નવતત્વગાથાપ્રકરણ : જૈન દર્શનનાં નવ તત્વોની ચર્ચા ધરાવતો ગ્રંથ. જડ અને ચેતન એવાં બે તત્વોના બનેલા સંસારમાં તે બે સિવાય ત્રીજું કોઈ તત્વ નથી. અખંડ બ્રહ્માંડના સમગ્ર પદાર્થોનો આ બે તત્વમાં સમાવેશ થાય છે. જેનામાં લાગણી નથી તે જડ. તેથી વિપરીત તે ચૈતન્ય કે આત્મા. આત્મા એટલે જીવ. આમ જીવ એ ચૈતન્યનો પર્યાય છે. જડ અને ચેતન, જીવ અને અજીવ, આ બે તત્વોને સમજાવવા જૈનોએ એકંદરે નવતત્વપર્યંત વિકાસ કરેલો છે : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. એ નવ તત્વોનું આ ગ્રંથમાં પ્રતિપાદન નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે :

જીવ : જીવ પ્રત્યક્ષ દેખાતો નથી પરંતુ સ્વાનુભવ પ્રમાણથી જાણી શકાય છે. ચેતનરૂપી જ્ઞાન તે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોમાં વત્તા કે ઓછા અંશે જણાય છે. આમ ચેતના જીવનું મુખ્ય લક્ષણ છે. સંસારી જીવો અને મુક્ત જીવો  એ બે, જીવના વિભાગ છે. સંસારમાં ભ્રમણ કરતા જીવો એ સંસારી જીવો. સાંસારિક દુ:ખોથી મુક્ત થઈ વિરક્ત રહેનાર જીવ તે મુક્ત જીવ. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ, વીર્ય અને ઉપયોગ  એ છ જીવનાં મુખ્ય લક્ષણ છે. સ્થાવર અને ત્રસ એ બે સંસારી જીવોના ભેદ છે. એકેન્દ્રિય જીવ સ્થાવર છે. બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધીના જીવો ત્રસ જીવો છે.

અજીવ : ચેતનારહિત જડ તે અજીવ તત્વ. ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને કાળ તેના પાંચ ભેદ છે. અહીં ધર્મ અને અધર્મ પુણ્ય-પાપ નથી. તે આખા લોકમાં આકાશની જેમ વ્યાપક અને અરૂપ છે. ધર્મ ગતિમાં સહાયભૂત છે. અધર્મ સ્થિતિ કરવામાં નિમિત્ત છે. જ્યાં ધર્મ અને અધર્મ સ્થિત છે તે લોક. લોકની બહારનો પ્રદેશ તે અલોક. લોકાકાશ અને અલોકાકાશ – આ બે આકાશના ભેદ છે. પરમાણુથી માંડી ઘટ, પટ, આદિસ્થૂલ, અતિસૂક્ષ્મ, તમામ રૂપી પદાર્થોને પુદગલ કહે છે. કાળ દરેકને જ્ઞાત છે. ભૂત-ભવિષ્ય-વર્તમાન કાળના ત્રણ ભેદ છે. કાળની ગતિ અવિરત છે.

પુણ્ય : સારાં કર્મો, શુભકાર્યને પુણ્ય કહે છે. મન, વચન, કાયાની શુભપ્રવૃત્તિથી પુણ્યબંધ થાય છે. પુણ્યનો ઉદય 42 પ્રકારનો છે. પુણ્યના ઉદયથી બાહ્ય સુખ કે અનુકૂળતા પ્રાપ્ત થાય છે. ત્રસ આદિ પ્રવૃત્તિ શુભરૂપ હોવાથી તેની ગણના પુણ્યમાં થાય છે.

પાપ : દુ:ખની સામગ્રી જોડી આપનાર કર્મને પાપ કહે છે. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિથી પાપનો બંધ ખડો થાય છે. પાપસ્થાનકમાં રહેતા અઢાર દોષોથી અઢાર રીતે પાપબંધ થાય છે અને તે બ્યાસી પ્રકારે ભોગવાય છે. સ્થાવરાદિ દશ પ્રવૃત્તિઓ વિપરીત અને અશુભ હોવાથી તેની ગણના પાપપ્રવૃત્તિમાં થાય છે.

આસ્રવ : કર્મબંધના હેતુઓને આસ્રવ કહે છે. તે મન, વચન કાયાની પ્રવૃત્તિરૂપ છે. શુભયોગ એ પુણ્યનો આસ્રવ છે. અશુભયોગ પાપનો આસ્રવ છે. ઇંદ્રિય, કષાય, અવ્રત, યોગ, તપ આ કર્મબંધના હેતુઓ આસ્રવ કહેવાય છે. તેના દ્વારા આસ્રવ તત્વના 42 ભેદો પડે છે.

સંવર : મનોયોગ, વચનયોગ, શરીરયોગ રૂપ આસ્રવથી બંધાતાં કર્મોને અટકાવનાર આત્માના નિર્મળ પરિણામને સંવર કહે છે. આસ્રવનો રોધ કરવો તે સંવર. તે આત્માનું શુભ પરિણામ છે. તેથી નિશ્ચયનયની દૃષ્ટિથી તેના ભેદો નથી, પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ સમિતિ, ગુપ્તિ આદિ તેના 57 ભેદો છે. સર્વકર્મો બંધાતાં અટકી જાય તે સ્થિતિએ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.

નિર્જરા : કર્મનો અંશત: ક્ષય એટલે નિર્જરા. બંધાયેલાં કર્મો ભોગવ્યા પછી ખરી પડે તે નિર્જરા. નિર્જરા બે રીતે થાય છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા. તપથી થતાં નિકાચિત કર્મોની નિર્જરાના બાર ભેદ છે. છ પ્રકારનાં બાહ્ય તપ અને છ પ્રકારનાં આભ્યંતર તપ.

બંધ : જ્ઞાનાવરણાદિ કર્મના પુદગલોનો આત્મા સાથે સંબંધ હોવો તેને બંધ કહે છે. સ્થિતિબંધ, પ્રકૃતિબંધ, રસબંધ, પ્રદેશબંધ  આ ચાર બંધના પ્રકાર છે.

મોક્ષ : કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય તે મોક્ષતત્વ. તેના નવ ભેદ છે. નવ અનુયોગ-દ્વાર વડે મોક્ષતત્વનું નિરૂપણ કરેલું હોવાથી તેના નવ ભેદ કહ્યા છે. માર્ગણા દ્વારના ગત્યાદિ 14 ભેદો છે અને 62 ઉત્તર ભેદો છે. આમ નવતત્વોની ગંભીર દાર્શનિક વિચારણા આ ગ્રંથમાં કરવામાં આવી છે.

કલ્પના કનુભાઈ શેઠ