નાગભટ 1લો (આઠમી સદી) : આઠમી સદીમાં સિંધમાં આરબોનું આક્રમણ ખાળી તેમને હરાવનાર પ્રતિહારવંશી પ્રથમ રાજવી. નાગભટ પહેલાના પૂર્વજો પૂર્વ રાજસ્થાન અને માળવાના શાસકો હતા અને જોધપુરના પ્રતિહારોનું તેમણે સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું. નાગભટ્ટ 730 આસપાસ ગાદીએ બેઠો હતો. તેણે જુનૈદ કે તેના અનુગામી તમીનના આક્રમણને ખાળીને પશ્ચિમ ભારતને આરબોના ત્રાસથી બચાવ્યું હતું. આ કારણે તેની કીર્તિમાં વધારો થયો અને તે રાષ્ટ્રીય વીર બની ગયો. આરબોએ હરાવેલાં સંખ્યાબંધ રાજ્યોએ તેની સત્તા સ્વીકારી હતી. નાંદીપુર અને જોધપુરના કંઈક અંશે નિર્બળ પ્રતિહાર રાજવીઓએ પણ તેનું આધિપત્ય માન્ય રાખ્યું હતું. તેનું રાજ્ય મારવાડથી ભરૂચ અને માળવા સુધી ફેલાયેલું હતું. ઉજ્જયિની તેની રાજધાની હતી. આ કાળે માળવાની દક્ષિણે દખ્ખણમાં રાષ્ટ્રકૂટ વંશના રાજા દંતીદુર્ગે ગુર્જરરાજને હરાવ્યો તે નાગભટ પહેલો હતો. નાગભટ પહેલો પરાક્રમી રાજવી હતો. ગ્વાલિયરના અભિલેખમાં તેને નારાયણની પ્રતિમા તરીકે વર્ણવ્યો છે. નાગભટ પહેલાનું 756માં મૃત્યુ થયું હતું.
શિવપ્રસાદ રાજગોર