નવદ્વીપ : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લામાં ભાગીરથી અને જલાંગી નદીઓના સંગમસ્થાન પર આવેલું નગર, ધાર્મિક કેન્દ્ર અને યાત્રાધામ. તે 23° ઉ. અ. અને 88° પૂ. રે. પર, રાજ્યના પાટનગર કૉલકાતાથી ઉત્તરે આશરે 160 કિમી. દૂર અને જિલ્લામથક કૃષ્ણનગરથી પશ્ચિમે આશરે 30 કિમી. દૂર આવેલું છે.

આ નગર ભાગીરથી નદીના કાંપનિક્ષેપિત ફળદ્રૂપ મેદાનોમાં કિનારા પર વસેલું છે. ભૂતકાળમાં આ નદીએ અનેક વાર તેનું વહેણ બદલ્યા કર્યું છે, તેથી આ નગરને થોડુંઘણું સહન કરવું પડ્યું છે. ધાર્મિક દૃષ્ટિએ આ નગર પવિત્ર ગણાય છે; એટલું જ નહિ, પણ તે તેની સંસ્કૃત પાઠશાળાઓ માટે ભારતભરમાં ખ્યાતિ ધરાવે છે; આથી તેને ‘બંગાળનું વારાણસી’ એવી ઉપમા આપવામાં આવી છે. આ ઉપરાંત તે વૈષ્ણવ સંપ્રદાયના મહાન સંત શ્રી ચૈતન્ય મહાપ્રભુ(1486–1533)નું પણ જન્મસ્થાન છે.

આ નગરમાં ધાતુ – ખાસ કરીને પિત્તળ – નો સરસામાન બનાવવાનો ઉદ્યોગ આગળ પડતો છે. અહીં કૉલકાતા યુનિવર્સિટીને સંલગ્ન એક કૉલેજ પણ છે. 1869માં અહીં નગરપાલિકાની સ્થાપના થયેલી. તેની વસ્તીમાં કાળક્રમે વધારો થતો રહ્યો છે.

ઈ. સ. 1063ના અરસામાં સેન રાજવંશના પાટનગર તરીકે જ્યાં નદિયાની સ્થાપના થઈ હતી, તે આજે નવદ્વીપ તરીકે ઓળખાય છે. વિજયસેન નામના બળવાન રાજાના સમયમાં સેન સામ્રાજ્ય મગધ–ઝારખંડથી તે છેક કામરૂપ(આસામ) સુધી વિસ્તરેલું હતું. તેરમી સદીના પ્રારંભમાં દિલ્હીના સુલતાન મુહમ્મદ ખલજીએ બંગાળ પર ચડાઈ કરી ત્યારે સેનવંશના રાજાઓની રાજધાની નદિયા(નવદ્વીપ)માં પ્રવેશ કર્યો. ત્યારપછી અહીં મુસલમાન સુલતાનોનું રાજ્ય શરૂ થયું.

બીજલ પરમાર