નાગસાહ્વય : ‘નાગ’ (હસ્તી) નામનું નગર અર્થાત્ હસ્તિનાપુર. ‘નાગ’, ‘ગજ’ અને ‘હસ્તી’ પર્યાયવાચક છે. આહવ = નામ, અભિધાન અને સાહવય = નામસહિત, નામનું. આ રીતે હસ્તિનાપુર ‘ગજાહવય’, ‘નાગસાહવય’, ‘નાગાહવ’ અને ‘હાસ્તિન્’ જેવાં વિવિધ નામોથી ઓળખાતું. ચંદ્રવંશી પુરુના વંશમાં દુષ્યંત, ભરત, રંતિદેવ, હસ્તિન્, કુરુ, પાંડુ, યુધિષ્ઠિર વગેરે નામાંકિત રાજાઓ થયા. એમાંના રાજા હસ્તિન્ ઉર્ફે હસ્તીએ ગંગા નદીના તટ પર વસાવેલું નગર હસ્તિનાપુર તરીકે ઓળખાયું. એ કુરુ દેશનું પ્રાચીન પાટનગર હતું. એ દિલ્હીની ઉત્તરપૂર્વે લગભગ 91 કિમી.ના અંતરે અને મેરઠની ઉત્તરપૂર્વે 35 કિમી.ના અંતરે ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ગંગાતટ ઉપર પ્રાચીન વસાહતના ટીંબાઓ રૂપે મોજૂદ છે. પરીક્ષિતના પાંચમા વંશજ નિચક્ષુના સમયમાં આ નગર ઉપર ગંગા નદીનાં પાણી ફરી વળ્યાં ત્યારે રાજા નિચક્ષુએ રાજધાની ત્યાંથી યમુનાતટે આવેલ કૌશાંબી નગરી(પ્રયાગ પાસે)માં ખસેડી હતી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી