નાગરિક અધિકારો : નાગરિકને તેના સર્વાંગી વિકાસ માટે સભ્ય સમાજ દ્વારા અપાતું વૈચારિક સાધન. નાગરિકત્વ સમાજ અને રાજ્યના સભ્ય તરીકે પ્રાપ્ત થયેલો અધિકાર છે. સમાજના અન્ય ઘટકો સાથે ઘર્ષણ નિવારી સંવાદ સાધવો તેમજ પ્રત્યેક નાગરિકને વ્યક્તિત્વના પૂર્ણ વિકાસની તક આપવી તે નાગરિક જીવનની પાયાની જરૂરિયાત છે. તે આ અધિકારો દ્વારા સિદ્ધ થઈ શકે છે. નાગરિક અધિકારો વ્યક્તિના જીવનના વિકાસની પાયાની જરૂરિયાત હોવાથી તેને મૂળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે.

અધિકારો એ એવી તકો હોય છે જેની સાથે અનિવાર્યપણે ફરજો પણ જોડાયેલી હોય છે. અધિકારો અને ફરજોનું સહઅસ્તિત્વ સંસ્કારી સમાજમાં જ સંભવે છે. નાગરિક અધિકારોથી મળતી સ્વતંત્રતામાં સ્વચ્છંદતાને સ્થાન હોઈ શકે નહિ. નાગરિક અધિકારો ઇચ્છાનુસાર વર્તનની સ્વતંત્રતા પૂરી પાડે છે, પરંતુ તે સમાજ અને રાજ્યના માળખામાં રહીને જ ભોગવવાની હોય છે. મતલબ કે મૂળભૂત સામાજિક-રાજકીય માળખાની મર્યાદાનો સ્વીકાર અધિકારોમાં અભિપ્રેત છે. સામાજિક કે રાજકીય માળખામાં વિકૃતિ ઊભી થાય તે રીતે અધિકારોનો ઉપયોગ કરી શકાય નહિ.

અધિકારોના મુખ્ય બે પ્રકાર છે : (1) નૈતિક અધિકારો, અને (2) કાનૂની અધિકારો. કાનૂની અધિકારોના બે પેટાપ્રકાર છે : (1) નાગરિક અધિકારો અને (2) રાજકીય અધિકારો. નૈતિક અધિકારોને નીતિમત્તાનું પીઠબળ હોય છે. નૈતિક અમલ માટે અદાલતની મદદ લઈ શકાતી નથી. કાનૂની અધિકારો કાયદાથી સર્જાય છે અને રાજ્યની સાર્વભૌમ સત્તાનું પીઠબળ ધરાવે છે તેથી તેનું પાલન કરાવવામાં સરકારી તંત્ર, વિશેષે કરીને અદાલતો મદદરૂપ થાય છે અને તેનો ભંગ શિક્ષાપાત્ર ગણવામાં આવે છે. આવા કાનૂની અધિકારોનો એક પેટાપ્રકાર તે નાગરિક અધિકારો. સર્વાંગી વિકાસ પ્રત્યેક નાગરિકનું લક્ષ્ય હોય છે. બધાં જ સભ્ય અને લોકશાહી રાજ્યો પોતાના નાગરિકોને અમુક અધિકારો આપે છે. આવા અધિકારો સ્પષ્ટ અને સર્વગ્રાહી બને તે માટે તેનો સમાવેશ જે તે દેશોના બંધારણમાં કરવામાં આવે છે. સામાન્યતયા લિંગ, જાતિ કે ધર્મના ભેદભાવ વિના આવા અધિકારો નાગરિકને પ્રાપ્ય હોય છે.

નાગરિક અધિકારોમાં મુખ્યત્વે નીચેના અધિકારો છે : (1) જીવન જીવવાનો અધિકાર, (2) સ્વતંત્રતાના અધિકારો અને (3) સમાનતાનો અધિકાર.

