નર્મદા : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થઈને વહેતી નદી. ભારતની સાત પવિત્ર નદીઓ પૈકીની એક. ‘નર્મ’ એટલે સુખ અથવા આનંદ અને ‘દા’ એટલે દેનારી, એ અર્થમાં ‘નર્મદા’ એવું એનું પ્રચલિત નામ પડેલું છે. તેનાં હજાર નામ મળે છે; પરંતુ તે ‘રેવા’, ‘અમરજા’, ‘રુદ્રકન્યા’, ‘મૈકલ-કન્યા’ એવાં નામોથી પણ જાણીતી છે. મધ્યપ્રદેશની મૈકલ પર્વતશ્રેણીના અમરકંટકના સપાટ મેદાનના એક ઝરણામાંથી તેનો ઉદ્ભવ થાય છે. તેનું ઉદ્ભવસ્થાન સમુદ્ર સપાટીથી આશરે 1,057 મી. ઊંચાઈ પર છે. માંડલા જિલ્લાની ટેકરીઓમાં તેનો પ્રવાહ-પથ વાંકોચૂકો છે. ત્યાંથી વિંધ્ય અને સાતપુડાની ટેકરીઓના રચનાત્મક થાળામાં થઈને જબલપુર પાસે પ્રવેશ કરે છે. ઉદ્ભવસ્થાનથી અરબી સમુદ્ર સાથેના તેના મિલનસ્થાન સુધીની તેની કુલ લંબાઈ આશરે 1,310 કિમી. જેટલી થાય છે અને તેનું જલવહન ક્ષેત્ર 98,420 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઉદ્ભવસ્થાનથી તેના કુલ પ્રવાહ દરમિયાન મોટેભાગે તો તે સાતપુડાની ઉત્તર કિનારી પર વહે છે. મધ્યપ્રદેશમાં તે 1,078 કિમી., મહારાષ્ટ્રમાં તે પછીના 32 કિમી., ત્યારપછીના 40 કિમી. મહારાષ્ટ્ર–ગુજરાતની સીમા પર અને ભરૂચ નજીક અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં મળે છે. ત્યાં સુધીના છેલ્લા 160 કિમી. તે ગુજરાત રાજ્યમાં વહે છે. તે મુખ્યત્વે તો પશ્ચિમવાહિની નદી છે, જોકે તેનો શરૂઆતનો પ્રવાહ ઉત્તર તરફનો અને ત્યારપછીનો કેટલોક વાયવ્ય તરફનો છે. ખંભાતના અખાતમાં જ્યાં તેનાં જળ ઠલવાય છે ત્યાં ભરૂચથી હેઠવાસમાં તેના નદીનાળ પ્રદેશની પહોળાઈ વધીને 21 કિમી. જેટલી બની જાય છે.

