નાઇજિરિયા : આફ્રિકા ખંડના મધ્ય-પશ્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો દેશ. જળમાર્ગ અને સિંચાઈની સુવિધા પૂરી પાડતી નાઇજર નદી આ દેશમાંથી પસાર થતી હોવાથી તેનું નામ નાઇજિરિયા પડ્યું છે. તે લગભગ 4° 20´ ઉ. અ.થી 13° 48´ ઉ. અ. અને 2° 38´ પૂ. રે.થી 14° 38´ પૂ. રે વચ્ચે આવેલો છે. તેનો વિસ્તાર 9,23,768 ચોકિમી. જેટલો છે. આફ્રિકા ખંડમાં તે વધુમાં વધુ વસ્તી ધરાવતો દેશ ગણાય છે. તેની પશ્ચિમે બેનિન, ઉત્તરમાં અને ઈશાનમાં નાઇજર અને ચાડ, પૂર્વમાં કૅમેરૂન અને દક્ષિણે ઍટલાન્ટિક મહાસાગરનો ભાગ – ગિનીનો અખાત આવેલાં છે. અગાઉ લાગોસ તેનું પાટનગર હતું. તે આફ્રિકાના સહરા વિસ્તારના દેશોમાં મોટું શહેર ગણાય છે. આ ઉપરાંત તે એક મહત્વનું બંદર તેમજ ઔદ્યોગિક કેન્દ્ર પણ છે. હવે અબુજા તેનું પાટનગર છે. નાઇજિરિયા તેનાં ભૂપૃષ્ઠ, જમીનો, જંગલો, આબોહવા અને લોકવસ્તીની વિવિધતા ધરાવતો દેશ છે.

આફ્રિકા ખંડમાં નાઇજિરિયાનું ભૌગોલિક સ્થાન

ભૂપૃષ્ઠ, ખડકો અને જમીનો : શાખાનદી બેન્યુ સહિત પહોળા Y આકારે વહેતી નાઇજર નદી આ દેશનું મુખ્ય ભૂપૃષ્ઠ લક્ષણ બની રહ્યું છે. તે નાઇજિરિયાને ત્રણ પ્રાકૃતિક વિભાગોમાં અલગ કરે છે. બંને નદીઓથી રચાયેલા ખીણપ્રદેશો પ્રમાણમાં નીચાણવાળું ભૂમિતળ ધરાવે છે, સામાન્ય રીતે જોતાં સમુદ્રસપાટીથી આ ખીણપ્રદેશની વધુમાં વધુ ઊંચાઈ 300 મી. છે. પૂર્વમાં કૅમેરૂનની સરહદ નજીક આવેલો માઉન્ટ દિમલાંગ દેશનું ઊંચામાં ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 2,042 મી. છે. જોસ ઉચ્ચપ્રદેશના ભાગો 600 મી.થી 1,500 મી. વચ્ચેની ઊંચાઈ ધરાવે છે. કિનારાનો મેદાની પ્રદેશ, દક્ષિણમાં આવેલો નાઇજરનો ત્રિકોણપ્રદેશ, નૈર્ઋત્યમાં આવેલો ઓયો-યોરૂબાનો ઊંચાણવાળો ભૂમિપ્રદેશ, અગ્નિમાં આવેલો ઉદી ઉચ્ચપ્રદેશ, પૂર્વ સરહદ પરનો આદામાવાનો ઊંચાણવાળો ભૂમિપ્રદેશ, નાઇજરબેન્યુ નદીઓનો નીચાણવાળો ભૂમિભાગ, જોસ ઉચ્ચપ્રદેશથી આચ્છાદિત હૌસાભૂમિનો ઊંચાઈએ આવેલો મેદાની પ્રદેશ તથા છેક ઈશાનકોણમાં આવેલું ચાડ થાળું આ દેશના અગત્યના પ્રાકૃતિક ભાગો ગણાય છે.

અહીંનું મોટાભાગનું ભૂપૃષ્ઠ 60 કરોડ વર્ષ કે તેથી જૂના વયના પ્રી-કૅમ્બ્રિયન ખડકોથી બનેલું છે. આ  પૈકીના ઘણાખરા વિસ્તારો પર તેનાથી નવા વયના જળકૃત કે જ્વાળામુખી ખડકો જામેલા છે. જળકૃત કે જ્વાળામુખી ખડકવિસ્તારોની વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં પ્રી-કૅમ્બ્રિયન ખડકો સપાટી પર વિવૃત થયેલા છે ત્યાં તેમણે ઘસારાનો પ્રતિકાર કરીને વિશિષ્ટ સ્થળદૃશ્યો (inselbergs) તૈયાર કર્યાં છે. નવા વયના ખડકો નાઇજર અને બેન્યુ નદીના ખીણપ્રદેશોમાં જોવા મળે છે, જ્યારે તદ્દન નૂતન વય ધરાવતા નિક્ષેપો કિનારાને સમાંતર તેમજ નાઇજરના ત્રિકોણપ્રદેશમાં જોવા મળે છે.

ખડકોના ઘસારા અને વરસાદની ક્રિયાને આધારે અહીં વિવિધ જમીનપ્રકારો તૈયાર થયેલા છે. કિનારાપટ્ટી પર કળણભૂમિવાળી જમીનો છે. કિનારાથી અંદર ભૂમિ તરફ જતાં ઓછા સેન્દ્રિય દ્રવ્યવાળી તથા વધુ વરસાદથી થતા ધોવાણને કારણે ઓછી ફળદ્રૂપ જમીનો છે, વધુ અંદરના ભૂમિભાગોમાં જ્યાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે ત્યાં વધુ સેન્દ્રિય દ્રવ્યવાળી જમીનો જોવા મળે છે. ઉત્તર તરફ સહરામાંથી ફૂંકાઈને ઊડી આવેલી રેતીને કારણે રેતાળ જમીનો છે

આબોહવા : નાઇજિરિયાની આબોહવા મુખ્યત્વે તો તેના જુદા જુદા ભાગોના દરિયાથી અંતર પર તેમજ ગૌણ રીતે જોતાં સ્થાનોની ઊંચાઈ પર આધાર રાખે છે. આમ તો નાઇજિરિયાનો લગભગ બધો જ ભાગ અયનવૃત્ત પર આવેલો હોવાથી, તે મેથી સપ્ટેમ્બર દરમિયાન ભેજવાળો રહે છે, જ્યારે ઑક્ટોબરથી એપ્રિલ દરમિયાન સૂકો રહે છે. તાપમાનનું પ્રમાણ લગભગ આખું વર્ષ ઊંચું રહે છે. કિનારા પર વધુમાં વધુ 35° સે. જેટલું તાપમાન રહે છે અને આકાશ વાદળછાયું રહે છે; ઉત્તર તરફ જતાં તાપમાન 41° સે. જેટલું થાય છે. તાપમાનનો ગાળો ઉત્તરમાં ઓછામાં ઓછો 22° સે. જેટલો અને દક્ષિણમાં 19° સે. જેટલો રહે છે. વરસાદનું પ્રમાણ કિનારા પર 3,300 મિમી.થી માંડીને ઉત્તર સરહદ પર 650 મિમી. સુધીનું, સ્થાનભેદે જુદું જુદું રહે છે. કિનારાથી ઉત્તર તરફ જતાં વર્ષા-પ્રમાણ ઘટતું જાય છે.

જળપરિવાહ, વનસ્પતિ અને પ્રાણીજીવન : નાઇજર નદી આફ્રિકા ખંડના છેક પશ્ચિમે ગિનીના ઊંચાણવાળા ભાગમાંથી નીકળીને ઈશાન તરફ માલીમાં પ્રવેશે છે, ત્યાંથી અગ્નિદિશામાં ફંટાઈને નાઇજરમાં થઈ નાઇજિરિયામાં વહે છે અને દક્ષિણ કિનારે ગિનીના અખાતમાં તેનાં જળ ઠલવાય છે. નાઇજિરિયાના મધ્યભાગમાં તેને બેન્યુ નદી મળે છે. આ ઉપરાંત ક્રૉસ, કડુના, બોની અને સોકોટો વગેરે જેવી નાની નદીઓ પણ અહીં આવેલી છે. નાઇજિરિયાના મધ્ય વાયવ્ય ભાગમાં નાઇજર નદીપથમાં ઉત્તર-દક્ષિણ લાંબું કાઇન્જી જળાશય આવેલું છે, વળી દેશના છેક ઈશાનખૂણે ભૂમિના અંતરિયાળ ભાગમાં નાઇજર, ચાડ અને કૅમેરૂનની સરહદ પર ચાડ સરોવર આવેલું છે.

દેશમાં પ્રવર્તતી જુદી જુદી આબોહવા મુજબ અહીં કુદરતી વનસ્પતિજંગલોનું વિતરણ મુખ્ય ત્રણ વિભાગોમાં થયેલું છે : (1) ત્રિકોણપ્રદેશ અને કિનારાના ભાગમાં કળણભૂમિ સહિતનાં જંગલો ;  (2) ભેજવાળા દક્ષિણ ભાગમાં અયનવૃત્તીય વરસાદનાં જંગલો અને (3) મધ્યના ઓછા ભેજવાળા પટ્ટામાં તેમજ ઉત્તર તરફના સૂકા પ્રદેશમાં સવાના પ્રકારની વનસ્પતિ. દેશનો 35 % ભૂમિભાગ જંગલોથી છવાયેલો છે, જ્યારે 24 % ભાગ ખેતીલાયક છે. જંગલોમાં વાંદરાં, સાપ, નાના કદનાં સાબર તેમજ સવાના પ્રદેશમાં મોટા કદનાં ખરીવાળાં પ્રાણીઓ જોવા મળે છે.

ખનિજસંપત્તિ : પેટ્રોલિયમ એ નાઇજિરિયાની મુખ્ય પેદાશ ગણાય છે, તે મોટેભાગે તો ત્રિકોણપ્રદેશ તેમજ દૂરતટીય સમુદ્રતળમાંથી મેળવાય છે. થોડા પ્રમાણમાં દેશના અન્ય ભાગોમાંથી પણ તે મળે છે. આ ઉપરાંત ચૂનાખડકો, કોલસો, કોલંબાઇટ, કલાઈ અને સોનાનાં ખનિજો પણ મળે છે. કોલસાનાં ક્ષેત્રો પૂર્વમાં ઇન્યુગુની નજીક આવેલાં છે. પશ્ચિમના પ્રદેશોમાંથી કુદરતી વાયુનાં ક્ષેત્રો પણ મળ્યાં છે. થોડા પ્રમાણમાં ટેન્ટેલાઇટ અને નિયોબિયમ પણ મળે છે.

ખેતીની પેદાશો, વન્ય પેદાશો, માછીમારી : ખેતીને લાયક 24 % જમીન પૈકી માત્ર 13 % જમીન ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. ખેતી મુખ્યત્વે કાંપનાં મેદાનોમાં થાય છે. કુલ વસ્તીના 66 % લોકો ખેતીમાં રોકાયેલા છે. ખેતીનું 80 % ઉત્પાદન દેશમાં જ વપરાય છે. દક્ષિણ ભાગમાં યામ, કસાવા અને કેકાઓ; જ્યારે ઉત્તરમાં ડાંગર, મકાઈ અને બાજરીનું વાવેતર થાય છે. આ ઉપરાંત જંગલો સાફ કરીને કોકો, કેળાં, કપાસ, રબર અને મગફળીના પાકો પણ લેવાય છે. કિનારાના ભાગોમાં થતાં પામનાં વૃક્ષો અહીંની અગત્યની પેદાશ છે, જે સાબુ, મીણબત્તી અને ઊંજણ માટે વપરાય છે. વળી પામ ઑઇલનો ખોરાકની વાનગીઓમાં પણ ઉપયોગ થાય છે. પામ ઑઇલની મોટા પ્રમાણમાં નિકાસ પણ કરવામાં આવે છે. કપાસ અને મગફળી માટે સિંચાઈનો ઉપયોગ થાય છે.

વિષૃવવૃત્તીય વરસાદવાળા ભાગોમાં ગીચ જંગલો છે ત્યાં વન્ય પેદાશોમાં રબર, મેહૉગની, લૉગવૂડ જેવાં વૃક્ષો થાય છે. તે ઉપરાંત ઓબેચ અને અબુરા પણ ઊગે છે. અહીંથી વિવિધ પ્રકારનાં લાકડાં પણ મળી રહે છે. વન્ય પેદાશોનું પ્રમાણ 4 % જેટલું રહે છે. માછીમારી માટેનાં મુખ્ય કેન્દ્રોમાં ચાડ સરોવર, નાઇજરનો ત્રિકોણપ્રદેશ તેમજ દૂરતટીય દરિયાઈ ભાગોનો સમાવેશ થાય છે. મત્સ્યપેદાશની ટકાવારી 3 % જેટલી ગણાય છે.

લોકો, ભાષા અને ધર્મ : દેશની વસ્તી કુલ 10.60 કરોડ (2010) જેટલી છે. વાર્ષિક વસ્તીવૃદ્ધિનો દર લગભગ 2.8 % જેટલો રહ્યો છે. 23 % જેટલી વસ્તી શહેરી છે. લાગોસ દેશનું પાટનગર હતું. તે બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર પણ છે. દેશની મધ્યમાં આવેલા શહેર અબુજાને હવે પાટનગર તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇબાદાન, કાનો, ઇન્યુગુ, કડુના, ઓગ્બોમોશો અને પૉર્ટ હારકૉર્ટ અન્ય શહેરો છે. દેશમાં આશરે 250 જુદી જુદી જાતિના લોકો વસે છે. આ પૈકી 4 જાતિઓ મુખ્ય છે, જે દેશની કુલ વસ્તીનો 60 % ભાગ આવરી લે છે. ફુલાની અને હૌસા જાતિઓ ઉત્તરમાં તથા ઈબો અને યોરૂબા જાતિઓ અનુક્રમે અગ્નિ અને નૈર્ઋત્ય ભાગમાં રહે છે. અન્ય અગત્યના જાતિસમૂહોમાં ઈડો, ઈબિબિયો, કાનુરી, નુપે, તીવ, ચાંબા ઇકોઈ અને ઈજાવનો સમાવેશ થાય છે; આ સિવાય નાના નાના જાતિસમૂહો પણ છે.

દેશની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. તે દક્ષિણ તેમજ શહેરી વિસ્તારોને બાદ કરતાં અન્યત્ર ઓછી સમજાય છે, ઓછી ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે તો પ્રત્યેક જાતિસમૂહને પોતાની આગવી ભાષા હોય છે, તેમ છતાં પડોશી જાતિસમૂહો અરસપરસ સમજાય એવી મિશ્રભાષા પણ બોલે છે. અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. દેશના
47 % લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. તે ચૌદમી સદીમાં ઉત્તરમાંથી અહીં પ્રસાર પામેલો છે. 33 % લોકો ખિસ્તી ધર્મ પાળે છે. પરંતુ તે દક્ષિણ તરફ પળાય છે, જ્યારે બાકીના લોકો અહીંની પરંપરાગત ધાર્મિક માન્યતાઓને અનુસરે છે.

શિક્ષણ અને સ્વાસ્થ્ય : નાઇજિરિયામાં પ્રાથમિક શિક્ષણ મફત અપાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ પરંતુ શિક્ષકોની સંખ્યા મર્યાદિત હોય છે. અહીં યુનિવર્સિટીઓનું પ્રમાણ સારું છે. આ ઉપરાંત કૃષિ અને તકનીકી યુનિવર્સિટી પણ છે. દેશનું સાક્ષરતાનું પ્રમાણ 66 % જેટલું છે. દેશનાં શહેરો–નગરોમાં નાનાં-મોટાં દવાખાનાં દ્વારા લોકસ્વાસ્થ્યનું ધ્યાન રખાય છે.

સંસ્કૃતિ : નાઇજિરિયામાં વંશપરંપરાગત સંસ્કૃતિ અને કલાનો વારસો ઊતરી આવેલો છે. આ પૈકી નૃત્ય અને સંગીત મુખ્ય છે. દક્ષિણ તરફના ભાગોમાં તે વધુ જોવા મળે છે. કાષ્ઠનું કોતરકામ, કાંસા પરની કલા- કારીગરીનું નકશીકામ, કોતરકામ તેમજ વણાટકામ થાય છે, પુરાતન ચીજવસ્તુઓનું સંગ્રહસ્થાન અહીં તૈયાર કરવામાં આવેલું છે, જેમાં ઈ. સ. પૂ. 500થી ઈ. સ. 200 દરમિયાનના કાળગાળાની નોક સંસ્કૃતિની ચીજવસ્તુઓને જાળવી રાખવામાં આવેલી છે.

ઉત્તર નાઇજિરિયાના કાનો ખાતેના પિરામિડ્સ ઑવ્ પીનટ્સ.

આર્થિક પ્રવૃત્તિ : આફ્રિકામાં નાઇજિરિયા એ એક એવો દેશ છે, જે આર્થિક પ્રવૃત્તિઓમાં મહત્વનું સ્થાન ભોગવે છે. ખેતીની પ્રવૃત્તિમાં તેનો ફાળો પ્રમાણમાં ઓછો છે. વસ્તીની સંખ્યા મુજબ ખેતપેદાશો પૂરતી ન હોવાથી, જરૂરિયાત મુજબ તેની આયાત કરવામાં આવે છે. 1965 પછીથી અહીંથી ખનિજતેલની નિકાસ થાય છે. તેથી તેની આર્થિક સધ્ધરતા વધી છે. જુદી જુદી વસ્તુઓનું બજાર વિકસતું જાય છે, જે તેની આંતરિક જરૂરિયાતને પહોંચી વળે છે. દુનિયામાં વધુમાં વધુ કલાઈ ઉત્પન્ન કરતા દેશો પૈકીનો તે એક ગણાય છે. સીસું, જસત, લોહઅયસ્ક, કોલંબાઇટ, કોલસો, આરસપહાણ અને ચૂનાખડકોનું ઉત્પાદન થાય છે. કેઇન્જી બંધના વીજઊર્જા મથકેથી વીજનું ઉત્પાદન  થાય છે. ઉત્પાદનક્ષેત્રે ચીજવસ્તુઓની ટકાવારીનું પ્રમાણ 10 % જેટલું મૂકી શકાય. તેલશુદ્ધીકરણનાં કારખાનાં પૉર્ટ હારકૉર્ટ, વારી અને કડુનામાં આવેલાં છે. દેશમાં કલાઈનું ઉત્પાદન કરતાં કારખાનાં છે. આ ઉપરાંત કાપડઉદ્યોગ, ખાદ્યપ્રક્રમણ ઉદ્યોગ, પામ-ઑઇલ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, છૂટા ભાગો જોડીને બનાવાતાં મોટરવાહનોનો ઉદ્યોગ, લાકડાં વહેરવાની મિલો તેમજ ઉપભોક્તા-ચીજો બનાવવાનો ઉદ્યોગ અહીં વિકસ્યા છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ દેશે સારા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ કર્યો છે.

પરિવહન અને વેપાર : નાઇજિરિયામાં ખેતીના પટ્ટા મુખ્યત્વે પૂર્વ-પશ્ચિમ તરફ વહેંચાયેલા હોવાથી તેમજ વેપારનો હેતુ વધુ નિકાસલક્ષી હોવાથી દેશનો મોટાભાગનો વાહનવ્યવહાર ઉત્તર-દક્ષિણ દિશામાં વિકસ્યો છે. દક્ષિણમાં આવેલાં લાગોસ અને પૉર્ટ હારકૉર્ટ ઉત્તરમાં આવેલાં કાનો, મઇદુગુરી તેમજ અન્ય સ્થાનો સાથે 3,505 કિમી. લંબાઈના રેલમાર્ગથી જોડાયેલાં છે. 1,94,394 કિમી. લંબાઈના માર્ગો છે. દેશનું લગભગ 80 % વહાણવટું લાગોસ બંદર મારફતે થાય છે. લાગોસ દેશનું મહત્વનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. આ સિવાય અન્ય ત્રણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પણ છે. દેશની ખનિજતેલની ઊપજ વર્ષોથી લગભગ એકસરખી રહી હોવાથી વેપારની સમતુલા જળવાઈ રહી છે. તેલની પેદાશો, કેકાઓ, તાડફળી અને મગફળી તેમ જ કલાઈની નિકાસ થાય છે. મુખ્ય આયાતમાં વાહન-વ્યવહારનાં સાધનો અને તેના છૂટા ભાગો, લોખંડ-પોલાદની ચીજવસ્તુઓ તથા ખોરાકી સામગ્રીનો સમાવેશ થાય છે. દેશનો વધુ વિદેશી વ્યાપાર યુ.એસ., ગ્રેટ બ્રિટન, જર્મની અને નેધરલૅન્ડ સાથે થાય છે.