(1) જીવન જીવવાનો અધિકાર : જીવન જીવવાનો અધિકાર સહજ રીતે જ ટોચનો અધિકાર છે. જીવન થકી જ પ્રવૃત્તિ શક્ય બને છે. આ અધિકારને કારણે નાગરિકને યથેચ્છ પ્રવૃત્તિની તક સાંપડે છે. ઉપરાંત રાજ્ય પણ વ્યક્તિના જીવનને રક્ષણ પૂરું પાડવાની જવાબદારી સ્વીકારે છે, જેથી નાગરિકોના જીવનની સલામતીની ખાતરી ઊભી થાય અને તેઓ પ્રવૃત્તિ કરી શકે. નકારાત્મક રીતે વિચારીએ તો આ અધિકાર વ્યક્તિને આત્મહત્યા કરવાની બંધી ફરમાવે છે. આથી, આ અધિકારની રૂએ જીવલેણ હુમલો ગુનો બને છે. આમ આ અધિકાર નાગરિકને સુરક્ષિત જીવનની બાંયધરી આપે છે.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં રાજ્ય દ્વારા અપાતી ફાંસીની સજા આ અધિકાર હેઠળનું રાજ્યનું ગુનાહિત કૃત્ય છે એવી એક વિચારસરણી આગળ ધરવામાં આવી છે. જે રાજ્ય નાગરિકના જીવનના રક્ષણ માટે સર્જાયું છે તે જ રાજ્ય મારફત ફાંસીની સજા નાગરિકના જીવનનો અંત લાવે તે એક આત્યંતિક કૃત્ય ગણાય. આ વિચારસરણીથી પ્રભાવિત થયેલાં યુરોપનાં સ્વીડન જેવાં કેટલાંક રાજ્યોએ ફાંસીની સજા નાબૂદ કરી છે.

તાજેતરનાં વર્ષોમાં બીજી એક અદ્યતન ચર્ચા પણ આ અધિકાર અંગે ઉદભવી છે. જીવન જીવવાના અધિકારની રૂએ ‘દયામૃત્યુ’(mercy killing)નું સ્થાન શું ? દયામૃત્યુની તરફેણ અને વિરુદ્વમાં અનેક દલીલો થાય છે, વિશેષે કરીને દાક્તરી વિદ્યાના નિષ્ણાતો દયામૃત્યુની દલીલોની ઉલઝનમાં રોકાયેલા હોઈ હજુ સુધી કોઈ સ્પષ્ટ અભિપ્રાય પર પહોંચ્યા નથી. એ જ રીતે રાહતમૃત્યુ (euthanasia)નો અધિકાર હોવો જોઈએ કે કેમ તે વિવાદાસ્પદ હોવા છતાં બેલ્જિયમ અને ન્યૂઝીલૅન્ડ જેવા દેશોએ રાહતમૃત્યુના અધિકારને માન્ય રાખ્યો છે.