વર્ષાઋતુમાં ભરૂચ ખાતે બંને કાંઠે વહેતી નર્મદા નદી – એક દૃશ્ય

ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની મોટાભાગની નદીઓ પૂર્વીય જળપરિવાહવાળી છે, નર્મદા અને તાપી તેમાં અપવાદરૂપ છે, આ બે ભગિની-નદીઓ પશ્ચિમવાહિની છે. આ માટે કેટલાક અધિતર્કો રજૂ થયેલા છે, તે પૈકીનો મહત્ત્વનો અધિતર્ક કંઈક આ પ્રમાણે છે : ભારતીય દ્વીપકલ્પનો વિસ્તાર ભૂસ્તરીય સંદર્ભમાં જોતાં અતિપુરાણો ભૂમિભાગ ગણાય છે. ભૂસ્તરીય અતીતમાં સહ્યાદ્રિની પશ્ચિમે પણ, જેટલો પૂર્વ તરફ છે એટલો જ બીજો ભૂમિભાગ અસ્તિત્વ ધરાવતો હતો અને સહ્યાદ્રિ મધ્યમાં રહેલો જળવિભાજક (water divider) હતો; પરંતુ આજના પશ્ચિમ કિનારાને સમાંતર ભંગાણ પડવાથી પશ્ચિમતરફી ભૂમિભાગ અધોગમનની ક્રિયામાં અરબી સમુદ્રમાં ગરકાવ થઈ ગયો છે, તેથી સહ્યાદ્રિ પર્વત હવે કાંઠાની લગોલગ આવી ગયો છે. સ્તરભંગોની ભંગાણક્રિયા દરમિયાન વાયવ્યતરફી ગુજરાતનો પ્રદેશ કંઈક અંશે પશ્ચિમતરફી ઝોક પામેલો હોવાથી આ બે નદીઓનાં વહેણ પશ્ચિમતરફી બની ગયેલાં છે. વળી, આ બે નદીઓ તેમના પોતાના ઘસારાના કાર્યને લીધે અસ્તિત્વમાં આવેલી ખીણોમાં વહેતી નથી, પરંતુ વિંધ્યાચળને સમાંતર બે સ્તરભંગ સપાટીઓમાં અથવા કાંપથી ભરાયેલી ઊંડી ફાટોમાં પ્રવહન કરે છે. પશ્ચિમ કિનારાની બીજી લાક્ષણિકતા એ પણ છે કે આ બંને નદીઓના મુખપ્રદેશોમાં ત્રિકોણપ્રદેશનિક્ષેપનો અભાવ છે. જોરથી ફૂંકાતા મોસમી પવનો તેમજ ભરતીને કારણે ઉદ્ભવતા પ્રવાહોનો વેગ એટલો બધો હોય છે કે કાંપની આડ ત્રિકોણપ્રદેશ રચાવા માટેનું માળખું થઈ શકતી નથી. આ કારણે અહીં ત્રિકોણપ્રદેશો અસ્તિત્વમાં આવેલા નથી.

નર્મદા નદીના બંને કાંઠા પરનાં તીર્થસ્થાનોમાં અતિપ્રાચીન અમરકંટક ઉપરાંત કોટિતીર્થ, કપિલધારા, ઓમકારમાંધાતા, સહસ્રધારા, શૂલપાણેશ્વર, મહેશ્વર, વિમલેશ્વર, સંગમેશ્વર, હરણેશ્વરના સંગમસ્થાન પરનું હરણીસંગમ, ગરુડેશ્વર, ચાંદોદ, કરનાલી, કુબેરભંડારી, નારેશ્વર, શુક્લતીર્થ વગેરે આવેલાં છે, જેની કુલ સંખ્યા 238 જેટલી છે. અમરકંટક ગીચ જંગલમાં હોવા છતાં અત્યંત રમણીય છે. જે ઝરણામાંથી તે નીકળે છે તે ઝરણાના મુખ પર અગિયાર ખૂણાવાળો અને 260 હાથ-પરિઘનો પથ્થરનો કુંડ બનાવેલો છે. નદીના મૂળથી થોડાક અંતર પર 24 મીટર ઊંચો કપિલધારા ધોધ છે. જબલપુરની નજીકના તેના પ્રવાહ પર ધુઆંધાર નામથી ઓળખાતો દૂધધારા ધોધ છે. તેની ઊંચાઈ માત્ર 9 મીટર જેટલી જ છે, પરંતુ જળપાતપ્રવેગ ઘણો છે. જબલપુરની દક્ષિણે આશરે 10 કિમી. અંતરે આ નદી ભેડાઘાટ નામથી ઓળખાતા આરસપહાણના ખડકોમાંથી વહે છે. પર્યટકો માટે આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. નર્મદા નદીના કાંઠા પર ઘણાં જાણીતાં નગરો વસેલાં છે; જેમાં માંડલા, જબલપુર, હોશંગાબાદ, મહેશ્વર, ઓંકારેશ્વર, ગરુડેશ્વર, ભરૂચ, સિનોર, કરનાલી અને હાંફેશ્વર (હાપેશ્વર)  વિશેષ ઉલ્લેખનીય છે. નર્મદાને ઘણી શાખાનદીઓ મળે છે; જેમાં ઉત્તર તરફની હિરણ નદી, જમણી તરફની બરના કોલાર અને ઓરસંગ નદીઓ, તથા સાતપુડા શ્રેણીના ઉત્તર ઢોળાવ પરની બંજાર, શેર, શક્કર, ગંજાલ, તવા, નાની તવા અને કુંડી નદીઓ મુખ્ય છે. તેના ખીણપ્રદેશમાં કેટલાંક સ્થાનો પર ધોધમાર વરસાદ પડે છે.

