નર્મદ સાહિત્ય સભા, સૂરત : છેલ્લા નવ દાયકાથી કાર્યરત રહેલી સૂરતની ગુજરાતી સાહિત્ય સંસ્થા. તેનું પ્રથમનું નામકરણ ‘ગુજરાતી સાહિત્ય સભા’ હતું; તે 1923માં સ્થપાઈ હતી ને તેના પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર પાઠકજી હતા. 1939માં આ સંસ્થાનું નામ બદલી ‘નર્મદ સાહિત્ય સભા’ રાખવામાં આવ્યું છે. ત્યારે એના પ્રમુખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી થયા ને કાર્યાલય પણ એમના નિવાસસ્થાન ‘મૈત્રી’માં જ રહ્યું હતું. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના અવસાન પછી જયન્ત પાઠકે પ્રમુખનો ભાર સ્વીકાર્યો. એમના પછી ડૉ. રતન માર્શલે પ્રમુખ તરીકે સેવા આપી. ભગવતીકુમાર શર્માએ ઘણાં વર્ષો સુધી પ્રમુખપદ શોભાવ્યું. એમના અવસાન બાદ હવે ડૉ. પ્રફુલ્લ દેસાઈ તે પદ સંભાળે છે.
આ સંસ્થાનો ઉદ્દેશ સાહિત્યિક રુચિપોષક ને પ્રોત્સાહક પ્રવૃત્તિઓ કરવાનો છે, તેમાં દુકાનોનાં પાટિયાંની શુદ્ધ જોડણી પણ એક હેતુ છે. બીજી સૌથી મહત્ત્વની વાત તો ‘નર્મદ સુવર્ણચંદ્રક’ની છે જે આ સંસ્થા દરેક વર્ષે વિવિધ સાહિત્યસ્વરૂપોનાં શ્રેષ્ઠ પ્રકાશનને આપે છે. નર્મદ ચંદ્રકની યોજના પાછળ વિષ્ણુપ્રસાદની દોરવણી હતી. અત્યારસુધીમાં 66 સારસ્વતોને ‘નર્મદ ચંદ્રક’ એનાયત થયા છે. આ ચંદ્રક પૂર્વે આ સંસ્થા નરેન્દ્રસિંહ મહિડા ચંદ્રક એનાયત કરતી હતી. નર્મદ ચંદ્રક 1933માં ઊજવાયેલી નર્મદ શતાબ્દીના નાણાભંડોળમાંથી બચેલી રકમમાંથી 1940થી દર વર્ષે નિયમિત રૂપે અપાય છે. આ સંસ્થાએ ગુજરાત રાજ્યની રચનામાં ‘ડાંગ’નો પણ સમાવેશ થવો જોઈએ તેની ચળવળ ચલાવી હતી. તે 1965માં જ્યોતીન્દ્ર હ. દવેના પ્રમુખપદે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 23મા અધિવેશનની સૂરત મુકામે યજમાન રહી હતી.
આ સંસ્થા નવલકથા-નવલિકા માટે દર બે વર્ષે નંદશંકર ચંદ્રક આપે છે તો પ્રતિ વર્ષ બાળસાહિત્યની ઉત્તમ કૃતિને ડૉ. ફ્રેની રતન માર્શલ ચંદ્રક એનાયત થાય છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વ્યાખ્યાનમાળા, સુહાસી વ્યાખ્યાનમાળા તેમજ ભગવતીકુમાર શર્માને સૂરત નગરપાલિકાએ સન્માનીને રૂ. 1,11,000/ અર્પણ કર્યા તે એમણે આ સંસ્થાને આપ્યા. તેમાંથી ચન્દ્રવદન મહેતા, મનહરલાલ ચોકસી, જયન્ત પાઠક ને જ્યોતીન્દ્ર હ. દવે વ્યાખ્યાનમાળા યોજાય છે. રતન માર્શલની સ્મૃતિમાં પરભાષી સાહિત્ય સંદર્ભે વ્યાખ્યાનમાળાનું આયોજન સંસ્થા કરે છે. આ ઉપરાંત કુંજવિહારી મહેતાની સ્મૃતિમાં શિક્ષણ-વિષયક વ્યાખ્યાનમાળા અને વ્યોમેશચંદ્ર પાઠક, વ્રજલાલ દવે, અતિસુખશંકર ત્રિવેદીની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળા યોજાય છે. ઈ. સ. 2008થી પ્રતિ વર્ષ ટૂંકી વાર્તાની સ્પર્ધા થાય છે અને શ્રેષ્ઠ ટૂંકી વાર્તાને રૂ. 25,000/ કેતન મુનશી વાર્તા પારિતોષિક એનાયત થાય છે. સૂરતની અન્ય સાહિત્યિક સંસ્થાના સહયોગથી આ સંસ્થા દ્વારા ચાર દિવસનો ભાષામહોત્સવ તથા આઠ-દિવસીય નવલકથાપર્વ, હાસ્યપર્વ, ગઝલપર્વ જેવા કાર્યક્રમોનાં આયોજન થયેલાં. 2015માં ‘સ્વ. યશવંત શુક્લ શતાબ્દીવંદના’નો બે દિવસનો કાર્યક્રમ પણ થયેલો.
બિલ્ડરને વેચાયેલા ‘સરસ્વતીમંદિર’ નામના કવિ નર્મદના મકાનને બચાવવા ‘નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ’ કરવામાં આવ્યું. મકાનને પાછું મેળવી તે મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યું. તે ટ્રસ્ટના વધેલા ફંડમાંથી નર્મદના સમગ્ર સાહિત્યને પ્રકાશિત કરવાની જવાબદારી ડૉ. રમેશ શુક્લ અને જનક નાયકે લીધી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી ડૉ. રમેશ શુક્લે નર્મદના અઢારેક જેટલા ગ્રંથોનું સંપાદન કર્યું અને જનક નાયકે તે પ્રકાશિત કર્યા હતા. વધેલું ફંડ 2005માં નર્મદ સાહિત્યસભાને આપવામાં આવ્યું અને યુગાવર્ત ટ્રસ્ટને બરખાસ્ત કરવામાં આવ્યું.
આમ નર્મદ સાહિત્યસભા તરફથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થતી રહી છે.
નટવરલાલ પંડ્યા