નલિયા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પશ્ચિમે આવેલા અબડાસા તાલુકાનું મુખ્ય મથક. સ્થાન 23° 20´ ઉ. અ. અને 68° 50´ પૂ. રે. કચ્છનાં મહત્ત્વનાં ગામો પૈકીનું એક છે; તે જિલ્લાનાં ગામો, તેમજ ભુજ, ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર વગેરે સાથે રાજ્ય-માર્ગ-પરિવહનની બસોથી જોડાયેલું છે. અહીં તાલુકા-કક્ષાની વહીવટી કચેરીઓ આવેલી છે. અહીંથી 8 કિમી. અંતરે લશ્કરી હવાઈ મથક આવેલું છે. અહીં આવેલા હવામાન નોંધ કેન્દ્રમાં ઉનાળા અને શિયાળાના મહત્તમ–લઘુતમ તાપમાનની નોંધ લેવાય છે. વર્ષ દરમિયાન સરેરાશ 250 મિમી. જેટલો વરસાદ પડે છે. ગુજરાતમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વિશેષ કરીને અહીંનું નોંધવામાં આવે છે.

કચ્છપ્રદેશમાં નલિયાનું ભૌગોલિક સ્થાન

નલિયામાં શ્રી જ્ઞાન વિસ્તાર સંઘ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા, સારસ્વતમ્ ટ્રસ્ટ સંચાલિત કન્યા હાઈસ્કૂલ, તાલુકા પંચાયત સંચાલિત કુમારશાળા તથા પ્રાથમિક કન્યાશાળાઓ છે. આ ઉપરાંત અહીં શેઠ નરશીં નાથા જૈન બોર્ડિંગ, જ્ઞાન વિસ્તાર સંઘ સંચાલિત છાત્રાલય, કચ્છ ભાનુશાલી ટ્રસ્ટ સંચાલિત છાત્રાલય અને કુમાર છાત્રાલય આવેલાં છે.

કચ્છનાં જૈન પંચતીર્થોમાં નલિયામાં આવેલું નરશીં નાથા જૈન દેરાસર પ્રખ્યાત છે. નલિયા તાલુકા કક્ષાનું વ્યાપારી કેન્દ્ર હોવાથી અહીં બૅંકોની શાખાઓ કાર્યરત છે. અહીંથી થોડે અંતરે ઘેટાંઉછેર-કેન્દ્ર પણ આવેલું છે. ઓગણીસમી સદી દરમિયાન અને વીસમી સદીની શરૂઆતમાં નલિયામાંથી ઘણા લોકો વેપાર અર્થે મુંબઈ, કૉલકાતા, ઝાંઝીબાર, કરાંચી વગેરે સ્થળે જઈને વસ્યા છે. તેમણે ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઘણી સખાવતો કરી છે.

ર. લ. રાવળ