તેના કુલ વિસ્તારમાંથી 28,36,000 હેક્ટર પ્રદેશમાં ઘટાદાર ગીચ જંગલો આવેલાં છે; જેમાં સાગ, સાલ જેવું ઇમારતી લાકડું પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ જંગલોમાં જંગલી ભેંસ, વાઘ, વાનર તથા હરણ જેવાં પ્રાણીઓ વસે છે. નદીના કુલ વિસ્તારમાંથી 51,89,000 હેક્ટર જમીન ખેડાણલાયક છે, તે પૈકી 33,28,000 હેક્ટર જમીન પર ખેતી થાય છે. ખેતી હેઠળની જમીનમાંથી 89,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળે છે. નદીના પર્વતીય ક્ષેત્રમાં ડાંગર અને બરછટ અનાજ તથા સપાટ મેદાનોમાં ઘઉં અને જુવાર તથા હેઠવાસના વિસ્તારોમાં કપાસ, તેલીબિયાં અને જુવારનો પાક થાય છે. નદીના ખીણપ્રદેશમાં કોલસો, મૅંગેનીઝ, આરસ, ડોલોમાઇટ, ચૂનાખડકો જેવી ખનનપેદાશો પુષ્કળ પ્રમાણમાં મળે છે. કુલ જલવિસ્તાર પૈકીનો માત્ર 112 કિમી. વિસ્તાર જળવ્યવહાર માટે ઉપયોગી છે. તેના બંને કાંઠા પરના ભાગોમાં વસેલી કુલ વસ્તીમાં આદિવાસી પ્રજાનું પ્રમાણ નોંધપાત્ર છે.

ઇતિહાસ : નર્મદા નદીનો ઇતિહાસ પાંચ લાખ વર્ષ પુરાણો હોવાનું કહેવાય છે. તે શિવના શરીરમાંથી નીકળેલી છે એવી હિંદુઓમાં પ્રચલિત પૌરાણિક માન્યતા છે. તેથી તે ગંગા પછીના બીજા ક્રમે પવિત્ર ગણાય છે. ભરૂચથી અમરકંટક સુધીના તેના બંને તટનો મળીને મહાપ્રદક્ષિણાપથ લગભગ 2,560 કિમી. જેટલો છે. કેટલાક અતિ શ્રદ્ધાળુ ભક્તજનો તેની પ્રદક્ષિણા પણ કરે છે. તેના કાંઠા પર રામાયણ અને મહાભારત-કાળના ઋષિમુનિઓનાં આશ્રમો અને તપોભૂમિઓ હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. બીજી શતાબ્દીમાં ગ્રીક ભૂગોળવેત્તા ટૉલેમીએ તેનો નર્મદે (Narmade) તરીકે ઉલ્લેખ કરેલો છે. વળી ગંગા નદી અને અરબી સમુદ્ર વચ્ચેના મહત્ત્વના જળવ્યવહાર માટે તેને ઉપયોગી ગણાવેલી છે. સાતમી સદીમાં તેના કાંઠાના પ્રદેશોમાં ઘણાં સામ્રાજ્યો ઊભાં થયેલાં; જેમાં ગુપ્ત, શક, હર્ષ, પુલકેશી, રાષ્ટ્રકૂટ, ચૌલ અને પરમાર વંશનાં સામ્રાજ્યો વિશેષ ઉલ્લેખનીય છે.

નર્મદા(અને તાપી)ના જૂના કાંપમય અવશેષો તેમના વર્તમાન પટથી 150 મીટરથી વધુ ઊંચાઈએ રહેલા હોવાથી નોંધપાત્ર બની રહે છે. પૃષ્ઠવંશી અને સસ્તન પ્રાણીઓના જીવાવશેષો પૈકી ક્રોકોડિલસ, ટ્રાયોનિક્સ, પાંગ્શુરા, અર્સસ, બુબાલસ, બૉસ, ઇક્વસ, સુસ, સર્વસ, એલિફસ, હિપોપોટેમસ અને રાઇનૉસિરસ ઉપરાંત મેલેનિયા, પ્લેનોર્બિસ, પેલ્યુડિના, લિમ્નિયો, બુલિનસ, યુનિયો જેવાં ભૂમિ પરનાં મોલુસ્કનાં કવચ નર્મદાના કાંપમાં રહેલાં મળી આવેલાં છે. આ પ્રાચીન નદીઓએ આદિમાનવના અસ્તિત્વનાં કેટલાંક ચિહનો પણ જાળવી રાખ્યાં છે. તેમના કાંપમાં પથ્થરની છરીઓ, ફરસીઓ, તીર વગેરે જેવાં હથિયારો છૂટાંછવાયાં મળે છે. નર્મદા (અને ગોદાવરી તેમજ શોણ) નદીઓના ઉપલ અથવા કાંપ-આવરણમાં સચવાયેલા અવશેષો દ્વારા અહીં વસેલા આદિમાનવ-અસ્તિત્વનો ખ્યાલ આવે છે. નર્મદાકિનારે આવેલા ગોદવાડા ગામ નજીક ક્વાર્ટ્ઝાઇટ પથ્થરમાંથી આદિમાનવે બનાવેલી ધારદાર કુહાડી પૂર્વ-ચેલિયન (નિમ્નપ્લાયસ્ટોસીન) સમયની હોવાનું માનવામાં આવે છે, જે ભારતમાંનો આદિ પ્રાગૈતિહાસિક માનવઉપયોગી અવશેષ છે.

