નવજીવન : ઇન્દુલાલ યાજ્ઞિકે શંકરલાલ બૅંકરના સહકારથી 1915ના જુલાઈ માસમાં શરૂ કરેલું અને પછીથી ગાંધીજીએ ચલાવેલું પત્ર. મૂળ નામ ‘નવજીવન અને સત્ય’ હતું. 1919ના માર્ચ-એપ્રિલમાં ગાંધીજીએ એ જ નામથી તે માસિકને સાપ્તાહિક રૂપે ચલાવેલું. ગાંધીજીએ રૉલેટ ઍક્ટ વિરુદ્ધ આંદોલન ચલાવેલું તેનાથી પ્રભાવિત થઈને ઇન્દુલાલે તે પત્ર ગાંધીજીને સોંપેલું. ગાંધીજીના તંત્રીપદે ‘નવજીવન’નો પહેલો અંક પ્રગટ કરતાં પહેલાં અમદાવાદના પ્રથમ વર્ગના મૅજિસ્ટ્રેટે શંકરલાલ પાસેથી રૂ. 500ની જામીનગીરી માગી હતી. તે અપાયા વિના 1919ના સપ્ટેમ્બરની 7મીએ અંક પ્રગટ થયો. પણ તે પછી ગાંધીજીની સૂચનાથી શંકરલાલ બૅંકર અમદાવાદ જિલ્લાના કલેક્ટર જી. ઇ. ચૅટફીલ્ડને મળ્યા. તેમણે ‘નવજીવન’ જામીનગીરી આપ્યા વિના પ્રગટ કરવાની પરવાનગી આપી. સાપ્તાહિકના ઉપતંત્રી અને પ્રકાશક તરીકે ઇન્દુલાલનું અને મુદ્રક તરીકે શંકરલાલનું નામ નોંધાવવામાં આવ્યું. સાપ્તાહિકની આર્થિક વ્યવસ્થા 1919ના અંતભાગમાં સ્વામી આનંદને સોંપવામાં આવી અને બેત્રણ માસ પછી સ્વામી આનંદે વડોદરાથી જુગતરામ દવેને પોતાના કામમાં સહાય કરવા બોલાવ્યા.

શરૂઆતમાં ‘નવજીવન’નું દરેક પાનું ઊભી કટારમાં વિભક્ત એવાં ફૂલ્સકૅપ કદનાં 16 પાનાંથી પ્રસિદ્ધ થયેલું. વાર્ષિક લવાજમ (જૂના ચલણમાં 16 આનાનો રૂપિયો હતો) રૂ. 3, આના 8 (=Rs 3.50) અને છૂટક નકલની કિંમત એક આનો (6 પૈસા, જૂની ચલણ કિંમત હતી.) રાખવામાં આવી હતી, અને એવું ‘નવજીવન’ રાયખડમાં આવેલા ‘નટવર પ્રિન્ટિંગ પ્રેસ’ નામના છાપખાનામાં છપાતું હતું. પરંતુ ‘નવજીવન’ની કટારોમાં ગાંધીજી સરકારની નીતિરીતિઓની ટીકા કરતા હોવાથી એ છાપખાનાના માલિક માટે કદાચ ભય ઊભો થાય એમ લાગતાં ગાંધીજીને ‘નવજીવન’ માટે પોતાની માલિકીનું છાપખાનું હોવું જોઈએ એમ લાગતાં તેમની સૂચનાથી મગનલાલ ગાંધી અને અનસૂયાબહેન સારાભાઈએ પાનકોર નાકા પાસે ચૂડી ઓળના નાકાની ગલીમાં ચાલતું ‘મનહર પ્રિન્ટિંગ પ્રેસ’ નામનું છાપખાનું તેના માલિક પાસેથી રૂ. 10,000માં વેચાતું લીધું અને મગનલાલ ગાંધીએ એ છાપખાનાનું નામ ‘નવજીવન મુદ્રણાલય’ રાખ્યું.