રાજકીય વિભાગો : આ દેશના ચાર રાજકીય વિભાગો પાડવામાં આવેલા છે : (1) પશ્ચિમ વિસ્તાર : ઇબાદાન તેનું મુખ્યમથક છે. નાઇજિરિયાની જૂની રાજધાની લાગોસ આ વિસ્તારના સાગરકિનારે આવેલી છે. (2) મધ્ય પશ્ચિમ વિસ્તાર : બેનિન તેનું મુખ્ય મથક છે. (3) પૂર્વ વિસ્તાર : ઇન્યુગુ તેનું મુખ્ય મથક છે. આ વિસ્તાર ગીચ વસ્તીવાળો છે. અહીં ઘણાં ઔદ્યોગિક કેન્દ્રો આવેલાં છે. (4) ઉત્તર વિસ્તાર : કડુના આ વિસ્તારનું મુખ્ય મથક છે. આ વિસ્તાર સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવે છે. નાઇજિરિયાની 50 % ઉપરાંત વસ્તી અહીં વસે છે.

ઇતિહાસ : સવાના અને જંગલોનો સમાવેશ કરતા ઉત્તર અને દક્ષિણ નાઇજિરિયાનો પોતાનો અલગ ઇતિહાસ છે. આઠમી સદીના ગાળામાં આરબ વેપારીઓને આફ્રિકાનાં જુદાં જુદાં શહેરો અને નગરોમાં તેમની અવરજવર દરમિયાન જણાયું કે વેપાર વિશિષ્ટ રીતે ગૂંથાયેલો હતો. પ્રદેશભેદે જુદા જુદા રાજાઓ હતા. સવાના વિસ્તારમાં ઘણાં રાજ્યો અસ્તિત્વ ધરાવતાં હતાં. આ અંગેનો જૂનામાં જૂનો હેવાલ આરબ પ્રવાસી ઇબ્ન બતૂતાએ પશ્ચિમ સવાના વિસ્તારમાં લીધેલી મુલાકાત (1352–53)ની માહિતીમાંથી મળે છે.

પશ્ચિમ તરફ 700–1350 દરમિયાન ઘાનાનું મોટું સામ્રાજ્ય હતું. પૂર્વમાં 1000ના અરસામાં હૌસાની અમીરાત હતી, જે આજના ઉત્તર નાઇજિરિયાને સ્થાને હતી. અગ્નિદિશામાં આવેલા યોરૂબાલૅન્ડમાંથી મળતા પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અગિયારમી સદીમાં ત્યાં મોટા પાયા પર શહેરીકરણ હતું. યોરૂબા અને બેનિનની પ્રજા કાંસા અને પિત્તળના ધાતુ-શોધનનું કૌશલ્ય ધરાવતી હતી. અગ્નિ-નાઇજિરિયાના ઈબોમાં નવમી સદીમાં સુધરેલો સમાજ અસ્તિત્વ ધરાવતો હતો. તેમણે કાંસા પરના નકશીકામ સહિત કલાકારીગરીની ચીજો બનાવવાનો કસબ વિકસાવ્યો હતો.

નાઇજિરિયાના કિનારાના પ્રદેશમાં પ્રવાસ કરનારા યુરોપિયનો પૈકી પોર્ટુગીઝો પ્રથમ હતા. 1440–1450ના ગાળામાં તેમણે આફ્રિકી લોકોને ગુલામ તરીકે પોતાના દેશમાં લઈ જવાનું શરૂ કરેલું. 1500ના અરસામાં પોર્ટુગલ-નાઇજિરિયા (આફ્રિકા) વચ્ચે ગુલામોનો વેપાર સ્થાપિત-વિકસિત થઈ ચૂક્યો હતો. ત્યાં સુધીમાં આશરે 63 લાખ ગુલામોને પશ્ચિમ આફ્રિકામાંથી લઈ જવાયા હતા. આ પૈકી લગભગ 23 % પશ્ચિમ નાઇજિરિયા, બેનિન અને ટોગોમાંથી તથા 42 % નાઇજરના ત્રિકોણપ્રદેશ અને કૅમેરૂનમાંથી લઈ ગયા હોવાનો અંદાજ મુકાયેલો છે.