નર્મદાનો તાપી સાથે કોઈક કાળે સંગમ હતો તેનો પણ પુરાવો મળી રહે છે. પછીથી થયેલા ભૂસંચલનને કારણે બંનેના માર્ગો અલગ પડી ગયેલા છે. નર્મદાનો વહનમાર્ગ પછીના ભૂસ્તરીય કાળમાં વિક્ષેપ પામેલો છે, જે તેના જબલપુર પાસેના સીધા ઢોળાવવાળા પ્રપાતો પરથી કહી શકાય છે, તે સ્તરભંગનું પરિણામ છે.

ભારતનાં મોટાભાગનાં શિવમંદિરોની મૂર્તિઓ આ નદીમાંથી મળી આવેલા પથ્થરમાંથી બનેલી છે. કાર્તિકી પૂનમ અને સોમવતી અમાસનાં પર્વો પર આ નદીના કાંઠે ક્યાંક ક્યાંક મેળા પણ ભરાય છે. ઘણા ભાવિકો આ નદીની પરકમ્મા (પ્રદક્ષિણા) કરે છે. આદિ શંકરાચાર્યે આ નદીની સ્તુતિ રૂપે સંસ્કૃતમાં રચેલું ‘નર્મદાષ્ટક’ ખૂબ લોકપ્રિય છે.

આ નદી પરની ‘સરદાર સરોવર યોજના’ અને ‘જળવિદ્યુત યોજના’ ગુજરાત રાજ્યના વિકાસની જીવાદોરી ગણાય છે. તેનો લાભ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ઓછાવત્તા પ્રમાણમાં મળશે.

1987–96 ના સમયગાળા દરમિયાન સરદાર સરોવર બંધ પરનું 97 % જેટલું બાંધકામ, 81 % જેટલું કાંકરેટનું કામ તથા નર્મદાથી મહી નદી સુધીની મુખ્ય નહેરનું 144 કિમી. લંબાઈ ધરાવતું પંક્તિબંધન (lining) પૂરું થયું છે. 144 કિમી. પછીનું 264 કિમી. સુધીનું મુખ્ય નહેરનું બાંધકામ તથા ઉપનહેરો અને જળવિતરણની વ્યવસ્થાને લગતું કામકાજ પૂરજોસથી ચાલુ છે.

નર્મદા જળવિવાદ ટ્રિબ્યૂનલે તેના ચુકાદામાં બંધની મહત્તમ ઊંચાઈ 138.68 મી. (455 ફૂટ) જેટલી માન્ય રાખી હતી, જે બધાં સંબંધિત રાજ્યો માટે બંધનકર્તા છે. તેમ છતાં મધ્યપ્રદેશ સરકારે 1997માં બંધની ઊંચાઈ 125.3 મી. (411 ફૂટ) કરતાં વધવી જોઈએ નહિ કારણ કે તેમ થાય તો તે રાજ્યનાં વધુ ગામો ડૂબમાં જાય તેવી શક્યતા છે એવી દલીલ સાથે કેન્દ્ર-સરકાર સમક્ષ રજૂઆત કરી છે. પરિણામે નર્મદા યોજનાનું કામ વિલંબમાં નંખાયું છે. (વધુ માહિતી માટે જુઓ : ‘સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના’, ખંડ 22, પૃ. 341)

બાળકૃષ્ણ માધવરાવ મૂળે