નાગહ્રદ : મેવાડના ગુહિલ વંશના રાજાઓની રાજધાની. ઉદેપુરથી ઉત્તરે 24 કિમી. દૂર અને ખેમલી સ્ટેશનથી 10 કિમી. એકલિંગજીની પહાડીમાં નાગહ્રદ (હાલનું નાગદા) તીર્થ આવેલું છે. ‘નાગહ્રદ’ કે ‘નાગદ્રહ’ એ નાગદાનું પ્રાચીન નામ છે. મેવાડના ગુહિલ વંશના રાજાઓની રાજધાની નવમી સદી સુધી મેવાડના નાગહ્રદ(નાગદા)માં હતી.

પ્રાચીન વર્ણનો મુજબ એક કાળે મેવાડની પાટનગરી તરીકે નાગહ્રદની જાહોજલાલી હતી. ભોજરાજે માંડવગઢમાં જે ‘ભારતીભવન’ નામનું વિદ્યાલય સ્થાપ્યું હતું તેના પ્રધાન અધ્યાપક કર્ણાટકી આચાર્ય ભટ્ટ ગોવિંદને ભોજરાજે આ ગામ બક્ષિસમાં આપ્યું હતું.

મુનિ સુંદરસૂરિએ ‘નાગહ્રદ તીર્થસ્તોત્ર’માં સંપ્રતિરાજે અહીં મંદિર કરાવ્યાનો ઉલ્લેખ છે. તેમણે રચેલી ‘ગુર્વાવલિ’માં ખોમાણ રાજાના કુલમાં સમદ્રસૂરિએ દિગંબરીને જીતીને નાગહ્રદ પાર્શ્વનાથનું તીર્થ પોતાને સ્વાધીન કર્યું હોવાનો ઉલ્લેખ છે. પટ્ટાવલિને આધારે સમુદ્રસૂરિનો સમય પાંચમી શતાબ્દી મનાયો છે. આથી આ તીર્થ એ પહેલાંનું ગણાય. અહીંના વાઘેલા તળાવ પાસે ડુંગરની તળેટીમાં આવેલા પાર્શ્ર્વનાથ ભગવાનના જીર્ણ મંદિરમાં મૂર્તિના એક પબાસન નીચે વિ. સં. 1192 નો લેખ છે. બીજો એક લેખ વિ. સં. 1356નો મળ્યો છે. શ્રી શીલવિજયજી અને શ્રીજિનતિલકસૂરિએ તીર્થમાળામાં ‘નાગદ્રહ’માં નેમિનાથ ભગવાનના મંદિરનો’ તેમજ શ્રી સોમતિલકસૂરિએ રચેલ ‘ગુર્વાવલિ’(શ્લોક : 196)માં અહીં પેથડ શાહે નેમિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું એવો ઉલ્લેખ કર્યો છે. આજે એ મંદિર નથી. નાગદામાં એકમાત્ર શાંતિનાથનું મંદિર વિદ્યમાન છે. મૂળ નાયકની પદ્માસનસ્થ શ્યામ પાષાણની મૂર્તિના પબાસન નીચે સં. 1494નો લેખ છે.

આબુ પર્વત ઉપર અચલેશ્વર મહાદેવના મંદિરના વિ. સં. 1342(ઈ. સ. 1285)ના શિલાલેખમાં મેદપાટ(મેવાડ)માં નાગહ્રદ નામે નગરનો ઉલ્લેખ આવે છે. આ નગરમાં શિવોપાસક બ્રાહ્મણો સુખપૂર્વક નિવાસ કરતા હતા.

ભારતી શેલત