નાગફણી : એકદળી વર્ગમાં આવેલ હીમોડોરેસી કુળની વનસ્પતિ. તે બહુવર્ષાયુ શાકીય, 60 સેમી. થી 80 સેમી. ઊંચો શોભાનો છોડ છે. એને ગુજરાતીમાં નાગફણી કહે છે. તેની ત્રણ જાતો મુખ્ય છે : (1) Sansevieria zeylanica Roxb. તેનાં પર્ણો તલવાર જેવાં 60થી 80 સેમી. લાંબાં તથા 5થી 7 સેમી. પહોળાં અને લીલા રંગનાં તથા વચમાં ઘાટા લીલા રંગનાં ધાબાં-ટપકાંવાળાં શોભાયમાન હોય છે. (2) S. zeylanica Var. laurentii : ઉપર પ્રમાણે પણ પર્ણકિનારી પીળી હોય છે. તેથી તેની સુંદરતા વધી જાય છે. (3) S. cylindrica : પહેલી જાત જેવી, પણ તેનાં પર્ણો લાકડીની માફક ગોળ અને અણીદાર થાય છે.

બધી જ જાતો ખૂબ ઓછી દરકારથી સહેલાઈથી થઈ શકે છે. જમીનમાં કંદ વધીને તેમાંથી નવા નવા છોડ થાય છે. આ કંદને છૂટા કરીને વંશવૃદ્વિ થઈ શકે છે. આને પાણી પણ ઓછું જોઈએ છે. કૂંડામાં, રૉકરીમાં, બગીચાની કિનારીએ વગેરે સ્થળે રોપી શકાય છે. તડકામાં તેમજ છાંયામાં પણ તે થઈ શકે છે. તડકામાં તેને લાંબી દાંડી પર આછા પીળા રંગનાં ફૂલ આવે છે; ક્યારેક તે કટ ફલાવર તરીકે પણ વપરાય છે. તેના રેસામાંથી ધનુષ્યની દોરી, દોરડાં અને સાદડીઓ બનાવાય છે. તેની ગાંઠામૂળી (rhizome) શ્લેષ્મી હોય છે. તેનો અવલેહ- (electuary)ના સ્વરૂપમાં કફમાં ઉપયોગ થાય છે. કુમળા પ્રરોહનો રસ બાળકોના ગળામાંથી કફ કાઢવા વપરાય છે.

મ. ઝ. શાહ