નાગરાજ, ડી. આર. (જ. 1954, ડોડ્ડાબેલ્લાપુર, કર્ણાટક; અ. 1998) : કન્નડ સાહિત્યકાર, નિબંધકાર અને વિવેચક. શિક્ષણ બગાલુરુ વિશ્વવિદ્યાલયમાં, જ્યાંથી કન્નડ મુખ્ય વિષય સાથે એમ.એ. તથા પીએચ.ડી.ની ઉપાધિઓ પ્રાપ્ત કરી. તે જ યુનિવર્સિટીમાં નાટકવિભાગના કૈલાસમપીઠના મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા.

ત્યારપછી તેમના નિધન સુધી સાહિત્ય અકાદમીના બૅંગાલુરુ કેન્દ્રના નિર્દેશક હતા. શિકાગો યુનિવર્સિટીના સાઉથ એશિયન લૅંગ્વેજિઝ ઍન્ડ સિવિલાઇઝેશન્સ વિભાગમાં મુલાકાતી પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. ઍમ્સટર્ડૅમ, ટૂરિન, હાઇડલબર્ગ, રિયો-ડી-જાનેરો, આયોવા અને લંડન યુનિવર્સિટીમાં તેઓ અતિથિ-ફેલો પણ હતા. આર્યભટ્ટ સાહિત્યિક પુરસ્કાર, શિવરામ કારંત પુરસ્કાર અને વર્ધમાન સાહિત્ય-પુરસ્કાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કન્નડમાં એમની સાત અને અંગ્રેજીમાં ત્રણ કૃતિઓ પ્રકાશિત પણ થઈ છે. એમણે ત્રણ કન્નનડ અને બે અંગ્રેજી સંકલનોનું સંપાદન પણ કર્યું છે.

ડી. આર. નાગરાજ

‘સાહિત્ય-કથન’ નિબંધસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1999નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સાહિત્યિક અને સાંસ્કૃતિક વિષયોને વણી લેતો આ નિબંધસંગ્રહ છે. કર્ણાટકના સાંસ્કૃતિક ઇતિહાસમાં અવગાહન કરાવતા આ નિબંધો નાગરાજની સંસ્કૃતિ પ્રત્યેની સંવેદના પ્રગટ કરે છે. એમના કેટલાક નિબંધોમાં કન્નડ સાહિત્યની ઉપલબ્ધિ અને સમસ્યાઓનું ઊંડું અધ્યયન દેખાય છે. ચિરંતન અને વ્યાપક મૂલ્યોની સમજણ માટે લેખકે આદરેલી શોધની અભિવ્યક્તિ રૂપે આ નિબંધોનું મહત્ત્વ છે.

વિ. પ્ર. ત્રિવેદી