નાગરાજ્યો : ભારતમાંનાં નાગવંશના રાજાનાં રાજ્યો. નાગ લોકો ભારતના વિભિન્ન પ્રદેશોમાં ફેલાયેલા હતા એની પુષ્ટિ સાહિત્યિક, આભિલેખિક અને સિક્કાશાસ્ત્રનાં પ્રમાણોથી થાય છે. પુરાણો અનુસાર વિદિશા, કાંતિપુરી, મથુરા અને પદ્માવતી નાગોની શક્તિનાં કેન્દ્રો હતાં. વિદિશાના નાગવંશી શાસકોમાં શીશ, ભોગિન અને સદાચંદ્ર ચંદ્રાંશ જેવા રાજાઓ થયા હતા. અભિલેખોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહારાજ ભવનાગ રુદ્રસેન 1લાના દાદા હતા, જેનો પૌત્ર ચંદ્રગુપ્ત 2જાનો સમકાલીન હતો. પદ્માવતીમાંથી કેટલાક સિક્કા મળ્યા છે જેના ઉપર ‘ભવનાગ’ નામ અંકિત કરેલું છે. અલ્લાહાબાદ શિલાસ્તંભલેખમાં સમુદ્રગુપ્તે ગણપતિનાગ અને નાગસેન – એ બે નાગવંશી રાજાઓને નષ્ટ કર્યાનો ઉલ્લેખ છે; પરંતુ સમુદ્રગુપ્તે પોતાના પુત્ર ચંદ્રગુપ્ત 2જાનો વિવાહ નાગ રાજકુમારી કુબેરનાગા સાથે કર્યો હતો. મહારાજા ગણેન્દ્ર કે ગણપ, જેના સિક્કા પદ્માવતી, મથુરા અને વિદિશામાંથી મળ્યા છે તે સંભવત: ગણપતિનાગ હતો; જેનો ઉલ્લેખ અલ્લાહાબાદ સ્તંભલેખમાં કરાયો છે. પુરાણોમાં પદ્માવતીના નવ રાજાઓનો ઉલ્લેખ છે; જેમાં ભીમનાગ, સ્કંદનાગ, બૃહસ્પતિનાગ, દેવનાગ અને વિભાનાગનો સમાવેશ થાય છે. મથુરામાં સાત નાગ-રાજાઓ થયા હોવાનો ઉલ્લેખ છે. ભારશિવ કુલના શૈવ રાજાઓ નાગજાતિના હતા. એમણે પોતાની સત્તા ગંગાપ્રદેશ પર પ્રસારી અને દસ અશ્વમેધ યજ્ઞ કર્યા.
નાગસેન ચંપાવતી અને મથુરામાં રાજ્ય કરતો હતો. બાણના ‘હર્ષચરિત’માં નાગવંશીય રાજા નાગસેનનો પદ્માવતીમાં અંત આવ્યો હોવાનો ઉલ્લેખ છે. ગણપતિનાગના સિક્કા મથુરા અને વિદિશામાં પ્રાપ્ત થયા છે. નંદિ સંભવત: નાગરાજકુમાર હતો. પુરાણોમાં શિશુનંદિ અને નંદિયશસને મધ્ય ભારતનાં નાગકુલો સાથે સાંકળ્યા છે.
મહાભારતમાં ઇન્દ્રપ્રસ્થના પાંડવો અને ઉત્તરના તક્ષકો વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ છે. નાગરાજ તક્ષકે પરીક્ષિત 2જાને માર્યો અને પરીક્ષિતના પુત્ર જનમેજય 3જાએ તક્ષકોને હરાવ્યા અને શાંતિ સ્થાપી. તક્ષકના વંશજ ટક્ક, ટાક કે ટાંક કહેવાય છે. મથુરા, ગ્વાલિયર, પદ્માવતી, માલવા અને મધ્યપ્રદેશમાં એમનું રાજ્ય હતું. કોટાના શેરગઢના સં. 847 (ઈ. સ. 790)ના શિલાલેખમાં નાગ વંશનું રાજ્ય ત્યાં હોવાનું જણાવાયું છે. નાગ વંશની સિંદ શાખાનું રાજ્ય દક્ષિણમાં ઘણે સ્થળે હતું. શક 955(ઈ. સ. 1033)ના એક તામ્રપત્રમાં આ શાખાના રાજા પુલકાલના ધ્વજ ઉપર નાગનું ચિહન હોવાનું જણાય છે.
ભારતી શેલત