નાગભટ 2જો (નવમી સદી) : નાગભટ બીજો નાગભટ પહેલાના પૌત્ર વત્સરાજનો પુત્ર હતો. નાગભટ બીજાએ પાલવંશના ધર્મપાલના આશ્રિત ચક્રાયુધને હરાવ્યો હતો અને તેણે તેની રાજધાની ઉજ્જયિનીથી કનોજ ખસેડી હતી. આથી પાલ રાજા ધર્મપાલ અને નાગભટ બીજા વચ્ચે સર્વોપરીતા માટે મોંઘીર (બિહાર) નજીક યુદ્ધ થયું હતું અને તેમાં વંગ કે બંગાળના રાજા ધર્મપાલની હાર થઈ હતી. આ યુદ્ધમાં જોધપુરનો પ્રતિહાર રાજા કફક, દક્ષિણ સૌરાષ્ટ્રનો રાજા બાહુકધવલ અને ગુહિલોત રાજા શંકરગણે નાગભટને સાથ આપ્યો હતો. ગ્વાલિયરના લેખ પ્રમાણે વંગરાજ ધર્મપાલના લશ્કરમાં અનેક હાથીઓ, ઘોડાઓ અને રથો હતા.

છતાં પણ તે હાર્યો હતો. ગ્વાલિયરના અભિલેખ પ્રમાણે તેણે આંધ્ર, સૈન્ધવ (પશ્ચિમ સૌરાષ્ટ્ર), વિદર્ભ, કલિંગ અને વંગ કે બંગાળના રાજાઓને જીતી લીધા હતા અને આનર્ત, માલવ, કિરાત, તુરુષ્ક, વત્સ અને મત્સ્યના ગિરિદુર્ગો જીતી લીધા હતા. તુરુષ્ક એ આરબો હોવાનો સંભવ છે. દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને પૂર્વમાં માળવા જીતતાં રાષ્ટ્રકૂટ રાજ્ય સાથે ઘર્ષણના પ્રસંગો બન્યા હશે. લાટના રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રે પ્રતિહાર રાજાને હરાવ્યો હતો અને તે દૂર નાસી ગયો એવો ઉલ્લેખ નાગભટ બીજાને લગતો છે. આ હારથી ધર્મપાલ અને દેવપાલે તક જોઈને કનોજ ઉપર આક્રમણ કરી ઇન્દ્રાયુધને હરાવ્યો હતો અને કનોજ કબજે કર્યું હતું. આ બનાવ રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ ત્રીજાના સમયનો (ઈ. સ. 809–810) છે. ગોવિંદે નાગભટ બીજાને હાર આપી હતી. નાગભટ બીજાને સામ્રાજ્ય સ્થાપવામાં નિષ્ફળતા મળી હતી. ઈ. સ. 815ના જોધપુરના બિલડા જિલ્લાના બુચકલા ગામેથી મળેલ લેખમાં તેનાં બધાં બિરુદોનો ઉલ્લેખ છે અને આ પ્રદેશનો સ્વવિષય તરીકે ઉલ્લેખ થયો છે. આમ તેની સત્તા રાજસ્થાન અને સૌરાષ્ટ્ર ઉપર અકબંધ રહી હતી. તે ભગવતીનો ઉપાસક હતો. તેનો જૈનોએ ‘આમરાજા’ તરીકે ઉલ્લેખ કર્યો છે. ધર્મારણ્ય ખંડ પ્રમાણે તેણે મોઢ બ્રાહ્મણોનો ઉત્તર ગુજરાતનો ગરાસ ઝૂંટવી લીધો હતો પણ પાછળથી તે ગરાસ પાછો આપ્યો હતો. તેણે સમગ્ર ઉત્તર ભારતના રાજાઓને હરાવ્યા તે તેનું લશ્કરી સામર્થ્ય અને કુશળતા સૂચવે છે. તેણે વેદમાં જણાવેલાં ધાર્મિક કાર્યો, યજ્ઞો વગેરે કર્યાં હતાં. ગંગામાં જલસમાધિ લઈને ઈ. સ. 833માં તે મૃત્યુ પામ્યો હતો.

શિવપ્રસાદ રાજગોર