નવનીત–સમર્પણ : ગુજરાતી માસિકપત્ર. શિષ્ટ સાહિત્ય પીરસતું અગ્રણી ગુજરાતી સાહિત્યિક સામયિક.

સાહિત્યરસિક ગુજરાતી કુટુંબોનું તે પ્રિય માસિક છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે પ્રદેશોમાં – વિદેશોમાં પણ તે સારી સંખ્યામાં વંચાતું આવ્યું છે.

અગાઉ ‘નવનીત’ અને ‘સમર્પણ’ જુદાં જુદાં પ્રગટ થતાં હતાં. બંને સાહિત્યિક સામયિક હતાં.

ઈ. સ. 1962ના જાન્યુઆરી માસમાં ‘નવનીત’નો પ્રથમ અંક પ્રગટ થયો હતો. તેના પ્રકાશક ગોપાલ નેવટિયા હતા અને ‘નવનીત’ પ્રકાશન લિ. મુંબઈથી તે પ્રગટ થતું હતું. તેનાં તંત્રી તરીકે કુંદનિકા કાપડિયા હતાં, જેમણે ઈ. સ. 1980 માં ‘નવનીત-સમર્પણ’ નું જોડાણ થયું ત્યાં સુધી તેનું તંત્રીપદ સુપેરે સંભાળ્યું. એનું સ્વરૂપ અંગ્રેજી ડાઇજેસ્ટને મળતું રખાયું હતું.

‘સમર્પણ’ ભારતીય વિદ્યાભવન મુંબઈ તરફથી પ્રગટ થતું પાક્ષિક હતું અને તેના સ્થાપક કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા. ‘સમર્પણ’ સામયિકે પણ સાહિત્યજગતમાં આગવી મુદ્રા ઉપસાવી હતી. તેનો પ્રથમ અંક 1959માં પ્રગટ થયો હતો.

આ બંને સામયિકોનું જોડાણ 1980 માં થતાં તેનું માસિક રૂપે પ્રકાશન ભારતીય વિદ્યાભવન તરફથી નિયમિત થવા લાગ્યું અને તેને ગુજરાતી વાચકોએ આવકાર્યું.

કાવ્યો, ટૂંકી વાર્તાઓ, ધારાવાહિક નવલકથા, લલિત નિબંધો, વિવેચનો, સંશોધનલેખો, શિલ્પસ્થાપત્ય, ઇતિહાસ, પ્રવાસ વગેરેને લગતું સાહિત્ય તેમાં પીરસાય છે.

‘નવનીત-સમર્પણ’ના સંપાદકપદે ઘનશ્યામ દેસાઈ હતા અને તેમના સંપાદન હેઠળ તે પ્રગતિ કરી રહ્યું હતું. ઘનશ્યામ દેસાઈ પોતે પણ સારા લેખક હતા અને લેખકોનું બહોળું મિત્રમંડળ ધરાવતા હોવાથી ઉત્તમ કૃતિઓ તેમને મળી રહેતી. તેના દિવાળીઅંકો આગવી ભાત પાડે છે. ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ સર્જકોનો સાથ આ સામયિકને મળતો રહ્યો છે. સ્વ. હરીન્દ્ર દવેનો પણ આ સામયિકના વિકાસમાં સારો એવો ફાળો હતો. હાલ ‘નવનીત-સમર્પણ’ના સંપાદક તરીકે દીપક દોશી છે. ‘નવનીત-સમર્પણ’ કમ્પ્યૂટર, ટૅબ્લેટ અને સ્માર્ટ ફોનમાં ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. રજિસ્ટ્રેશન કરાવીને છેલ્લા છ અંકો વાંચી શકાય છે અને એ રીતે દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ આનો લાભ મેળવી રહ્યા છે.

મુકુન્દ પ્રા. શાહ