તે પછીનાં ઘણાં વર્ષોના ગાળા બાદ સર જ્યૉર્જ ગોલ્ડીના વડપણ હેઠળ નાઇજિરિયામાં બ્રિટિશ સત્તાનો પાયો નંખાયો. 1885માં બર્લિનમાં ભરાયેલી પરિષદમાં નાઇજર-થાળા પરનો બ્રિટિશ દાવો યુરોપિયનોએ મંજૂર રાખેલો. 1914માં અહીં બ્રિટિશ સત્તા સ્થાપિત થઈ ચૂકી હતી. તેના ગવર્નર તરીકે સર ફ્રેડરિક લ્યુગાર્ડને નીમવામાં આવેલો. પછીના થોડા દાયકાઓમાં અહીંની પ્રજા જેમ જેમ શિક્ષિત થતી ગઈ તેમ તેમ પ્રાદેશિક સ્વાતંત્ર્યનું બીજ રોપાયું. 1960માં નાઇજિરિયા સ્વતંત્ર થયું. શરૂઆતમાં સંસદીય પદ્ધતિ અમલમાં આવી. દેશ ત્રણ વિસ્તારોમાં વહેંચાયો અને પ્રત્યેકમાં પોતાની સમવાયી સરકાર રચાઈ. વધુ વસ્તી ધરાવતો ઉત્તરનો વિસ્તાર આખા દેશ પર રાજકીય આધિપત્ય ભોગવતો થયો. આમાંથી ઉત્તરમાંના હૌસા અને દક્ષિણ અગ્નિમાંના ઈબો વચ્ચે સંઘર્ષ ઊભો થયો. 1966ના જાન્યુઆરીમાં લશ્કરી અથડામણ થઈ. પરિણામે ઉત્તરમાં રહેતા ઘણા ઈબો વસાહતીઓની હત્યા થઈ; બીજા ઘણાઓએ અગ્નિ તરફ સ્થળાંતર કર્યું. 1967માં લોહિયાળ આંતરવિગ્રહ ફાટી નીકળ્યો, જે 1970 સુધી ચાલ્યો. ઈબોની હાર થઈ. સેંકડો-હજારો મરાયા. 1975માં લશ્કરી ટુકડીઓ કામે લાગી. 1979માં ચૂંટણી થઈ. લશ્કરી સત્તાને સ્થાને પ્રજાની સત્તા આવી. 1979ના ઑક્ટોબરની પહેલી તારીખે નવું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. નાઇજિરિયન રાષ્ટ્રીય પક્ષના શેહુ શેગારી નાઇજિરિયાના રાષ્ટ્રપ્રમુખ બન્યા. અત્યારે નાઇજિરિયા 19 રાજ્યોમાં વહેંચાયેલું છે.

ઈ. સ. 1983માં ચૂંટણી થયા પછી લશ્કરે ફરી વાર સત્તા આંચકી લીધી. ઈ. સ. 1960 અને 1966નાં વર્ષો વચ્ચે નાઇજિરિયાએ માત્ર 9 વર્ષ સુધી નાગરિકોનું શાસન (civilian government) ભોગવ્યું હતું. લશ્કરી સરકારે 1993માં પ્રમુખની ચૂંટણી જાહેર કરી. તેમાં મોશુદ અબાયોલાના વિજયને અમાન્ય કર્યો. લશ્કરના સેનાપતિ જનરલ સાની અબાચાએ સત્તા હસ્તગત કરી. ઈ. સ. 1994માં રાષ્ટ્રવ્યાપી દેખાવો થયા. લોકોએ અબાયોલાને હરીફ સરકાર રચવા દબાણ કર્યું, પરન્તુ તેની ધરપકડ કરવામાં આવી. અબાચાના શાસનમાં માનવઅધિકારોનો દુરુપયોગ તથા વિરોધીઓને કચડી નાખવા માટે ટીકા થઈ. નવ કર્મશીલોને મારી નાખવાથી નાઇજિરિયાને કૉમનવેલ્થ ઑફ નેશન્સમાંથી 1999 સુધી દૂર કરવામાં આવ્યું.