નવજીવનની પહેલા અંકની 5,000 નકલો છપાઈ હતી. તે ઓછી પડતાં એ પહેલા અંકની 5,000 નકલોની બીજી આવૃત્તિ છાપવી પડી હતી. તે પછીય ‘નવજીવન’ની સરેરાશ 9,000 નકલો છપાતી અને છતાંય ખોટ જતી હોવાથી ‘નવજીવન’ના પહેલા વર્ષના 34મા અંકથી વાર્ષિક લવાજમ રૂ. 4-0-0નું કરવામાં આવ્યું અને પાનાંની સંખ્યા 16 હતી તે ઘટાડીને 8ની કરવામાં આવી.

ગાંધીજીએ 1920ના મે પછી મુસલમાનોની ખિલાફતની લડતમાં સક્રિય ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે તેમની એ નીતિ સાથે અસંમત થઈ ઇન્દુલાલ યાજ્ઞિક એ વર્ષના જૂનમાં કે જુલાઈમાં ‘નવજીવન’માંથી છૂટા થયા.

ગુજરાતી ‘નવજીવન’ સાથે 1921ના ઑગસ્ટથી ઇન્દોરના હરિભાઉ ઉપાધ્યાયના તંત્રીપદે ‘હિંદી નવજીવન’ શરૂ થયું. ‘નવજીવન’ને બે વર્ષ પૂરાં થતાં એટલે કે 7 સપ્ટેમ્બર, 1921 પછી મહમદઅલી દિલ્હીમાંથી ‘કૉમરેડ’ નામનું સામયિક પ્રસિદ્ધ કરતા હતા તે સામયિક જે છાપખાનામાં છપાતું હતું તેની યંત્રસામગ્રી તેમણે ‘નવજીવન મુદ્રણાલય’ને વિના મૂલ્યે આપી દીધી.

1921ના વર્ષમાં ‘નવજીવન’ની લગભગ 40,000 જેટલી નકલો ખપતી અને ‘હિંદી નવજીવન’ની 15થી 17 હજાર જેટલી નકલો ખપતી.

11મી ફેબ્રુઆરી, 1922થી ‘નવજીવન મુદ્રણાલય’નાં અને નવજીવન સંસ્થાનાં બધાં ખાતાં સારંગપુર દરવાજાની બહાર સરખીગરાની વાડીમાં રૂ. 400ના માસિક ભાડાથી ભાડે રાખેલા મકાનમાં લઈ જવામાં આવ્યાં.

ગાંધીજી અને શંકરલાલ બૅંકરને 1922ના માર્ચની 18મીએ અનુક્રમે 6 વર્ષની અને દોઢ વર્ષની સજા થઈ તે પછી સ્વામી આનંદ ‘નવજીવન’ના ઉપતંત્રી અને જયકૃષ્ણ પ્રભુદાસ ભણસાળી તેના મુદ્રક થયા. ત્રણેક માસ પછી સ્વામી આનંદની ધરપકડ થતાં ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસ ‘નવજીવન’ના તંત્રી, મુદ્રક અને પ્રકાશક થયા. તેમના પછી ‘નવજીવન’ના 28મી ઑક્ટોબર, 1923ના અંકથી મહાદેવ દેસાઈ ‘નવજીવન’ના તંત્રી અને વેણીલાલ બૂચ તેના મુદ્રક અને પ્રકાશક થયા.

ગાંધીજી તેમની સજાની મુદત પૂરી થયા પહેલાં 1924ના ફેબ્રુઆરીની પાંચમીએ યરવડા જેલમાંથી છૂટ્યા પછી તેમણે ‘નવજીવન’ના 6ઠ્ઠી એપ્રિલ, 1924ના અંકથી તેનું તંત્રીપદ સંભાળી લીધું.

‘નવજીવન’ના 24મી જૂન, 1920ના અંકથી તેના મુદ્રક તરીકે સ્વામી આનંદનું સ્થાન મોહનલાલ ભટ્ટે લીધું.

25મી જુલાઈ, 1929થી ‘નવજીવન’ની પૂર્તિ રૂપે કાકા કાલેલકરના સંપાદકપદે ‘શિક્ષણ અને સાહિત્ય’ સામયિક શરૂ થયું.

ગાંધીજીની 1930ના મેની 5મીએ ધરપકડ થઈ તે પછી ‘નવજીવન’ના તંત્રી પહેલાં નરહરિ પરીખ થયા અને તેમની ધરપકડ પછી તેમનું સ્થાન મોહનલાલ ભટ્ટે લીધું.

‘નવજીવન’નો 6ઠ્ઠી જુલાઈ, 1930નો અંક પ્રસિદ્ધ થયા પછી સરકારે નવજીવન મુદ્રણાલય જપ્ત કર્યું. એમ છતાં 1931ના માર્ચની પાંચમીએ ગાંધી-અરવિન કરાર થયા ત્યાં સુધી સોમાભાઈ દેસાઈ અને બુલાખીદાસ શાહ નામના ‘નવજીવન મુદ્રણાલય’ના બે કારીગરોએ ભૂગર્ભમાં રહી રોનિયો યંત્ર ઉપર ‘નવજીવન’ના હસ્તલિખિત અંકોની નકલો છાપીને એ નકલો ‘નવજીવન’ના વાચકોને પહોંચાડવાનું ચાલુ રાખ્યું. ‘નવજીવન’ના એવા હસ્તલિખિત અંકોમાં ગાંધીજીએ યરવડા જેલમાંથી 1930ના જુલાઈની 22મીથી ઑક્ટોબરની 14મી સુધી દર અઠવાડિયે મંગળવારે નારણદાસ ગાંધીને લખેલા પત્રોની સાથે આશ્રમની પ્રાત:કાળની પ્રાર્થનાના સમયે વાંચી સંભળાવવાનાં આશ્રમવ્રતો ઉપરનાં પ્રવચનો પણ છપાયાં હતાં.

ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાંથી પાછા આવ્યા પછી 1932ના જાન્યુઆરીની 4થીએ તેમની ધરપકડ થવાથી ‘નવજીવન’ના તંત્રી કાકા કાલેલકર થયા અને એક અઠવાડિયા પછી તેમનીય ધરપકડ થતાં તેમનું સ્થાન મોહનલાલ ભટ્ટે લીધું, પણ તે પછી તરત જાન્યુઆરીની 15મીએ સરકારે ‘નવજીવન મુદ્રણાલય’ જપ્ત કર્યું. એમ છતાં આ વેળાય પહેલાં બહેચરદાસ જીવરાજ દોશીએ, તેમની ધરપકડ પછી ગોપાળદાસ જીવાભાઈ પટેલે અને તેમની ધરપકડ પછી અમૃતલાલ મણિલાલ પંડ્યાએ લગભગ 1932ના અંત સુધી ભૂગર્ભમાં રહી ‘નવજીવન’ના હસ્તલિખિત અંકો કાઢવાનું ચાલુ રાખ્યું અને એ હસ્તલિખિત અંકોની નકલો કરીને એ નકલો પ્રજામાં વહેંચવાનું કામ સ્થળે સ્થળે સેવકોએ ઉપાડી લીધું. 1932માં નવજીવન પ્રેસ વેચાઈ જતાં તે કામ બંધ થયું.

‘નવજીવન’ની કટારોમાં ગાધીજી અંગ્રેજ શાસકોની આપખુદ અને અન્યાયી નીતિરીતિઓની ટીકા કરતા. તે સાથે 1920–21ના અસહકારના આંદોલનના અંગરૂપ ધારાસભાઓનો, સરકારી અદાલતોનો, સરકારી માલિકીની અને સરકારના અનુદાનથી ચાલતી શિક્ષણસંસ્થાઓનો અને પરદેશી કાપડનો એમ ચતુર્વિધ બહિષ્કારના અને સ્વદેશી, ખાદી, કોમી ઐક્ય, રાષ્ટ્રીય શિક્ષણ, મદ્યનિષેધ અને અસ્પૃશ્યતાનિવારણના રચનાત્મક કાર્યક્રમનો પ્રચાર કરતા, પોતાના પ્રવાસોનું વર્ણન કરતા, એ પ્રવાસો દરમિયાન તેમણે જોયેલાં પ્રકૃતિસૌંદર્યનાં દૃશ્યોનાં કોઈ કવિના જેવા ઉમળકાથી ચિત્રો આલેખતા, સ્ત્રીઓને લગતા પ્રશ્નો અને બીજાં સામાજિક અનિષ્ટો વિશે લખતા, સરકાર સામે ચાલતી વિવિધ લડતોને લગતા આમજનતા સમજી શકે એવી ભાષામાં સમાચાર આપતા અને પોતાના ઇષ્ટદેવ રામ અને રામનામના પ્રભાવ વિશે ભક્તિભાવથી લખતા.

ગાંધીજીએ યરવડા જેલમાં ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’નાં 30 પ્રકરણો લખ્યાં હતાં તેનું તેમણે 1924ના એપ્રિલની 2જીએ લખેલું પ્રાસ્તાવિક ‘નવજીવન’ના 6ઠ્ઠી એપ્રિલ, 1924ના અંકમાં છપાયું અને તે પછી પ્રકરણો હપતે હપતે એક પછી એક ‘નવજીવન’ના અંકોમાં છપાયાં. બાકી રહેલાં પ્રકરણો તેમણે 7મી જુલાઈ, 1925થી લખ્યાં તે પણ એવી જ રીતે હપતે હપતે ‘નવજીવન’માં છપાયાં અને છેલ્લું ‘ઉપસંહાર’નું પ્રકરણ ‘નવજીવન’ના 22મી નવેમ્બર, 1925ના અંકમાં પ્રગટ થયું.

ગાંધીજીના ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ પુસ્તકની પ્રસ્તાવના ‘નવજીવન’ના 29મી નવેમ્બર, 1925ના અંકમાં પ્રગટ થઈ અને તે પછી તેનાં પ્રકરણો પણ હપતે હપતે દર અઠવાડિયે ‘નવજીવન’ના અંકોમાં છપાયાં અને ‘પૂર્ણાહુતિ’નું છેલ્લું પ્રકરણ તેના 3જી ફેબ્રુઆરી, 1929ના અંકમાં પ્રગટ થયું.

ગાંધીજીની સાથે સાથે મહાદેવ દેસાઈ પણ ‘નવજીવન’ની કટારોમાં લખતા, ગાંધીજીના પ્રવાસોનું વર્ણન કરતા, એ પ્રવાસો દરમિયાન ગાંધીજીએ વ્યક્તિઓને આપેલી કે સંસ્થાઓની લીધેલી મુલાકાતોના અહેવાલ આપતા, ગાંધીજીએ સ્થળે સ્થળે કરેલાં પ્રવચનોનો ટૂંકો સાર આપતા, તેમના અંગ્રેજી લેખોનો પ્રાસાદિક ગુજરાતીમાં અનુવાદ આપતા અને કોઈ કોઈ વ્યક્તિઓનાં રસપ્રદ રેખાચિત્રો દોરતા.

આ ઉપરાંત નરસિંહરાવ દિવેટિયા, આનંદશંકર ધ્રુવ, ન્હાનાલાલ કવિ, ઉત્તમલાલ ત્રિવેદી, દુર્ગાબહેન દેસાઈ, મણિબહેન પરીખ અને ઇમામસાહેબ, અબ્દુલ કાદર બાવઝીરનાં લખાણો પણ ‘નવજીવન’ના કોઈ કોઈ અંકોમાં પ્રગટ થયાં હતાં.

ચી. ના. પટેલ