંતુ સંગીત નૃત્ય, નાટક, અભિનય, રસસિદ્ધાંત ઇત્યાદિ વિશે અન્ય પુસ્તકોમાં આપેલી એ વિષયોની ચર્ચા જોડે ભરતનાં મંતવ્યોની તુલના કરી છે. એટલે એ દૃષ્ટિએ સંસ્કૃતમાં લલિતકલાઓ વિશે જે કંઈ લખાયું છે તેની માહિતીસભર ચર્ચા કરી છે. આ ગ્રંથને 1960માં સાહિત્ય અકાદમી તરફથી તેલુગુના એ વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. એ ગ્રંથનું સાહિત્ય અકાદમી તરફથી ભારતની વિધવિધ ભાષાઓમાં ભાષાંતર કરાવવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ સરકાર તરફથી પણ એને માટે લેખકને સુવર્ણચંદ્રક અર્પણ થયો હતો.

ચન્દ્રકાન્ત મહેતા