નવગ્રહ : ખાસ કરીને મંદિરોના સ્થાપત્યમાં – જૈન મંદિરોના ગર્ભગૃહના પ્રવેશદ્વારના ઉપલા ભાગમાં નવગ્રહનાં નવ ચિહનોની પ્રતિમા એક હારમાં ગોઠવવામાં આવે છે. દ્વારશાખામાં બંને બાજુએ ગંગા-યમુનાની પ્રતિમાઓ અને મથાળે નવ ગોખલામાં નવ ગ્રહોની પ્રતિમાની રચના કરવામાં આવતી અને આના વડે બારસાખને સુશોભિત કરવામાં આવતી. આમાં બરાબર વચ્ચેના ભાગમાં દ્વારની ઉપર મંદિરમાં બિરાજેલા દેવ અથવા તીર્થંકરની પ્રતિમા પણ રાખવામાં આવતી. આ પ્રણાલી ગુપ્તકાળ પશ્ચાતની ધારવામાં આવે છે, જે લગભગ છઠ્ઠી સદી પછી બદલાતી ગયેલી. નવગ્રહમાં સૂર્યનું સ્થાન પ્રથમ અને પ્રાથમિક હોય છે, જેની મૂર્તિ બેઠેલી અને હાથમાં કમળ ધારણ કરેલ મુદ્રામાં હોય છે. સૂર્ય પછી સોમ, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર અને શનિ તથા રાહુ અને કેતુ. તેમાં રાહુ તર્પણમુદ્રામાં અને આઠમું સ્થાન ધરાવે છે. આ રીતે નવગ્રહની મૂર્તિઓ બારસાખ ઉપર કંડારવામાં આવે છે. મધ્ય ભારતનાં આઠમી અને નવમી સદીનાં મંદિરોમાં અને પ્રતિહારશૈલીનાં અન્ય મંદિરોમાં નવગ્રહવાળી બારસાખ પ્રચલિત રહેલ છે. સામાન્યત: નવગ્રહની પ્રતિમાઓ બેઠેલી મુદ્રામાં જ કંડારાયેલ હોય છે, પણ અમુક મંદિરોમાં આ સમય દરમિયાન ઊભી પ્રતિમાઓ પણ જોવા મળે છે.
રવીન્દ્ર વસાવડા