નાગનિકા : સાતવાહન વંશના પ્રતાપી રાજા શાતકર્ણિની રાણી. પુણે જિલ્લામાં આવેલ નાનાઘાટમાં આ રાજા-રાણીના દેહની પ્રતિકૃતિઓ કંડારવામાં આવેલી. તે હાલ સદંતર લુપ્ત થઈ ગઈ છે. તે પ્રતિકૃતિઓનાં મસ્તક ઉપર ‘દેવી નાગનિકા’ અને ‘રાજા શ્રીશાતકર્ણિ’નાં નામ કંડારેલાં છે. નાનાઘાટની ગુફાની દીવાલો ઉપર પ્રાકૃત ભાષામાં લખેલો એક લાંબો લેખ કોતરેલો છે. એમાં જણાવ્યા મુજબ નાગનિકા અંગિક કુલના એક મહારઠિની પુત્રી હતી. ગુફામાં નાગનિકાના પિતાનીય પ્રતિકૃતિ કંડારાઈ હતી. એના મસ્તક ઉપર ‘મહારઠિ ત્રાણક આર્ય’ એવું એનું નામ કોતરેલું છે. આ મહારઠિ કુલ સાથેના વૈવાહિક સંબંધ પછી રાજા શાતકર્ણિ સમસ્ત દક્ષિણાપથનો સ્વામી થયો હોવાનું માલૂમ પડે છે. નાગનિકાનું મૂળ નામ ‘નાગા’ હશે; દક્ષિણ ભારતના આરંભિક અભિલેખોમાં સ્ત્રીઓના નામના અંતે ‘અનિકા’ શબ્દ ઉમેરાતો. નાગનિકાને બે પુત્ર હતા – સ્કન્દશ્રી અને શક્તિશ્રી. રાણી નાગનિકા તથા રાજા શાતકર્ણિએ અનેકવિધ મહાયજ્ઞ કર્યા હતા (જેમ કે, અગ્ન્યાધેય, રાજસૂય, અશ્વમેધ, સપ્તદશાતિરાત્ર, ગર્ગાતિરાત્ર, શતાતિરાત્ર અને આંગિરસાતિરાત્ર) ને એ યજ્ઞપ્રસંગોએ અનેકાનેક ગાયો, અશ્વો, હાથીઓ, ગામો, કાર્ષાપણો, અલંકારો ઇત્યાદિની દક્ષિણા દીધી હતી. રાજા શાતકર્ણિએ થોડાં જ વર્ષ (પ્રાય: ઈ. સ. પૂ. 27થી 17) રાજ્ય કરેલું. એની હયાતી બાદ રાજપુત્ર સ્કન્દશ્રી તથા શક્તિશ્રીના વાલી તરીકે રાજસત્તાનાં સૂત્રો રાજમાતા નાગનિકાએ સંભાળેલાં. આમાંનો શક્તિશ્રી તે જૈન સાહિત્યમાં જણાવેલો શક્તિકુમાર હોવાનું માલૂમ પડે છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી