નાગપટ્ટીનમ્ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના પૂર્વે કિનારે આવેલ જિલ્લો, જિલ્લામથક અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : 10° 46´  ઉ. અ. અને 79° 50´ પૂ. રે. પર આ શહેર આવેલું છે. તે બંગાળના ઉપસાગર પર કુડ્ડવાયર નદીના મુખ પર વસેલું છે. આ જિલ્લો બે વિભાગમાં વહેંચાયેલો છે. આ જિલ્લાની ઉત્તરે કડલોર, પૂર્વ બંગાળની ખાડી, જિલ્લાની મધ્યમાં પુદુચેરી, પશ્ચિમે તિરુવરુર જિલ્લો તથા વાયવ્યમાં તાંજોર જિલ્લો આવેલાં છે. તે ચેન્નાઈ(મદ્રાસ)થી દક્ષિણે 266 કિમી., કડ્ડલોરથી 112 કિમી. અને પુદુચેરી તથા કારીકલથી થોડા જ કિમી.ને અંતરે આવેલું છે. 1994માં આ જિલ્લો નાગપટ્ટીનમ્ ક્વેઇડ-ઈ-મિલ્લેથ તરીકે ઓળખાતો હતો. તાંજોર જિલ્લામાંથી તે અલગ થયેલો છે. તેની સાથેનો ક્વેઇડ-ઈ-મિલ્લેથ વિસ્તાર જે અગાઉ ડિંડિગલ સાથે હતો તે બંને ભાગોને જોડીને નવો અલગ જિલ્લો બનાવાયો છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 2417 ચોકિમી. છે. 2011માં તેની વસ્તી 16,14,069 હતી.

આ જિલ્લાનો પશ્ચિમ તરફનો પૂર્વ ઘાટવાળો ભાગ ડુંગરાળ છે, પરંતુ કિનારાનું મેદાન સપાટ છે. આ જિલ્લો ઉષ્ણકટિબંધમાં દરિયાકિનારે આવેલો હોવાથી તેની આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. અહીં ઉનાળા અને શિયાળામાં ગરમી-ઠંડીનું પ્રમાણ માફકસરનું રહે છે. વધુમાં વધુ તાપમાન 29° સે. અને લઘુતમ તાપમાન 25° સે. જેટલું રહે છે. ઉનાળા અને શિયાળાના દિવસ-રાત્રિના તાપમાનમાં માત્ર લગભગ 4° થી 5° સે. જેટલો જ તફાવત રહે છે. નૈર્ઋત્યકોણી અને ઈશાનકોણી મોસમી પવનો જૂનથી માંડીને જાન્યુઆરી સુધીમાં 900થી 1000 મિમી. જેટલો વરસાદ આપે છે. શિયાળા કરતાં ઉનાળામાં વધારે વરસાદ પડે છે. ઈશાની પવનો બંગાળના ઉપસાગર પરથી વાતા હોવાથી શિયાળામાં વરસાદ આપે છે. ક્યારેક આ વિસ્તાર વાવાઝોડાનો ભોગ પણ બને છે. 2004માં આવેલા ત્સુનામીને કારણે અહીં જાનમાલનું નુકસાન થયું હતું.

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પશુઓમાં ગાય, બળદ, બકરાં મુખ્ય છે. દરિયાકિનારે તાડ અને નારિયેળીનાં વૃક્ષો આવેલાં છે. જિલ્લાના મેદાની વિસ્તારમાં ડાંગર, જુવાર, રાગી, બાજરી, મકાઈ, કઠોળ, શેરડી, કપાસ, મગફળી, તલ, એરંડા, મરચાં, સૂરજમુખી, કેળાં, કેરી વગેરેના પાક થાય છે. આ જિલ્લામાં ચૂનાખડકો સિવાય અન્ય કોઈ ખનિજસંપત્તિ નથી. પશુપાલનને લીધે ડેરી-ઉદ્યોગનો વિકાસ થયેલો છે. સુતરાઉ કાપડ-ઉદ્યોગ, ચર્મ-ઉદ્યોગ, તેલમિલો, સ્ટીલ રોલિંગ મિલો, ડાંગર ભરડવાની મિલો, સિમેન્ટનું કારખાનું, ધાતુઉદ્યોગ, મચ્છીમારી તેમજ ખેતીની પેદાશો પર આધારિત ઉદ્યોગો વિકસ્યા છે. વહાણો અને સ્ટીમરોનું સમારકામ પણ અહીં થાય છે.

નાગપટ્ટીનમ્ દક્ષિણ રેલવેના નાગોર જંકશન દ્વારા જોડાયેલું છે. રેલમાર્ગ બંદર સુધી લંબાવવામાં આવ્યો છે. કુડ્ડવાયર નદીના પશ્ચિમ ભાગમાં આવેલું સાંકડું રેતીનું ભાઠું બારાનું રક્ષણ કરે છે; ભાઠું નૈર્ઋત્યના મોસમી પવનો અને દરિયાઈ પ્રવાહને કારણે ખસતું અને બદલાતું રહે છે. જૂની દીવાદાંડીથી પૂર્વ બાજુએ 2 કિમી. દૂર આવેલા લંગરસ્થાને 7થી 8 મીટર ઊંડું પાણી રહે છે. ઈશાની દરિયાઈ પ્રવાહની અસરવાળા બીજા લંગરસ્થાને 9 મીટર પાણી રહે છે. મોટી સ્ટીમરો અહીં થોભે છે અને બાર્જ દ્વારા માલ અને મુસાફરોની ચડઊતર થાય છે. દક્ષિણ તમિળનાડુના તાંજાવુર (તાંજોર), તિરુચિરાપલ્લી, સાલેમ, કોઈમ્બતૂર, મદુરાઈ અને રામનાથપુરમ્ જિલ્લાઓ તેના પીઠપ્રદેશ(hinterland)માં આવેલા છે.

નાગપટ્ટીનમ્ તમિળનાડુ રાજ્યનું ચેન્નાઈ પછીના ક્રમે ગણાતું મોટું બંદર છે. મુંબઈ, કરાંચી, કૉલકાતા, યાંગોન વગેરે બંદરો સાથે તેનો વેપાર આઝાદી પૂર્વે ચાલતો હતો. ચેન્નાઈ–મલેશિયા વચ્ચેની પેસેન્જર સ્ટીમર અગાઉ અઠવાડિયામાં એક વખત મુસાફરોને લેવા માટે અહીં થોભતી હતી. 1985–86 પછીથી મુસાફરોની આવજા બંધ છે. વીસમી સદીના પ્રારંભમાં તેનો મલાયા, શ્રીલંકા, મ્યાન્માર અને ફ્રાન્સ સાથે વેપારસંબંધ હતો. શ્રીલંકા ખાતે અનાજની, ફ્રાન્સ ખાતે મગફળીની, મલાયા અને મ્યાન્માર ખાતે સુતરાઉ અને રેશમી કાપડની તથા કમાવેલા ચામડાની નિકાસ થતી હતી. મ્યાન્માર, મલાયા, શ્રીલંકા અને બંગાળથી ચોખા, કઠોળ, સોપારી, કોથળા વગેરેની બીજા વિશ્વયુદ્વ પૂર્વે આયાત થતી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માત્ર શ્રીલંકા સાથેનો વેપાર ટકી રહ્યો હતો. શ્રીલંકા અને મલાયા અહીંથી તમાકુ, ખાંડ, કાજુ, ડુંગળી, સુતરાઉ અને રેશમી કાપડ આયાત કરતાં હતાં. ચીન, મલાયા અને મ્યાન્મારથી સોપારી, ઇમારતી લાકડું, ગુંદર, રાળ, પસ્તી, ચોખા વગેરે આયાત થતાં હતાં.

ખાતર, અનાજ વગેરેની આયાતની વધઘટને કારણે માલની હેરફેરમાં ફેરફાર થતો રહે છે. આ બંદર મેથી સપ્ટેમ્બર દરમિયાન બંધ રહે છે.

શિવપ્રસાદ રાજગોર