(2) સ્વતંત્રતાના અધિકારો : સ્વતંત્રતા શા માટે ? સ્વતંત્રતાના અધિકાર પાછળ રહેલી મૂળભૂત વિભાવનામાં બે બાબતો રહેલી છે. એક, પ્રત્યેક વ્યક્તિ સમાજના હિતમાં પોતાનો ફાળો આપવા જેવું કશુંક ‘સત્વ’ ધરાવે છે. વ્યક્તિમાં નિહિત આ સત્વ ક્યારે, કયા સ્વરૂપે અભિવ્યક્ત થશે તે ખુદ વ્યક્તિ પણ જાણતી હોતી નથી. આથી વ્યક્તિના આંતરસત્વને અભિવ્યક્ત થવા દેવા માટે નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર મળે છે. બીજું, વ્યક્તિના વિકાસ થકી જ રાષ્ટ્ર વિકસે છે. વ્યક્તિના વિકાસની આવી તક સ્વતંત્રતા હેઠળ રાજ્ય તરફથી દરેક નાગરિકને મળે છે. કોઈ પણ નવો વિચાર કે શોધ સૌપ્રથમ તો વ્યક્તિના પ્રયાસો તરીકે જ હાથ ધરવામાં આવે છે. આથી પ્રત્યેક વ્યક્તિને વિકાસની તક પૂરી પાડવી એવો એક મૂળભૂત આશય સ્વતંત્રતાના અધિકારમાં સમાયેલો હોય છે. સ્વતંત્રતા અંગેની આ બંને મૂળભૂત વિભાવનાને સમજીએ તો એથી પેદા થતા અધિકારોની સમજ સ્વયંસ્પષ્ટ બને તેમ છે. સ્વતંત્રતાના અધિકાર હેઠળ વાણી, અભિવ્યક્તિ અને લેખન-પ્રકાશનનું સ્વાતંત્ર્ય; મુક્ત રીતે હરવાફરવાનું સ્વાતંત્ર્ય; કામ કરવાનું સ્વાતંત્ર્ય; મિલકતનું સ્વાતંત્ર્ય તથા ધાર્મિક સ્વાતંત્ર્યનો સમાવેશ થાય છે. વાસ્તવમાં સ્વતંત્રતાના અધિકારોનું એક આખું જૂથ છે જે દ્વારા સમાજની પ્રત્યેક વ્યક્તિને વિકાસ માટે વ્યાપક ક્ષેત્ર ઉપલબ્ધ થાય છે.

સ્વતંત્રતાના અધિકારોમાં વાણીસ્વાતંત્ર્યનો અધિકાર સર્વોચ્ચ સ્થાને છે. વાણી અભિવ્યક્તિનું પ્રાથમિક સાધન છે. વાચા દ્વારા માનવ પોતાના વિચારોથી માંડીને જરૂરિયાતો, અભિપ્રાયો, મતભેદો અને ફરિયાદો વ્યક્ત કરે છે. લોકશાહીમાં અભિપ્રાયોની રજૂઆત ને ચર્ચાવિચારણા દ્વારા નિર્ણયની પ્રક્રિયા ચાલે છે. વિચારોની મુક્ત અભિવ્યક્તિ અને ચર્ચા, અંતિમ નિર્ણયમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. વાણીસ્વાતંત્ર્ય વિના લોકશાહી સમાજ બંધિયાર બની જાય. તેની ગેરહાજરીમાં સામાજિક અને રાજકીય પ્રગતિ થઈ શકે નહિ. આમ વાણીસ્વાતંત્ર્ય એક મહત્ત્વનો અધિકાર છે. વાણીસ્વાતંત્ર્ય સાથે સંલગ્ન બાબતો છે અભિવ્યક્તિ તેમજ લેખન-પ્રકાશનનું સ્વાતંત્ર્ય. સાધન તરીકે વાણી અલ્પજીવી ગણાતી હતી. દૂરના વિસ્તારોમાં વાણીને પહોંચાડવાનું કામ ઓગણીસમી અને વીસમી સદીના પૂર્વાર્ધ સુધી લગભગ અશક્ય ગણાતું. આથી માહિતી અને વિચારોની આપ-લેના સાધન તરીકે અભિવ્યક્તિ અને લેખન-પ્રકાશનનું સ્વાતંત્ર્ય અનિવાર્ય ગણાતું હતું. વીસમી સદીના ઉત્તરાર્ધમાં દૂરદર્શનથી માંડીને ઇન્ટરનેટ સુધીનાં માધ્યમો સુલભ બન્યાં છે. તેની દ્વારા વિચારોનો, અભિપ્રાયોનો વિસ્તાર કરી શકાય છે. એથી એકવીસમી સદીની શરૂઆતથી જ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય મોટો વ્યાપ ધરાવતું સશક્ત સાધન બની રહેશે એવાં એંધાણ સ્પષ્ટ રીતે દેખાય છે. એ જ રીતે, વિચાર, વાણી કે અભિપ્રાયને લેખિત સ્વરૂપે મૂકવાથી તેનો પ્રસાર વ્યાપક બનીને અંતે તે જ્ઞાનસંચયમાં પરિણમે છે. આ સંદર્ભમાં વાણી, અભિવ્યક્તિ અને લેખન-પ્રકાશનનું સ્વાતંત્ર્ય માનવવિકાસ માટેની પાયાની શરત બની છે.