ઈ. સ. 1998માં જનરલ અબાચા મરણ પામ્યો અને જનરલ અબુ બકરે સત્તા મેળવી. જુલાઈ, 1998માં અબાયોલાનું જેલમાં મૃત્યુ થવાથી વ્યાપક રમખાણો થયાં. ઈ. સ. 1999ની ચૂંટણીમાં જનરલ ઓલુસેગમ ઓબાસાંજો પ્રમુખ થયો. ઈ. સ. 2003માં ઓબાસાંજો પુન: ચૂંટાયો. 21મી ફેબ્રુઆરી, 2005ના રોજ પ્રમુખ ઓબાસાંજોએ રાજકીય સુધારા કરવા માટે રાષ્ટ્રીય પરિષદ બોલાવી. 12મી મે, 2007ના રોજ લાગોસ શહેરથી 48 કિલોમીટર દૂર ગૅસોલીનની પાઇપમાં વિસ્ફોટ થવાથી 200 માણસો મરણ પામ્યા. 2013માં તે દેશ યંત્રો, રસાયણો વગેરે આયાત કરતો હતો.

નાઇજિરિયા જંગી વસ્તી અને શક્તિશાળી અર્થતંત્ર ધરાવે છે. તે  ‘આફ્રિકન જાયન્ટ’ દેશ છે. વસ્તીની દૃષ્ટિએ આફ્રિકાનું પ્રથમ નંબરનું અને વિશ્વનું સાતમું સૌથી મોટું રાષ્ટ્ર છે. મે, 2014ની માહિતી અનુસાર 500 અબજ ડૉલર સાથે તે આફ્રિકાનું સૌથી મોટું અર્થતંત્ર છે. દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રની ઉપરવટ થઈ તે આગળ નીકળી ગયું છે. આ વિકાસની સાથે વિનાશક સમસ્યા પણ તેને ગ્રસી રહી છે.

આ વિનાશક સમસ્યા ‘બોકો હરામ’ના આતંકવાદની છે. અલકાયદા સાથે સંકળાયેલું આ ઇસ્લામી આતંકવાદી સંગઠન જોખમો પેદા કરે છે. છેલ્લા એક વર્ષ(2013–14ના)માં તેણે 1500 લોકોનો ભોગ લીધો છે. આ આતંકી જૂથે શહેર ઈશાન બોર્નોની ગર્લ્સ હૉસ્ટેલ પર હુમલો કરી 15થી 18ની વયની 200 કિશોરીઓનું અપહરણ કર્યું. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ મુસા આરાકુરાનું અચાનક અવસાન થવાથી નાઇજિરિયન રાષ્ટ્રપ્રમુખ ગુડલક જોનાથન બન્યા, જેઓ આતંકવાદને રોકી શકતા નથી.

બોકો હરામ 2009થી સક્રિય બનેલું આતંકવાદી જૂથ છે. ‘બોકો હરામ’નો અર્થ છે ‘પશ્ચિમી જ્ઞાન વર્જ્ય’. તેઓ દેશમાં શરિયા કાનૂન લાવવાની નેમ તાકે છે. પ્રજા મુખ્યત્વે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે વહેંચાયેલી છે. ઉત્તરમાં મતોના ભાગલા પાડવા માટે જોનાથન સરકાર બોકો હરામને હવા પૂરી પાડી રહી હોવાનો લોકમત છે. નાઇજિરિયાના નોબેલ વિજેતા કવિ વોલ સોયિન્કાના મતે નાઇજિરિયામાં યુદ્ધ જેવી સ્થિતિ છે અને કાબેલ નેતા જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે તેમ બને. મે, 2014 સુધીમાં પશ્ચિમી શિક્ષણ વિરુદ્ધની આ આતંકવાદી પ્રવૃત્તિ જોખમી બની ગઈ છે.

મહેશ મ. ત્રિવેદી

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ

રક્ષા મ. વ્યાસ