નાગાઈ કાફૂ (. 3 ડિસેમ્બર 1879 ટોકિયો, જાપાન; . 30 એપ્રિલ 1959 ઇચિકાવા, જાપાન) : આધુનિક જાપાની લેખક. તેઓ પોતાની પ્રથમ નવલકથા ‘ફ્લાવર્સ ઑવ્ હેલ’(1902)થી જાણીતા બન્યા. તેમાં નિસર્ગવાદ અને વાસ્તવવાદનાં દર્શન થાય છે. ફ્રાન્સ, અમેરિકા વગેરે દેશોમાં દસેક વર્ષ પરિભ્રમણ કર્યા બાદ 1908માં પરત ફરતાં પાશ્ચાત્ય પદ્ધતિના ટોકિયો શહેરને જોઈને ડઘાઈ ગયા અને પૂર્વજીવનની સ્મૃતિઓ તેમના મનને સતાવવા માંડી. ત્યારપછી તેમનાં લખાણોમાં વીતી ચૂકેલા જમાનાની સ્મૃતિઓ તથા યુવાકાળમાં ટોકિયોમાં વિતાવેલું જીવન સતત ડોકાયાં કરે છે. ભૂતકાળની સ્મૃતિઓમાં આધુનિક જીવન તરફનો અણગમો નહિ પણ માત્ર ભૂતકાળ વાગોળવાનો તેમનો સ્વભાવ વ્યક્ત થાય છે. આધુનિકોમાં નાગાઈ કાફૂ એ જાપાનના એકમાત્ર જાણીતા લેખક છે જે જરૂર પ્રમાણે પુરાણા વિષયવસ્તુને પકડીને અવનવું કથાસર્જન કરે છે.

‘ધ રિવર સુમિડા’ (1909) એ નાગાઈ કાફૂની યશસ્વી કૃતિ ગણાય છે. 1890ના અરસાના ટોકિયોનું તેમાં નિરૂપણ છે. આ નવલકથામાં જાપાનના મેઈજી યુગમાં તારાજ થયેલા લોકોની યાતનાનું વર્ણન છે.

ત્રીસીના દાયકામાં કાફૂએ વેશ્યાઓના જીવન અંગેની વાર્તાઓ લખવા માંડી. તેમનામાં તેને જૂના જમાનાની ગેઈશાનાં દર્શન થવા માંડ્યાં. યુવાનીમાં જે યુવતીઓના પરિચયમાં તેઓ આવેલા તે સૌ પાત્રો બનીને તેમની વાર્તામાં જડાઈ ગઈ. આ વાર્તા ‘અ સ્ટ્રૅન્જ ટેલ ફ્રૉમ ઈસ્ટ ઑવ્ ધ રિવર’ (1937) નામે પ્રગટ થઈ છે. કાફૂની બધી જ લાગણીઓ ભૂતકાળની સ્મૃતિઓના સહારે, પશ્ચાત્તાપના ભાવ સાથે આ કૃતિમાં સંઘરાયેલી પડી છે.

કાફૂને જાપાનના ગદ્યકવિ કહેવામાં આવે છે. ભૂતકાળને વર્તમાન કરતાં સારો ચીતરવાનો તેમનો ઇરાદો નથી. તેમની કથાઓમાં ઉદાસીનતા, ભૂતકાળની સ્મૃતિઓ અને લાગણીશીલ જીવનની કથની મુખ્ય છે. કાફૂને નિરાશાવાદી નહિ, પણ દર્દમંદ લેખક જરૂર ગણી શકાય.

પંકજ જ. સોની