મુક્ત રીતે હરવાફરવાનું સ્વાતંત્ર્ય ઉપર દર્શાવેલી સ્વતંત્રતાની મૂળભૂત વિભાવનાને પોષક છે. તે અનુભવનું ભાથું પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે. એ જ રીતે આજીવિકા માટે કામ કરવાનો અધિકાર અને મિલકત ધરાવવાનો અધિકાર પણ સ્વયંસ્પષ્ટ છે. મિલકત નાગરિક જીવનને એક પ્રકારની આર્થિક સુખાકારી અને સલામતી પૂરી પાડે છે અને એકંદરે તંદુરસ્ત સમાજરચનામાં તે મદદરૂપ બને છે.

સ્વતંત્રતાના અધિકારનું એક અન્ય પાસું ધાર્મિક સ્વતંત્રતાનું છે. વ્યક્તિ જીવનમાં કોઈ ને કોઈ આધ્યાત્મિક કે માનસિક આધાર ઇચ્છે છે. ધર્મ વ્યક્તિને આવો માનસિક આધાર પૂરો પાડે છે અને તેથી ધાર્મિક સ્વાતંત્ર્ય ધર્મનિરપેક્ષ રાજ્યમાં મહત્ત્વનો નાગરિક અધિકાર બની રહે છે.

(3) સમાનતાનો અધિકાર : નાગરિક અધિકારોમાં આ ત્રીજે સ્થાને આવે છે. વિધેયાત્મક અર્થમાં સમાનતા એટલે સમાન તક અને કાયદાથી સૌને સમાન રક્ષણ મેળવવાનો હક. બીજી રીતે કહીએ તો જન્મ, રંગ, લિંગ, જાતિ કે ધર્મ પરત્વે ભેદભાવોની નાબૂદી. આ બંને અર્થને સામાજિક સમાનતાના ખ્યાલ તરીકે પણ ઓળખી શકાય. કાયદાની નજરે અને રાજકીય રીતે પ્રત્યેક નાગરિક સમાન છે : આ વિભાવના સમાનતાના અધિકાર સાથે સંકળાયેલી છે.

સમાજવાદ અને સામ્યવાદી વિચારધારાતરફી ઝોક ધરાવતા વિચારકો અને દેશો નાગરિક સમાનતાના આ અર્થને સીમિત ગણી માન્ય રાખતા નથી. તેમના મતે આર્થિક સમાનતા વિનાની અન્ય સમાનતા અધૂરી છે, તેમજ આર્થિક સમાનતા વિનાની સ્વતંત્રતા માત્ર શોભાની સ્વતંત્રતા બની રહે. તેમના મતે કમ સે કમ પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એટલી આમદાની નાગરિકને સુલભ હોવી જોઈએ. એમ બને તો જ નાગરિકને આપવામાં આવેલા સ્વતંત્રતાના અધિકારો અર્થપૂર્ણ બની રહે. નાગરિક અધિકારો ઉપરાંત નાગરિકોને રાજકીય અધિકારો પણ પ્રાપ્ત થાય છે. પરંતુ તે માટે નાગરિક અધિકૃત રીતે કોઈ એક રાજ્યનું સભ્યપદ ધરાવતો હોય તે જરૂરી છે. માત્ર લોકશાહી દેશોમાં કાયદેસરના નાગરિકો રાજકીય અધિકારો ભોગવી શકે છે.

રક્ષા મ. વ્યાસ